ભારતની એ કમનસીબી
જ કહી શકાય કે રોજગાર, ડિફેન્સ, ઈન્ટરનેશનલ ડિપ્લોમેસી ના બદલે કોઈ એકાદ
નેતાનું નિવેદન જ પ્રાઈમ ટાઇમનો વિષય બની રહે છે. એમાંય ખાસ કરીને
જો આવું કોઈ નિવેદન આપણા પ્રધાનમંત્રી તરફથી આવેલ હોય ત્યારે તો પ્રિન્ટ અને
ડિજિટલ મીડિયા તેમજ
"બેરોજગાર"
મીમ મેકર્સને તો જાણે ઘરનો અવસર આવી જાય છે.
આવા સમયે વધુ સમજદારી તેમજ જવાબદારી ભર્યું કામ એ થઈ શકે કે નિવેદન નો જે મુખ્ય
મુદ્દો હોય તેના વિશે લોકો વધુ જાગરુક બની શકે તેવું કંઈ કરવું. પ્રધાનમંત્રી ના 1988 માં ઇમેઇલ નો
ઉપયોગ કરવા વાળા નિવેદન અંગે અહીં આવો જ ઉપક્રમ રાખેલો છે.
ઇમેઇલનું જે
સ્વરૂપ આજે આપણે ઓળખીએ છીએ તેવુ સ્વરૂપ આવતા પહેલા તેણે ઘણા રૂપ બદલ્યા હતા તેમજ
તેની ઉપત્તિ વિશે પણ એવાજ સવાલો છે જેના કોઈ ચોક્કસ જવાબો નથી. વાત નો દોર શરૂ થાય
છે 1965 થી જ્યારે અત્યારનાં ઈમેઈલ ના પૂર્વજ એવાં MAILBOX ની શરૂઆત ફર્નાન્ડો કોરબાતો અને તેમની ટીમ
દ્વારા થઈ MIT(Massachusates Institute
of Technology) ની આંતરિક ફાઈલ
તેમજ મેમો ટ્રાન્સફર સિસ્ટમ તરીકે કરવામાં આવી. આવી સિસ્ટમ બનાવવા પાછળનો હેતુ એવો
હતો કે તે વખતે લેન્ડલાઈન ફોન જ અવેલેબલ હતા અને જો કોઈ સાયન્ટિસ્ટ બીજા
ડિપાર્ટમેન્ટમાં અન્ય સાયન્ટિસ્ટને કોલ કરે અને જો તે સાયન્ટિસ્ટ બીજા કામ અથવા
મિટિંગ માં હોય તો કાંતો તેને કામ પડતા મૂકી દોડવું પડે અથવા કોલ મિસ થઈ જાય. આ
તકલીફ નિવારવા માટે એક સિસ્ટમ તૈયાર કરાઈ કે જેમાં એક સાયન્ટિસ્ટ બીજા
ડિપાર્ટમેન્ટના સાયન્ટિસ્ટ ના ટેબલ ડેસ્કટોપ સુધી સીધો મેસેજ ડ્રોપ કરી શકે અને તે
સાયન્ટિસ્ટ પોતાનું અગત્યનું કામ પૂરું કરીને જ્યારે પોતાની સિસ્ટમમાં લોગ ઈન કરે
ત્યારે પેલો મેસેજ તેની વાટ જોતો તેનાજ કામયૂટરમાં પડ્યો હોય! આ સિસ્ટમ ખૂબ જ
કારગત નીવડી પણ એની એકમાત્ર તકલીફ એ હતી કે તે બે સિસ્ટમ વચ્ચે કમ્યુનિકેશન કરાવી
આપતી બે વ્યક્તિઓ વચ્ચે નહિ, મતલબ કે એક વ્યક્તિ જો એક ચોક્કસ સિસ્ટમ નો જ
ઉપયોગ કરતી હોય તો જ આ વ્યવસ્થા અસરકારક નીવડી શકે.
1969
ની આસપાસ યુ.એસ ડીપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ની
એડવાન્સ રિસર્ચ પ્રોજેકટ એજન્સી(ARPA)
નામની એજન્સી (જે હવે ડિફેન્સ એડવાન્સ રિસર્ચ
પ્રોજેકટ એજન્સી (DARPA)તરીકે ઓળખાય છે) તેણે પોતાના એજન્ટ્સ સાથે તેમજ
ઇન્ટરડીપાર્ટમેન્ટલ કમ્યુનિકેશન માટે ઓફિસના જ બધા કમ્પ્યુટર ને જોડતું એક નેટવર્ક
ઉભું કર્યું હતું. આ નેટવર્ક એડવાન્સ રિસર્ચ પ્રોજેકટ એજન્સી નેટવર્ક (ARPANET) તરીકે ઓળખાતું હતું. આ નેટવર્કનો મુખ્ય
હેતુ અલગ અલગ યુનિવર્સીટીઓ તથા રિસર્ચ સંસ્થાઓ અરસપરસ માહિતીનું આદાનપ્રદાન કરી
શકે તેવો હતો. આ ઉપયોગ કરીને 29 ઓક્ટોબર 1969
રાત્રે 10:30
વાગ્યે એક રિસર્ચ સ્કોલર ચાર્લ્સ એસ. કલાઈન ના
હસ્તે ARPA ના બોલ્ટર હોલ થી સ્ટેનફોર્ડ રિસર્ચ
ઈન્સ્ટિટ્યુટ સુધી એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર સુધી એક મેસેજ મોકલવામાં આવ્યો
જેનું કન્ટેન્ટ માત્ર
"લોગ ઈન"
એવો શબ્દ હતો. જેની એન્ટ્રી નીચે ની ઈમેજ માં
લોગ બુક માં બતાવેલી છે.લોગ બુકમાં જમણી બાજુ જોવા મળતા ઈનીયશીયલ CSK ચાર્લ્સ એસ. કલાઈન
દર્શાવે છે. આમાં LOGIN
માંથી માત્ર L અને O જ પ્રસારિત થઈ
શક્યા ત્યારબાદ સિસ્ટમ ક્રેશ થઈ ગઈ. પણ આ મેસેજ ને સૌ પ્રથમ એક કમ્પ્યુટર થી બીજા
કમ્પ્યુટર સુધી ડિપાર્ટમેન્ટ ની બહાર થયેલ સૌ પ્રથમ વિજાણુ પ્રસારણ કહી શકાય.
ફોટો કર્ટસી: (Computer History Museum)
1971
સુધીમાં ARPANET
સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયું હતું અને ચાર
નોડ્સ સાથે પરમેનેન્ટ લિંક પણ સ્થપાઈ ચૂકી હતી. આ વખતે BBN નામની એક કંપનીમાં
પ્રોગ્રામર તરીકે કામ કરી રહેલા 30 વર્ષીય રેમંડ ટોમલિન્સન(નીચેનો ફોટો) જે એક
એન્જીનીયર હતાં, તેઓને ARPA
દ્વારા નવાસવા બનેલા આ નેટવર્ક કે જેને
ઈન્ટરનેટનું પૂર્વજ કહી શકાય, તેની ઉપર આગળ કામ કરવા માટે ARPA દ્વારા બોલાવવામાં
આવ્યા. ટોમલિંસને ARPA
નેટવર્ક પર ફાઈલ ટ્રાન્સફર કરી શકાય તે માટે TENEX નામની ઓપરેટિંગ
સિસ્ટમ વિકસાવી અને એની
ઉપર ચાલી શકે તેવો CPYNET નામનો ફાઈલ
ટ્રાન્સફર પ્રોગ્રામ ડેવલપ કર્યો જેની મદદથી એક કમ્પ્યુટર થી બીજા કમ્પ્યુટર સુધી
મેસેજ કરી શકાતો હતો. જે કામ પહેલા માત્ર એક સિસ્ટમ થી બીજી સિસ્ટમ સુધી જ સીમિત
હતું તે કામ વિસ્તારવાનું કામ રેમન્ડ ને સોંપવામાં આવ્યું. પ્રશ્ન એ ઉપસ્થિત થયો
કે જો એક જ કમ્પ્યુટર એક કરતાં વધુ માણસો ઉપયોગ કરતાં હોય તો મેસેજ ની પ્રાઈવસી ના
રહેવા પામે અને મેસેજ કોને ઉદ્દેશીઈને કહેવાયો છે તે પણ કોઈ રીતે મેસેજ સાથે જ
કહેવું જરૂરી લાગ્યું. આવા વિચારોમાં
અટવાયેલા રે ની નજર તેમના કમ્પ્યુટર સાથે જોડેલા મોડેલ 33 ટેલીટાઈપ કીબોર્ડ
પાર પડી તેમાં વિરામચિહ્નો સહિત 12 સિમ્બોલ હતાં અને તેમાં સૌથી ઓછું ઉપયોગમાં
લેવાતું સિમ્બોલ હતું
"@". આ સિમ્બોલનો યુઝ
કરી ને મેસેજ ને ચોક્કસ સરનામું આપવું એવું વિચારવામાં આવ્યું. તેણે એક
સ્ટેઅન્ડર્ડ ફોર્મેટ વિચાર્યું કે જેનાથી મેસેજ લખીને પછી તેને ક્યાં જવાનું એવો
ઓર્ડર એક ચોક્કસ ફોર્મેટમાં જ જાય અને તે મેસેજ જે તે નિર્ધારિત વ્યક્તિને જ મળી
શકે. આ માટે તેમણે username@name
of computer એવું ફોર્મેટ
અપનાવ્યું કે જે વખત જતાં સમગ્ર ઈન્ટરનેટ કમ્યુનિકેશન માટે એક શિરસ્તો બની જવાનું
હતું. આમ કરી રેમન્ડે તેના BNN-TENEXB
થી BBN-TENEXA
નામનાં એકબીજાથી 10 ફૂટ દૂર પડેલા
કમ્પ્યુટર વચ્ચે એક મેસેજ મોકલ્યો, આ મેસેજમાં શુ હતું તે તો રે ને પણ યાદ રહ્યું
નહીં કારણ કે તેના માટે આ ઘટના રોજિંદી વર્કપલ્સ પાર થતી એક સામાન્ય ઘટના જેવી જ
હતી. પણ નેટવર્કમાં 100
યાર્ડ જેટલું અંતર કાપી ને એકમેકથી 10 ફૂટ દૂર પડેલઈ બે
સિસ્ટમ્સ વચ્ચે પ્રસારિત થનાર પ્રથમ ઈમેઈલ બન્યો! જે કંપનીમાં રેમન્ડ ટોમલિંસન કામ
કરતા હતાં અને જે કંપની ની બે સિસ્ટમ્સ વચ્ચે પ્રથમ ઈમેલ પ્રસારિત થયો હતો તે BBN કંપની 2009 માં Raytheon નામની અમેરિકન સરકાર સાથે શસ્ત્ર સોદા કરતી
ડિફેન્સ કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ટેક ઓવર કરી લેવામાં આવી.
ફોટો કર્ટસી: (BBC.com)
આમ જો આજના ઈમેઈલ
ના વ્યાપક રીતે સ્વીકાર્ય ફોર્મેટ અને સ્ટ્રક્ચર ની રીતે જોઈએ તો દુનિયાનો પ્રથમ
ઈમેઈલ મોકલવાનો શ્રેય રે ટોમલિંસન ને ફાળે જાય છે જે તેણે પોતે જ પોતાને કર્યો
હતો. પછી તો તેઓએ SNDMSG
કમાન્ડ ને ઈમેઈલ માટે એક્સટેન્ડ કર્યું અને
સપ્ટેમ્બર 1973 માં RFC
561 નામનો એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ડિઝાઈન કર્યો કે
જેનો અમુક ભાગ આજે પણ આપણે અજાણપણે આપણા ઈમેલ માં યુઝ કરીએ છીએ જેમ કે From, Subject, Date. 1971 માં રે દ્વારા FTP ને ઈમેઈલ માટે
મોડીફાય કરવાનું એક મહત્વનું કાર્ય કર્યું જે કમ્પ્યુટર યુઝર્સ દ્વારા ચેક 1982 માં FTP નું સ્થાન SMTP એ લીધું ત્યાર
સુધી વ્યાપક રીતે વપરાતું રહ્યું. આમ ઘણા લોકો રેમન્ડ ટોમલિંસન ને ઈમેઈલ ના શોધક
તરીકેનું બહુમાન આપે છે. તેઓને ઈમેઇલના પિતા તરીકે માનતા લોકો પણ નાની સંખ્યામાં
નથી. રે ટોમલિંસન ને અન્ય બહુમાન ની સાથોસાથ 2012માં ઈન્ટરનેટ
સોસાયટી દ્વારા ઈન્ટરનેટ હોલ ઓફ ફેમ માં સામેલ કરવામાં આવ્યા.(જે લોકોને આ બહુમાન
નો ખ્યાલ ન આવતો હોય તો એટલું સમજી લો કે આ આપણા બૉલીવુડ માટે દાદા સહેબ ફાળકે તેમ
જ હોલીવુડ માં લાઇફ ટાઈમ એચિવમેન્ટ ઓસ્કર એવોર્ડ જેવું આ બહુમાન ઈન્ટરનેટ માટે છે☺️) ઉપરાંત બોસ્ટન ગ્લોબ દ્વારા 2011માં ઈવા ટોચનાં 150 ઈનોવેશનની યાદી
જાહેર કરાઈ કે જેમનું દુનિયામાં બહુ મોટું યોગદાન હોય તેમ જ જેમનાં મૂળ MIT માં હોય. તે યાદી
મુજબ રે ટોમલિંસન પોતાની ઈમેઈલ સિસ્ટમની શોધ માટે ચોથા પાયદાન પર હતા!
જો કે ઈમેઈલની
દાસ્તાન આવા હસીન મોડ પર આવી અટકતી નથી. ઈમેલ નો ઈતિહાસ ખૂબ જ વિવાદિત છે અને
વિવાદોનું મૂળ એક ભારતીય છે! બધા ઈન્ટરનેટ અને નેટવર્ક બાબતના નિષ્ણાતો રે
ટોમલિંસન ને ઈમેઈલ ના જનક માનવા તૈયાર નથી. આ વિવાદના મૂળિયાં તોખૂબ જુના અને ઊંડા
છે પણ વિવાદ નો વંટોળ ઉઠવાની દેખીતી શરૂઆત થઈ 5માર્ચ 2016 ના રોજ રે
ટોમલિંસન ના અવસાન બાદ. અવસાન ના બીજા દિવસે એટલે કે 6 માર્ચે ગુગલ નાં
ઈમેઈલ સર્વિસ પ્રોવાઇડર જીમેઈલ ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા રે ને શ્રદ્ધાંજલિ
આપતી એક ટ્વિટ થયેલી, જેમાં તેમણે લખ્યું હતું "Thank You , Ray Tomlinson for
inventing email and putting @ sign on the map." મતલબ કે ગુગલ જેવી પ્રતિષ્ઠિત અને કરોડો લોકો
જેને "આખરી ફેસલા" માને છે તેવા
સોર્સ દ્વારા રેમંડ ને ઈમેઈલ ના શોધક તરીકે માન્યતા આપી દીધી. . 7 માર્ચ 2016 ના રોજ એક ભારતીય
મૂળના અમેરિકન ટેક્નોક્રેટ દ્વારા કરવામાં આવેલ ટ્વીટે એ સમગ્ર ઇન્ટરનેટ વિશ્વમાં
ખળભળાટ મચાવી દીધો. આ ટ્વિટ કરનાર હતાં, ૫૩ વર્ષના ભારતીય મૂળના અમેરિકન નાગરિક એવા
વી.એ. શિવા ઐયાદુરાઈ(નીચેનો ફોટો). આ ઘટના ના પડઘા સમગ્ર ઈન્ટરનેટ જગતમાં પડ્યા
અને તેણે આખો વિવાદનો મધપૂડો છંછેડી દીધો.
ફોટો કર્ટસી: (https://vashiva.com)
આ શિવા ઐયાદુરાઈને
ઓળખવા ખૂબ જરૂરી છે એ પણ ખાસ કરીને ભારતીયો માટે.વી.એ. શિવા ઐયાદુરાઇ 1963માં
મુંબઇ(તત્કાલીન બોમ્બે) માં મૂળ તમિલિયન વેલાયપ્પા ઐયાદુરાઇ તેમજ મીનાક્ષી ઐયદુરાઇ
ના ઘરે જન્મ્યા હતાં. શિવાના જણાવ્યા મુજબ તેમના પિતાજી એક એન્જિનિયર તેમજ માતાજી
એક ગણિતજ્ઞ હતા. શિવાને તેમના માતા તેમજ પિતાજી પર ખુબ જ ગર્વ હતો કારણકે તેઓ જે
તે વખતના તમિલનાડુની ખૂબ જ રૂઢિચુસ્ત
વર્ણવ્યવસ્થા ની દીવાલો તોડીને પોતે ભણી આગળ
આવેલા હતા. માત્ર સાત વર્ષની ઉંમરના શિવાને લઈ તેમના માતા પિતા મુંબઈ છોડી કાયમ
માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સ્થાયી થવા માટે નીકળી ગયા હતાં. તેઓ બાળપણ થઈ જ ખૂબ તેજસ્વી હતા, ન્યુ જર્સીની
લિવિંગસ્ટન સ્કૂલમાં ભણતાં ભણતાં તેઓ સમર સ્કૂલમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યા.
ત્યારબાદ MIT માંથી કમ્પ્યુટર સાયન્સ તેમ જ ઇલેક્ટ્રિકલ
એન્જીનીયરીંગ ભણ્યા.
ત્યારબાદ મેકેનિકલ એન્જીનીયરીંગ માં માસ્ટર્સ
કરવાની સાથે સાથે MIT
મીડિયા લેબોરેટરીમાં થી સાયન્ટિફિક વિઝયુઆઇલેશન માં પણ માસ્ટર્સ
કર્યું. પછી 2007 માં બાયોલોજીકલ એન્જીનીયરીંગ માં ડૉક્ટરેટની
પદવી મેળવી. 2007માં જ ઐયાદુરાઈ ને અમેરિકાનાં પ્રતિષ્ઠિત
ફુલબ્રાઈટ પ્રોગ્રામ હેઠળ દક્ષિણ ભારતના સિદ્ધા હિલિંગ તેમજ મોર્ડન મીડિસીન્સ
વચ્ચે સેતુ સાંધવાના હેતુથી સ્કોલરશીપ પણ આપવામા આવી. ઉપર જણાવેલ ટ્વીટમાં તેમણે
પોતે ઇ-મેલ ના સર્જક હોવાનો દાવો કર્યો અને ગુગલના નો રે ટોમલિંસન ના ઇમેલ ના ખરા
સર્જક તરીકેનો દાવો નકારી કાઢ્યો. પોતાનો દાવો વધુ મજબૂત કરવા તેમણે લખેલા એક ઓપન
લેટર માં જણાવ્યું કે માત્ર 14 વર્ષની ઉંમરે 1978 માં યુનિવર્સિટી
ઓફ મેડિસિન એન્ડ ડેન્ટિસ્ટ્રી ઓફ ન્યૂજર્સીમાં રિસર્ચ ફેલો તરીકે કામ કરતા તેમણે
ઓફિસના આંતરિક કમ્યુનિકેશન ને પહોંચી વળવા એક સોફ્ટવેર લખેલું હતું જેનું નામ એમણે
EMAIL આપેલું હતું, જેનો ઉપયોગ આજ
પહેલાં કદી થયેલો નહોતો, આ EMAIL નામે ઓળખાતા
સોફ્ટવેરના કોપીરાઇટ પણ યુએસ ગવર્મેન્ટ પાસેથી તેમણે 1982 માં જ ઈસ્યુ
કરાવેલા હતા. (નીચેનો ફોટો)
ફોટો કર્ટસી: (https://vashiva.com)
આ દાવો દાવાનળ ની
જેમ ઈન્ટરનેટ પર ફેલાવા લાગ્યો અને તેને સપોર્ટ કરવા વાળા ની સંખ્યા પણ દિવસે
દિવસે વધવા લાગી તેમાં મુખ્ય ફાળો ભારતીયોનો હતો. ઘણા બધા લોકોનું શિવા ના આ
દાવાને તરત માની લેવાનું કારણ હતું 2012
ની શરૂઆતમાં અમેરિકાના એક પ્રતિષ્ઠિત દૈનિક
અખબાર વોશિંગ્ટન પોસ્ટ માં છપાયેલ એક અહેવાલ, જેમાં અખબારે એવો દાવો કરેલો હતો કે "અમેરિકા જ નહીં પણ
વિશ્વના સૌથી મોટા સ્મિથસોનિયન મ્યુઝિયમેં
શિવા ઐયાદુરાઈ ના 1978 માં લખેલા શિવાનાં
50000 લીટીના કોડસ, તે અંગેની ટેપ્સ
તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુથી સાચવવા માટે માંગ્યા છે
અને મ્યુઝીયમ શિવાને સૌપ્રથમ ઇમેલ સોફ્ટવેર બનાવનાર વ્યક્તિ તરીકે બહુમાન પણ આપવા
જઈ રહ્યુ છે." આ અહેવાલ પ્રગટ થયા બાદ સમગ્ર વિશ્વમાંથી આનો
વિરોધ નોંધાવતા સમાચારો પ્રગટ થવા લાગ્યા. એક જાણીતા કમ્પ્યુટર ઇતિહાસકાર થોમસ હેગ
એ આર્ટિકલ લખીને પ્રસ્થાપિત કર્યું કે જેને ઈમેઈલ કહી શકાય તેવી ટેક્નોલોજી
અમેરિકામાં 60ના દાયકાથી જ છે અને ઐયદુરાઈ નું યોગદાન નકારી
નાશકાય પણ તેમને ઈમેઇલના શોધક તો ન જ માની શકાય.આ અને આવા અન્ય લોકોના વિરિધ થી
ઝૂકીને આટલા પ્રતિષ્ઠિત અખબારે પણ પોતાની ભૂલ સ્વીકારી અને પોતાનો પૂર્વે પ્રગટ
થયેલો અહેવાલ ખોટો હતો તેવો લેખ 17 ફેબ્રુઆરી 2016 ના રોજ પ્રગટ કરવો
પડ્યો. જેમાં લખ્યું હતું કે ઇમેઇલ એ 1978
પહેલાથી ચાલી આવતી વસ્તુ છે જેનો પાયો નાખનાર ARPANET તેમ જ રેમંડ ટોમલિંસન હતા. શિવા અને તેના
સમર્થકો (જેમાં જાણીતા વિચારક નોમ ચોમસ્કી પણ સામેલ છે) એ આનો જવાબ આપતા લેખો પણ
લખ્યા અને પોતાની એવું દલીલ રજૂ કરી કે ARPANET
દ્વારા મોકલાયેલ સંદેશો જ જો ટેકનિકલી ઈમેઈલ
કહેવાતો હોય તો તો ટેલિગ્રામ ને પણ ઈમેઈલ કહી શકાય.ઐયદુરાઈ ના મત મુજબ સંપૂર્ણ
રીતે જેને ઈમેલ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય તેવો પહેલો ઈમેલ તેમણે પોતે જ 1978 માં મોકલ્યો હતો
અને EMAIL પણ તેમનું પોતાનું જ કોપીરાઈટેડ સોફ્ટવેર છે.
તેમના કહેવા પ્રમાણે ઈમેલ ની શોધ તેઓએ 1978
માં લખેલા સોફટવેર થી જ ગણી શકાય. રેથીઈઓન
કંપની જેના માટે યુદ્ધ એક ધંધો છે તે પોતાની શાખ તેમજ નફાખોરી સાચવવા માટે તેમને
બદનામ કરવાના કાવતરાં કરે છે. ઐયાદુરાઈ ના કહેવા મુજબ રેથીઓનનો આખો બિઝનેસ રે
ટોમલિંસને ઇમેઇલ ની શોધ કરી છે તેવી માન્યતા ઉપર જ ચાલે છે અને આ જ ઈમેજ ના દમ પર
આ કંપની વાર્ષિક મિલિયન્સ ડોલર્સ ના કોન્ટ્રાકટ પણ લે છે. તેમના શબ્દોમાં "જે યોગદાન મેં
આપ્યું છે ઈમેઈલ ના વિકાસ માં, જો મારા બદલે કોઈ ગોરી ચામડીનો માણસ હોત તો
તેના ફોટા અહીંના સ્ટેમ્પ ઉપર છપાયા હોત પણ હું એક કાળી ચામડીનો અને ભારતીય મૂળનો
હોવાથી મારી સિદ્ધિઓને નીચી પાડવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે." જ્યારે બીજી તરફ
ટોમલિંસન ના સમર્થકો ના મતે શિવા
"ખાલી પ્રસિદ્ધિ પામવા ખાતર જ આવા ગતકડાં કરે છે
અને તેના માટે જ તેને બહુ પહેલાથી જ
InventorofEmail.com, EmailInventor.com and DrEmail.com જેવા ડોમેઈન પોતાના નામે રજીસ્ટર કરવી રાખ્યા
છે કે જેથી જ્યારે પણ કોઈ ઈમેલ ના શોધકનું નામ સર્ચ કરે તો તેનું જ નામ પહેલા
દેખાય!" આમ આ એક હજી ચાલતી એવી અંતહીન ડીબેેેટ છે.
અંગત રીતે
વિચારતાં એવું જણાય છે કે ટોમલિંસને ક્યારેય પોતે જ ઈમેલ નો શોધક હોવાનો દાવો કરયો
નથી ઉપરથી તેમણે એમ કહ્યું હતું કે મેં જે વસ્તુઓ પહેલેથી જ હતી તેને મોડીફાય
કરીને ઈમેલ ના વિકાસમાં મદદ કરી હતી. જ્યારે શિવા ના પોતાને જ ઈમેલ ના એકમાત્ર
શોધક તરીકેના દાવામાં બહુ દમ લાગતો નથી કારણ કે આજના ઈમેલ ના બધા જ જરૂરી પાસા
ટોમલિંસન વખત થી જ અસ્તિત્વ માં હતા તેવું જોઈ શકાય છે. જેથી 1978 પહેલા જ ઈમેલ કહી
શકાય તે ટેક્નોલોજીની શોધ થઈ ચૂકી હતી એવું નિષ્ણાતોનું સર્વમાન્ય મંતવ્ય છે અને
શિવાને ફેમસ કરનાર વોશિંગ્ટન પોસ્ટ પણ આ જાહેરમાં સ્વીકારી ચૂક્યું છે અને
સ્મિથસોનિયન મ્યુઝીયમે પણ પાછળથી ચોખવટ કરવી પડી કે અમે શિવા ઐયદુરાઇ ને કોઈ
ઓફિશિયલ સમ્માન આપવા માટે નહીં પણ ખાલી ઈમેલ ના ઇતિહાસ ને પ્રોપરલી ડોક્યુમેન્ટ
કરવા જ આ દસ્તાવેજો માંગ્યા હતા. આમ વ્યક્તિગત રીતે શિવા ઐયાદુરાઈ એક સફળ ઇનોવેટર
તેમજ બિઝનેસમેન છે પણ ઈમેલ ના શોધક તરીકેના એમના દાવા એટલા મજબૂત જણાતા નથી. હવે
તેમના રંગભેદના દાવાની વાત કરીએ તો તેમાં પણ બહુ માલ જણાતો નથી એના ઘણા કારણોમાં
નું એક તો એ છે કે આપણે એવા ઘણા ભારતીયો ને જાણીએ છીએ કે જેમણે અમેરિકા સ્થાયી થયા
બાદ ત્યાંની જ બિઝનેસ તેમજ એકેડેમિક ઈકોસીસ્ટમમાં થી પોષણ પામી ને પોતાનું નામ
કાઢ્યું છે. બીજું એ કે ઉપર જણાવ્યું તેમ છેક 1982 સુધી પ્રચલનમાં
રહેલ પ્રોટોકોલ RC 561 ના રે ટોમલિંસન ઉપરાંત બીજા ત્રણ સહલેખક હતા
જેમાના એક ભારતીય હતા જેમનું નામ અભય ભૂષણ હતું.જે અહીં આપેલી ઈમેજમાં જોઈ શકાય છે
એમ તેમનું નામ ટોમલિંસન કરતાં પણ પહેલા મેન્શન થયેલું છે અને એમને એમની ડયું
ક્રેડિટ પણ મળેલી છે. તો માત્ર ભારતીય કે કાળી ચામડીના હોવાના કારણે જ કોઈને
ક્રેડિટ ના મળી શકી તે માનવા જેવી વાત લાગતી નથી!
(ફોટો કર્ટસી: https://fossbytes.com)
આમ ઈમેલ ની શોધ
કેવી રીતે થઈ તે એક અંતહીન ચર્ચાનો વિષય છે જેનો જવાબ વેદ ના ઋષિની માફક એક જ આપી
શકાય, નેતિ નેતિ! ઈમેલ ની શોધ કોને
કરી એ ચર્ચા અને ડિબેટ નો વિષય હોઈ શકે પણ એની આજના જીવનમાં ઉપયોગીતા એ
નિર્વિવાદીત છે. આપણો મૂળ મુદ્દો છે ભારતમાં ઈમેલ અને ઈન્ટરનેટ ક્યારે શરૂ થયા અને
એનો વ્યાપક ઉપયોગ ક્યારથી શરૂ થયો. જે નેક્સ્ટ આર્ટિકલ માં જોઈશું.





