Monday, December 30, 2019

ભારતમાં ઇન્ટરનેટ ના આગમન નો ઇતિહાસ

ગયા ભાગ સુધી આપણે ઈમેલ નો ઇતિહાસ તપાસ્યો. આજે આપણે ભારતમાં ઈન્ટરનેટ ના આગમન નો રસપ્રદ ઇતિહાસ જોઈએ. મોજ અને માહિતી બંને ની ગેરન્ટી પાક્કી છે. તો ચાલો મારીએ ધુબાકા ટેકનોલોજી અને ઇનોવેશન ના સરોવરમાં.આ ઈતિહાસ આપણે એક એવા મહાનુભાવની આંગળી ઝાલી જોઈશું કે જેમનો આપણી આજની યંગસ્ટર્સ ની ભાષામાં "નેટસેવી" અને "સ્વાવ" ગણાતી લાઇફસ્ટાઈલમાં સિંહફાળો છે. પણ આવા ડાઉન ટુ અર્થ અને કોઈ પોલિટિકલ પ્રોપેગેંડા વગરના મહાનુભાવોને બહુ આસાની થી વિસરાવી દેવાની આપણી પ્રજાની તાસીર રહી છે. આ આર્ટિકલ સિરીઝ નો એક ઉદ્દેશ્ય એ પણ છે કે આપણી નવી પેઢી આવા લોકો કે જેઓનું આજના નવા ભારતમાં ખરેખર બહું મોટું યોગદાન છે તેમને ઓળખે અને ઇતિહાસના નામે રીતસર ક્રિએટ કરાતી "ઑલ્ટરનેટ હિસ્ટ્રી" ની પોલ જાણી શકે કે જેથી લોકો વોટબેંક માટે ઉભી કરાટી રાજનૈતિક માન્યતાઓ(પોલિટિકલ પરસેપશન) ને ઓળખી શકે! આવા જ એક દેશમાં ભૂલાયેલા પણ વિદેશમાં વખણાયેલાં વિઝનરી છે, ડૉ. શ્રીનિવાસન રામાણી.(નીચેનો ફોટો)


Photo: Internet Hall Of Fame

શ્રી રામાણી ને નાનપણથી જ ટેક્નોલોજીમાં રસ હતો. ખૂબ જ નાની વયથી રામાણી તેમના મિત્ર ની સાથે ચેન્નાઈ(તત્કાલીન મદ્રાસ) ના મૂર માર્કેટમાં ફરી ફરી ને પોપ્યુલર સાયન્સ અને પોપ્યુલર મેકેનિક્સ ના જૂના અંકો શોધતા અને એમાંથી જોઈ જોઈ પોતે ઘરે કરી શકાય તેવા પ્રયોગો કરતા રહેતા. આવી નાની ઉંમરે તેમણે ઘરમાં વપરાતી વસ્તુઓનો ઉપયોગ કરી ડાયોડ(ઇલેક્ટ્રોનિક સ્વિચ) બનાવેલી. તેમનો વિદ્યાર્થી અવસ્થા થી જ ઝોક ઇલેક્ટ્રોનિક્સ તરફ હતો, પરિણામે તેઓ ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ માં બી.ટેક અને ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ માં IIT મુંબઈ થી એમ.ટેક અને ત્યાંથી જ ડૉક્ટરેટ પણ કર્યું. ત્યારબાદ બે વર્ષ માટે (1971-73) પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચ ફેલોશીપ માટે અમેરિકાના પીટસબર્ગમાં આવેલી વિખ્યાત કારનેગી મેલોન યુનિવર્સિટી (CMU) માં જવાનો અવસર મળ્યો. અહીં તેઓનો સૌ પ્રથમ પરિચય થયો સંદેશાવ્યવહારની તદ્દન નવી ટેકનોલોજી - ઈમેલ સાથે. તમને યાદ હશે કે આપણે ઈમેલ ના ઈતિહાસ વાળા લેખ માં જોઈ ગયા કે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ની એજન્સી ARPA દ્વારા જે ARPANET નામનું નેટવર્ક ઉભું કરાયેલું તેના ચાર નોડ્સ હતા એમની એક નોડલ સંસ્થા CMU પણ હતી, આ નોડ રામાણીના ડિપાર્ટમેન્ટમાં જ આવતી હોવાથી રામાણી આ નેટવર્ક નો ઉપયોગ કરવા વાળા પ્રથમ 100 વ્યક્તિઓમાંના એક બન્યા! આ ટેકનોલોજી ના અમુક પાસાઓ તેમને ખૂબ સ્પર્શી ગયા જેમકે કમ્યુનિકેશન માટે પેકેટ સ્વિચિંગ નો ઉપયોગ. પેકેટ સ્વીચિંગ ટેકનોલોજીના ઉપયોગથી મોકલેલો મેસેજ જ્યાં સુધી રિસીવર પોતાના કમ્પ્યુટરમાં લોગીન ના કરે ત્યાં સુધી તેની જ સિસ્ટમ માં સ્ટોર થઈ તેની રાહ જોતો બેઠો હોય! ઉપરાંત જ્યારે લોગ એન કરવામાં આવે ત્યારે Jઓ મેસેજ પ્રોપર રીતે ડેલેવાર ન થયો હોય તો આ ટેકનોલોજી જાતે જ તેના બ્રોડકાસ્ટર ને આપોઆપ જ રિસેન્ડ કરવા જણાવી દે, અલબત્ત યુઝર ની જાણ બહાર! આ નેટવર્ક નો અલગ અલગ રિસર્ચ સંસ્થાઓ અને યુનીવર્સીટી દ્વારા રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે થતો ઉપયોગ જોઈ રામાણીને થયું કે આવું કંઈક આપણા વિકાસશીલ દેશમાં પણ હોવું જરૂરી છે. અહીં ગાળેલાં બે વર્ષોએ તેમનું મગજ કમ્પ્યુટર કમ્યુનિકેશન તરફ વાળી દીધું, તેમના કહેવા પ્રમાણે આ માટે તેમણે તેમના પ્રથમ પ્રેમ એવા "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તેનો શિક્ષણ ક્ષેત્રે કરી શકાતા ઉપયોગ" નો ભોગ આપવો પડયો. પણ રામાણી ને લાગ્યુ કે અત્યારે સમયની જરૂરિયાત કમ્પ્યુટર નેટવર્કિંગ છે.


આ વિચારબીજ મગજમાં આરોપી રામાણી ફેલોશીપ પતાવીને 1973માં ભારત પરત ફર્યા અને ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(TIFR) નામની શ્રી જે.આર.ડી ટાટા અને ડૉ.હોમી જહાંગીર ભાભા ના સહિયારા પ્રયત્નોથી મુંબઈમાં સ્થપાયેલ પ્રતિષ્ઠિત જાહેર રિસર્ચ સંસ્થામાં કામ કરવું શરૂ કર્યુ.તેમના અને ભારતના સદભાગ્યે રામાણીને ભારતની કમ્પ્યુટર ટેકનોલોજીના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા પ્રોફેસર આર. નરસિમ્હા અને TIFR નાં તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોફેસર એમ.જી.કે મેનન ના સબળ નેતૃત્વ હેઠળ નેશનલ સેન્ટર ફોર સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્ડ કમ્પ્યુટર ટેક્નિક્સ(NCSDCT) માં કામ મળ્યું. રામાણીના ભારત આવતા પહેલા થી જ કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રે કામ થવું શરૂ થઇ ચૂક્યું હતું એમાં TIFR મોખરે હતું. તે વખતે કમ્પ્યુટતર ટેકનોલોજી ક્ષેત્રે ભારતના મોટાભાગનાં વૈજ્ઞાનિકો નું ફોકસ નવા અને ઉપયોગી હાર્ડવેર બનાવવા તરફ રહેતું, સોફ્ટવેર હજી ભારતીય ટેકનોલોજી ના ફલક પાર નવુસવું હતું. આવા એક પ્રોજેક્ટ અંતર્ગત 1954થી 1960 દરમિયાન આર. નરસિમ્હા ના નેતૃત્વ હેઠળ એક ટીમે ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ ઓટોમેટિક કેલ્ક્યુલેટર(TIFRAC) નામે ઓળખાતું ભારતનું પહેલું ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર વિકસાવ્યું હતું. આ ભારતમાં બનેલું અને રિસર્ચર્સ અને એન્જિનિયર્સ દ્વારા બહોળા પ્રમાણમાં વપરાતું ભારતનું પહેલું ડિજિટલ કમ્પ્યુટર કહી શકાય.



Photo: TIFR Bombay
રામાણીએ આ સંસ્થામાં આવ્યા બાદ પોતાના અમેરિકાના અનુભવ પરથી સોફ્ટવેર ક્ષેત્રે વધુ કામગીરી કરવા માટે નરસિમ્હા અને મેનન ને મનાવ્યાં. આમ NCSDCT માં પહેલી વાર અલાયદી રીતે કમ્પ્યુટર નેટવર્ક પર કામગીરી કરતો એક ડિપાર્ટમેન્ટ શરૂ કરાયો. આ દરમિયાન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ(DoE) દ્વારા ફન્ડેડ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ નામની એક કંપનીએ TDC 316 નામનું મીની કમ્પ્યુટર વિકસાવ્યું હતું જેને રીમોટ સ્ટેશન તરીકે ઉપયોગ કરી મુંબઈમાં વીર માતા જીજાબાઇ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ(VJTI), મુંબઈ ને સૌપ્રથમવાર કમ્પ્યુટરાઈઝડ કરવામાં આવી. પાછળથી NCSDC ના સપોર્ટથી 1977માં આજ સંસ્થા દ્વારા એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન નામનો કોર્સ શરૂ કરવામાં આવ્યો જેને પછીથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ ઇન સોફ્ટવેર ટેકનોલોજી ના નામે ઘણા વર્ષો સુધી ચાલુ રખાયો. આ મુંબઈ અને કદાચ આખા ભારતનો સૌ પહેલો પાર્ટ ટાઈમ કમ્પ્યુટર એજ્યુકેશન નો કોર્સ હતો. આ દરમિયાન NCSDCT સાથે પહેલેથી સંકળાયેલા અને કમ્પ્યુટર મેનેજમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (CMC) નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એવા પ્રેમ પ્રકાશ ગુપ્તા એક નવું પ્રપોઝલ લાવ્યા. તે વખતે મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (એટલે કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો મેસેજ વચ્ચે કોઈ કમ્પ્યુટર માં પહેલા સ્ટોર થાય પછી જેટલા અલગ-અલગ રીસીવર હોય તે બધે જ આ મેસેજ પહોંચી શકે તેવી સર્વિસ) નું ચલણ પ્રમાણમાં વધતું જતું હતું. આવી જ એક કંપની કરોડો રૂપિયાનો એક પ્રોજેક્ટ લઈ આવી હતી, રામાણીએ પ્રોજેક્ટ રીવ્યુ કરી ને જણાવ્યું કે આમાં બતાવેલા કમ્પ્યુટર હાર્ડવેર અને રીયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ તો અફલાતૂન છે પણ એનું સોફ્ટવેર આ કામને પહોંચી વળવા કદાચ યોગ્ય નથી. રામાણી એ આના ઉકેલ તરીકે ભારતમાં જ અને NCSDCT ના જ વૈજ્ઞાનિકો દ્વારા નવું સોફ્ટવેર વિકસાવવાનું નક્કી કર્યું. આ ભગીરથ કાર્ય માટે તે વખતે એડવાન્સ ગણાતી હાઈ લેવલ લેંગ્વેજ એવી પાસ્કલ નો ઉપયોગ કરી સોફ્ટવેર બનાવવાનું નક્કી કર્યું. બની ગયા બાદ આ સિસ્ટમ નું ટેસ્ટિંગ કરવું અનિવાર્ય હતું. પણ પ્રશ્ન એ હતો આ સીસ્ટમ ને ઉપયોગમાં લઈ ને તેના બધાજ પાસાઓ પ્રેક્ટિકલી તપાસી શકાય તેવી કોઈ એપ્લિકેશન હાથવગી ન હતી. રામાણી અને પ્રેમ પ્રકાશ ગુપ્તા નું ધ્યાન ગયું પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI) તરફ, તે વખતે PTI માં અલગ અલગ શહેરો માંથી આવતા હજારો ટેલેક્સ મશીન માંથી શહેર વાઈઝ અલગ-અલગ ઇનપુટ મેસેજ રીસીવ કરી આગળ પોતાના સબસ્ક્રાઈબર સુધી પહોંચાડવાનું કામ એનાલોગ સિસ્ટમ થી થતું. રામાણી અને ગુપ્તાએ PTI ના તત્કાલીન જનરલ મેનેજર પી.ઉનનીક્રિષ્નનને મળી આ કામ પોતે બનાવેલી સિસ્ટમથી કરી આપવાની વાત કરી અને સામે ઉન્નીક્રિષ્નનને એવો વાયદો પણ કર્યો જો આ કામ કુશળતાથી પાર પડી જાય તો PTI આ નવી સિસ્ટમ ને ખરીદવાનો ઓર્ડર CMC ને આપશે. ત્યારબાદ PTI માં જ એક નાની ઓફિસ બનાવવામાં આવી અને દસેક મહિના ના અથક પરિશ્રમ બાદ આખરે આ દુષ્કર કાર્ય પૂર્ણ થયું અને વાયદા મુજબ PTI એ ટેકનોલોજી ખરીદી પણ લીધી. આ જ પ્રકારની ટેકનોલોજી રામાણી અને એમની ટીમેં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(TCS) ને પણ વિકસાવી આપવામાં મદદ કરી.


આમ જનરલ અને લિઝડ ટેલિફોન લાઈન નો ઉપયોગ કરી સફળતાપૂર્વક નેટવર્ક મેનેજ કરવાનો સારો એવો અનુભવ મેળવ્યા બાદ રામાણી અને તેમની ટીમે પોતાનું ધ્યાન વાયરલેસ કમ્યુનિકેશન તરફ આપવાનું શરૂ કર્યું. દુનિયાના અન્ય દેશોમાં અત્યાર સુધી વાયરલેસ કમ્યુનિકેશન ની પા પા પગલી શરૂ થઈ ચૂકી હતી. અહીં એક આડવાત, ઘણા ને ખબર નથી અને સાયન્સ ટેક્સટબુક્સ માં પણ એજ રીતે ભણાવવા માં આવે છે કે બિનતારી સંદેશ(વાયરલેસ કમ્યુનિકેશન) ના પિતા ઇટાલિયન વૈજ્ઞાનિક ગૂગલીએમો માર્કોની છે, જ્યારે હકીકતમાં દુનિયામાં સૌપ્રથમ વાર પ્રયોગ્શાળામાં વિદ્યુતચુંબકીય તરંગો ઉતપન્ન કરનાર જર્મન વૈજ્ઞાનિક હેનરિક હર્ટ્ઝ હતાં જ્યારે અમુક ચોક્ક્સ તરંગલંબાઇ ( 5 મીમી) ના તરંગો ઉત્પન્ન કરી અમુક અંતર સુધી છેક 1895 માં મોકલનાર આપણા   ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ હતા! આપણે ભલે આપણા આ ભવ્ય વારસાને વિસારી દીધો હોય પણ આ ઐતહાસિક શોધનાં 120 વર્ષ પછી ટેક્નોલોજીકલ એડ્વાંસ્મેંટ ક્ષેત્રે દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત The Institute of Electrical and Electronics Engineers (IEEE) એ શ્રી બોઝ ના આ ટુકી તરંગલંબાઈ સંદેશાવ્યવહાર પ્રયોગ ને “માઈલ્સ્ટોન અચિવમેન્ટ” તરીકે પોંખી છે. કારણ કે આ જ ટેક્નોલોજી હજી ક્દાચ પાંચેક વર્ષ પછી આપણા હાથમાં આવનાર 5જી ટેક્નોલોજી નો આધારસ્તંભ રહેવાની છે! અલબત્ત જેને લાંબા અંતર નું પ્રોપર વાયરલેસ કમ્યુનિકેશન કહી શકાય તેનો શ્રેય માર્કોની ને આપવો જોઈએ કારણ કે ટેલિગ્રાફ એ માર્કોની ની દેન હતી,  પણ જગદીશચંદ્ર બોઝ ને સાવ વિસારી દેવા પણ યોગ્ય નથી!



Photo: Wikipedia

લગભગ 1978માં ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના વિઝનરી વૈજ્ઞાનિકો ભારતનાં પહેલા સંદેશાવ્યવહાર  ઉપગ્રહ APPLE નું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમણે NCSCDT ની ટીમના અનુભવને ધ્યાનમાં લઈ અલગ અલગ શહેરો વચ્ચે સંદેશાવ્યવહારની પરમેનેન્ટ લિંક સ્થાપવા માટે મદદે બોલાવી. અન્ય બે સંસ્થાઓ સાથે મળીને રામાણી ની ટીમે સફળતા પૂર્વક આ નેટવર્ક 1980 ના અંતભાગમાં બનાવ્યું અને તેનો ડેમો પણ એક કોન્ફરન્સમાં બતાવવમાં આવ્યો. આ બધાથી કમ્પ્યુટર નેટવર્કિંગની મદદથી સામન્ય ભારતીય નાં જીવનનું સ્તર સુધારી શકાય છે તેવો રામાણી નો વિશ્વાસ ઓર વધ્યો અને આ બાબતે જાગૃતિ લાવવા રામાણી, પ્રેમ પ્રકાશ ગુપ્તા અને હિંદટ્રોન ગ્રુપના ચેરમેન હેમંત સોનાવાલા સાથે મળી ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઈનફોર્મએશન પ્રોસેસિંગ ના બેનર હેઠળ નેટવર્ક્સ 80 , ધ ઇન્ટરનેશનલ સિમ્પોઝીયમ ઓન કમ્પ્યુટર નેટવર્કીંગ શરૂ કર્યું.

આ સંસ્થાએ આપણી વિકાસશીલ આર્થિક વ્યવસ્થામાં નેટવર્કિંગ કઈ રીતે ઉપયોગી થઈ શકે તે વિશે ગંભીર રીતે વિચારણા શરૂ કરી અને આ અંતર્ગત ત્રણ મુખ્ય પ્રોજેકટ ડેમો નું આયોજન કરવામાં આવ્યું. 1) કમ્પ્યુટરાઈઝડ રેલવે રિઝર્વેશન સિસ્ટમ 2) ઈમેલ સિસ્ટમ 3) પ્રેસ્ટેલ સિસ્ટમ (70 ના દાયકામાં બ્રિટનમાં શરૂ થયેલ પ્રેસ ટેલિવિઝન સિસ્ટમ). રેલવે રિઝર્વેશન સિસ્ટમ પ્રોજેકટ સમોસૂતરો પાર તો પડ્યો, પણ આમાં એક તકલીફ એવી આવી કે ઓરીજીનલ ડેમો માં અમદાવાદ, મુંબઈ અને દિલ્લી રેલવેસ્ટેશન થી રિયલ ટાઈમ ડેટા નો ઉપયોગ કરવાનું નક્કી થયું હતું પણ જે અધિકારી એ આ માટે સપોર્ટ કરવાનું વચન આપ્યું હતું તેમના નિવૃત્ત થઈ જવાથી એમ જ ડેમો આપી દેવો પડ્યો. પરંતુ આ ડેમો પણ એટલો સફળ રહ્યો કે 1985 માં પહેલી વાર ઇન્ડિયન રેલવેઝ એ સમગ્ર ઉત્તર રેલવે સર્કલ  માટે કમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન સિસ્ટમ માટે CMC ના પ્રેમ પ્રકાશ ગુપ્તા ને ઓર્ડર આપ્યો. એકાદ વર્ષમાં આ નેટવર્ક અન્ય મોટા શહેરોમાં પણ વિસ્તારવામાં આવ્યું. ભારતની આમ જનતા અને તેમની જીવનશૈલી ને અસર કરી શકે તેવું કદાચ કમ્પ્યુટર ટેકનોલોજી નું આ પ્રથમ યોગદાન ગણી શકાય! વી.એસ.રાઓ નામના NCSCDT ના વૈજ્ઞાનિકે ઈમેલ સિસ્ટમ નો ડેમો DEC 10 નામના કમ્યુટર પર આપ્યો. પ્રેસ્ટેલ સિસ્ટમ નો ડેમો બ્રિટિશ ટેલિકોમના રિસર્ચર માઈકલ મિલર દ્વારા મુંબઇ-લંડન વચ્ચે રિમોટ લિંક દ્વારા કરવામાં આવ્યો. અહીં એ નોંધવું જરૂરી છે કે પ્રેસ્ટેલ સિસ્ટમ ને સૌથી પહેલું ઇન્ટરનેટ નેટવર્ક અથવા ઇન્ટરનેટ નેટવર્ક નું પૂર્વજ કહી શકાય, અને હજી વર્લ્ડ વાઈડ વેબ નો જન્મ થવાને પૂરા એક દાયકાની વાર હતી!

1983 માં રામાણી એ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ (DoE) ને તેઓ એ અમેરિકામાં જોયું હતું તેવું ARPANET જેવું રાષ્ટ્રવ્યાપી એકેડેમિક નેટવર્ક સ્થાપવાની ભારતમાં તાતી જરૂરિયાત છે તે મતલબનો પત્ર લખ્યો. ત્યાં સુધી પ્રેમ પ્રકાશ ગુપ્તા ભારત સરકાર માં સેક્રેટરી ના હોદ્દે પહોંચી ચુક્યા હતા અને તેઓ નેટવર્કિંગની ઉપયોગીતા થી વાકેફ જ હતા તો આ પ્રોજેકટ ને તરત જ લીલી ઝંડી મળી ગઈ. આ પ્રોજેકટ માટે DoE દ્વારા IIT Madras પાસ આઉટ અને દિમાગથી ટેક્નોક્રેટ વધુ અને બ્યુરોક્રેટ ઓછા એવા એસ. રામકૃષ્ણન ને એપોઇન્ટ કરવામાં આવ્યા. તેમનું મુખ્ય કામ હતું આ પ્રોજેકટ માટે ફંડ જુટાવવાનું. આ માટે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) નો સંપર્ક કરવામાં આવ્યો અને આ એજન્સી ફંડ આપવા માટે મંજુર પણ થઈ ગઈ. આ રીતે પાંચ IIT ( મુંબઇ, દિલ્લી, કાનપુર, ખડગપુર અને મદ્રાસ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર માંથી એક્સપર્ટ્સ ની એક કોર ટીમ તૈયાર કરવામાં આવી. ફાઈનલી, ઉપર જણાવેલ છ સંસ્થાઓ ઉપરાંત NCST અને DoE એમ કુલ આઠ સંસ્થાઓ ના સહિયારા પ્રયાસ થી ભારતનું પ્રથમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક (ERNET) નામનુ રાષ્ટ્રવ્યાપી એકેડેમિક નેટવર્ક ઉભું કરવામાં આવ્યું. 1986 ના વર્ષમાં NCST અને IIT મુંબઈ વચ્ચે સૌથી પહેલી ડાયલ અપ લિંકેજ ઈમેલ ની આપ-લે માટે સ્થાપિત કરવામાં આવી. 1987 સુધી IIT મદ્રાસ અને દિલ્લી ને પણ આવરી લેવામા આવ્યા. આ માટે NCST માં VAX 8600(વિનસ) નામનાં કમ્પ્યુટર અને એમસ્ટર્ડમ ખાતે રહેલા હબ ના એક રાઉટર નો ઉપયોગ કરી ERNET ના તમામ સભ્યોને ઈમેલ એક્સચેન્જ માટે વ્યવસ્થા ઉભી કરી દેવાઈ.(હવે જો “કોઈ” એમ કહેતું હોય કે તેણે છેક 1988 માં ઈમેલ નો ભારતમાં ઉપયોગ કર્યો હતો તો એ વાત ને સાવ નકારી પણ ન શકાય !!) આમ 1988 સુધીમાં ભારતમાં ઈન્ટરનેટ નું આગમન થઈ ચૂક્યું હતું. આમ પ્રચલિત માન્યતા કે, ભારતીયો એકબીજાના ટાંટિયા જ ખેંચી જાણે છે પણ કદી તેઓ સાથે મળી કોઈ મોટું કાર્ય પૂરું કરી શકે નહિ, તો આ કથા આવી માન્યતા વિરુદ્ધ આટઆટલી સંસ્થાઓ અને પોતપોતાના ક્ષેત્રના તજજ્ઞો ભેગા મળી ભારત જેવા ઓછા સંસાધનો વાળા દેશમાં પણ કેટલી અસરકારક રીતે કોમ્પ્યુટર ક્રાંતિ લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ઇરફાન હબીબ અને ઇતિહાસ ને લાલ ચશ્મા!


આઝાદી પૂર્વે બોમ્બે પ્રાંતના સૌ પહેલા ભારતીય બેરિસ્ટર તેમજ બોમ્બે હાઇકોર્ટ ના સૌ પહેલા ભારતીય ચીફ જસ્ટિસ એવા બદરુદ્દીન તૈયબજી, એ જે તે વખતે બોમ્બેના સૌથી પ્રતિષ્ઠિત ભારતીય નાગરિકોમાં ના એક હતા. એમના ભત્રીજા એટલે અબ્બાસ તૈયબજી,જેમણે બારડોલી તથા ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર સાહેબ ના વિશ્વાસુ સાથીદાર તરીકે સરાહનીય કામ કરેલું અને એક સત્યાગ્રહી તરીકે નામના મેળવેલી. આ અબ્બાસ તૈયબજી ના નિકાહ એમના કાકા બદરુદ્દીન તૈયબજી ની દીકરી અમીના બદરુદ્દીન તૈયબજી સાથે થયા હતા. આ બંને ની દીકરી સોહૈલા તૈયબજીના નિકાહ લખનૌ ના પ્રતિષ્ઠિત વકીલ અને અલીગઢ ચળવળના સપોર્ટર એવા મોહમ્મદ નસીમ ના દીકરા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં ઇતિહાસના પ્રાધ્યાપક મોહમ્મદ હબીબ સાથે કરાવવામાં આવ્યા. સોહૈલા અને નસીમ ને 12 ઓગસ્ટ 1931 ના રોજ વડોદરા ખાતે એક દીકરાનો જન્મ થયો, આ દીકરો એટલે આજકાલ ચર્ચિત એવા પદ્મ ભૂષણ, પ્રબુદ્ધ ઈતિહાસકાર ઇરફાન હબીબ!  

હવે આટલા મોટા નામ જેની સાથે જોડાયેલ હોય તેની પાસે લોકોને ચોક્કસ અપેક્ષાઓ હોય તે સ્વાભાવિક છે. પણ હવે એ કહેવામાં કાંઈ ખોટું નથી કે જો આજે બદરુદ્દીન તૈયબજી કે અબ્બાસ તૈયબજી જો એમના કુલદીપકના કારનામા જોઈ શક્યાં હોત તો એમનું માથું શરમથી ઝૂકી જાત! ઇરફાન હબીબે રોમિલા થાપર, બીપન ચંદ્રા અને સતિષ ચંદ્ર જેવા ડાબેરી ઇતિહાસકારો સાથે મળી ને ઇતિહાસ પર ભારત અને ભારતીયો ને જંગલી, અસંસ્કારી તેમજ અસભ્ય ચિતરતોજે લાલ રંગનો જે કૂચડો ફેરવ્યો છે એ માટે આવનારી પેઢીઓ આ લોકોને કદી માફ નહીં જ કરે. પણ એ બધુ ફરી ક્યારેક, હમણાં તો અહીં ઇરફાન હબીબ ને જે લોકો ક્રાંતિકારી, સત્યશોધક અને સેક્યુલર મસીહા માની ને એમની હરકત ને છાવરવા નીકળી પડ્યા છે એમને એકાદ બે ઘટનાઓ થી આની સાચી હકીકત જણાવવા નો ઉપક્રમ છે. 

ડૉ.પરમાત્મા સરન,  ભારતના મધ્યકાલીન ઇતિહાસ અને પર્શિયન ભાષા પરની ઓથોરીટી ગણાય છે. તેમણે ભારત સરકારની ઇતિહાસના સંશોધન માટે ટોચની સંસ્થા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરીકલ રિસર્ચ (ICHR) ના કહેવાથી 1976-77 માં આરીફ કંદહારી દ્વારા લખાયેલ સમ્રાટ અકબર તેમજ 16મી સદીના ભારત વિષે આધિકારીક માહિતી ધરાવતા મૂળ પર્શિયનમાં લખાયેલ પુસ્તક તારીખ-એ- અકબરી ના અંગ્રેજી અનુવાદની હસ્તપ્રત ICHR માં પ્રકાશન માટે જમા કરાવી. સરન સાહેબ તો જમા કરાવી ભૂલી પણ ગયા અને સમય વીતતા ગુજરી ગયા. પણ છેક 1995માં 20 વર્ષ વીત્યાં છતાં ICHR દ્વારા આ પુસ્તક પ્રકાશિત ન થતાં ડૉ.સરન ના જમાઈ એ ICHR માં લિખિત ફરિયાદ કરી, અને એમાં એમ પણ લખ્યું કે તેમને જાણવા મળ્યા મુજબ આ હસ્તપ્રત કોઈ બીજાના નામે છપાઈ પણ ચૂકી છે!  જેના જવાબમાં ICHR ના મધ્યકાલીન ઇતિહાસ વિભાગ ના ડેપ્યુટી ડાયરેકટર દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાં આવી કોઈ હસ્તપ્રત રિસીવ જ નથી થઈ! હવે, જાણીતા ઇતિહાસકાર અને NDA સરકારમાં મંત્રી રહી ચૂકેલા અરુણ શૌરી એ આ બાબતે પાત્ર લખી જણાવ્યું કે 
ICHR ના પોતાના 1976-77 ના વાર્ષિક અહેવાલ મુજબ તો ડો.સરન ની હસ્તપ્રત "Received but not published" ની કેટેગરીમાં છે મતલબ કે હસ્તપ્રત ICHR માં રિસીવ તો થઈ જ છે. ર્ડા.સરન ના જમાઈ દ્વારા વધુ દબાણ કરાતાં આ મુદ્દે ઈંકવાઈરી બેસાડવામાં આવી પણ, ઇરફાન હબીબ અને સતિષ ચન્દ્ર એ પોતાની લાગવગ લગાવી આ તપાસ ત્યાં જ અટકાવી દીધી. આશ્ચર્ય ની વાત એ હતી કે 1992 માં રાજસ્થાન યુનિવર્સિટી દ્વારા તારીખ-એ- અકબરી ના અંગ્રેજી અનુવાદ માટે ડૉક્ટરેટ ની પદવી તસનીમ એહમદ નામના શખ્સ ને એનાયત કરવામાં આવી. આજ તસનીમ એહમદ મધ્યકાલીન ઇતિહાસ વિભાગ ના પેલા ડેપ્યુટી ડાયરેકટર હતાં જેમણે કહ્યું હતું કે આવી કોઈ હસ્તપ્રત ICHR માં રિસીવ જ નથી થઈ! 

વધુમાં આ અનુવાદ ની પ્રસ્તાવના લખનારે લખ્યું હતું " આ અનુવાદ અકબર ની 450મી જન્મજયંતિ નિમિત્તે લેખક દ્વારા ખૂબ મૂલ્યવાન પ્રદાન છે. આ પુસ્તક ના અંગ્રેજી અનુવાદ ની ખૂબ જ તાતી જરૂરિયાત હતી" જો કે પ્રસ્તાવના લખનાર ખૂબ સિફતપૂર્વક એ ભૂલી ગયા કે આ અનુવાદ ઓલરેડી વીસેક વર્ષ પહેલા ડૉ.સરન દ્વારા જ થઈ ચૂક્યો છે. તસનીમે પણ આ પ્રસ્તાવના લખનાર ની પ્રશસ્તિમાં લખ્યું હતું કે તેમણે " આ અનુવાદ માં જ્યાં જ્યાં જરૃર પડી છે ત્યાં અનુવાદ વાંચી જઇ મને બનતો સહયોગ કર્યો છે અને મને આ અનુવાદ કરવા પ્રોત્સાહિત પણ કર્યો છે." આ પ્રસ્તાવના લખનાર અન્ય કોઈ નહીં પણ તત્કાલીન ICHR પ્રેસિડન્ટ ઇરફાન હબીબ હતા! મજાની વાત એ હતી કે અનુવાદ થયો જ નથી તો મદદ, પ્રોત્સાહન અને વાંચી જઈ ને સૂચનો આપવા આ બધું ક્યારે થયું!? મતલબ બંને ને ખબર હતી જ કે શુ ખીચડી પકાવાઈ રહી હતી. 

આ જુગલજોડી ને એમ હતું કે  તેમને કોઈ પકડી નહીં શકે પણ ડો.સરન ના જમાઈ તેમજ અરુણ શૌરી એ વધુ તપાસ કરાવતાં, ICHR ના બદલાયેલા નવા ડાઈરેક્ટરે પેલી હસ્તપ્રત માટે વધુ સઘન તપાસ હાથ ધરી, અને નસીબજોગે એક જૂના કબાટમાં થી ડો.સરન દ્વારા ન માત્ર લખાયેલ પણ હાંસિયામાં એમના સ્વક્ષરોમાં નોંધ પણ કરાયેલ તારીખ-એ-અકબરી ના અંગ્રેજી અનુવાદના પહેલા 62 પેજ મળી આવ્યા, અને ખરું આશ્ચર્ય તો એ હતું કે એ બધા 62 પેજ શબ્દસ: તસનીમ એહમદ ની ડૉક્ટરેટ થિસીસ જેવા જ હતા! હવે, કોઈ બે માણસો ના વિચારો સમાન હોઈ શકે, એકાદ બે વાક્યો કે કદાચ બહુ બહુ તો એકાદ બે પેજ સમાન હોઈ શકે પણ આખા 62 પેજ અક્ષરસ: સમાન કઈ રીતે હોઈ શકે!? આ મુદ્દો ખૂબ ચગ્યો, સંસદમાં પણ આ વિશે પ્રશ્નો પુછાયા, તેથી દબાણવશ થઈ ને 8 ઓગસ્ટ 1998 ના રોજ આ કાંડની તપાસ કરવા એક કમિટી ગઠિત કરવામાં આવી, જેમના તારણ મુજબ "આટલી બધી સમાનતા અકસ્માત ન હોઈ હકે અને સાહિત્યિક ચોરી(Plagiarism)ની શકયતા નકારી ન શકાય." આ આખા કાંડમાં તસનીમ એહમદ જેટલા જ ઇરફાન હબીબ પણ આ સાહિત્યિક ચોરી અને અનૈતિકતા માટે જવાબદાર ગણાય. 

ઇરફાન હબીબ સાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં કામ કરી ચૂકેલ તથા આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂકેલ કે.કે.મોહમ્મદે પણ પોતાની મલયાલમ માં લખેલી આત્મકથા Me, The Indian માં ઇરફાન હબીબ નાં કારનામાં વર્ણવ્યા છે. આ એ જ કે.કે.મોહમ્મદ છે કે જેઓને અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા ની દિલ્લી યાત્રા દરમ્યાન દિલ્હી ના પ્રખ્યાત ઐતહાસિક સ્મારકો બતાવવાનું કામ સોંપાયું હતું. તથા કે.કે.મોહમ્મદ સૌ પહેલા મુસ્લિમ ઇતિહાસકાર/આર્કિયોલોજીસ્ટ હતાં કે જેમણે વૈજ્ઞાનિક અને પુરાતાત્વિક પુરાવા ના આધારે જાહેરમાં કહેલું કે બાબરી મસ્જિદ નું નિર્માણ મંદિરના અવશેષો ઉપર કરવામાં આવ્યું હતું! 

મોહમ્મદ પોતાની આત્મકથા માં લખે છે કે" હું પહેલા જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં ઇતિહાસ ભણવા માટે ગયો ત્યારે ઇરફાન હબીબ જેવા નામી પ્રાધ્યાપક પાસે ભણવા મળશે એમ માની મારો ઉત્સાહ સ્માતો નહોતો, પણ તેમની પાસે ભણ્યા બાદ તેમનું જ્ઞાન કે ભણાવવાની પદ્ધતિ કશું મને કે મારા કલાસ માં કોઈને ખાસ પ્રભાવિત કરી શક્યું નહીં. આ વાત જાહેર થતાં, હબીબ મારા ગ્રુપ ઉપર ખાર રાખવા લાગ્યા. ત્યાં સુધી કે મારા કોંગ્રેસી તરીકે સ્ટુડન્ટ યુનિયન માં ઉભા રહેવા પર પોતાના માર્કસિસ્ટ ગ્રુપ દ્વારા વિવિધ સતામણીઓ થવા લાગી. આવા જ કારણોથી મને રિસર્ચર તરીકે લેવામાં ન આવતા મારે આર્કિયોલોજી પસંદ કરવું પડ્યું." પણ ઉલટું આ તો મોહમ્મદ માટે આશીર્વાદ જેવું થઈ પડ્યું. પુરાતત્વવિદ તરીકે તેમણે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. ફતેહપુર સિકરી અને દિલ્લી માં સંશોધન દરમ્યાન તેમણે અકબર દ્વારા 1575 માં અલગ અલગ ધર્મો ની પ્રાર્થના માટે બનાવવામાં આવેલ ઈબાદત ખાના ની અને અકબર દ્વારા ખ્રિસ્તી મિશનરીઓ માટે બનાવવા માં આવેલ ચર્ચ ની પણ શોધ કરી. આ ઇરફાન હબીબ ની પોતાની ઐતહાસિક થિયરી વિરુદ્ધ હોવાથી તેમણે મોહમ્મદને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને ખાખડાવતાં હોય તેમ કહ્યું " તમે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાવી દીધું છે પણ તે અકબરે બનાવેલ ઈબાદત ખાના હોઈ જ ન શકે" મોહમ્મદે સામો પ્રશ્ન કર્યો "તમને કેવી રીતે ખબર, શુ તમે પુરાતત્વવિદ છો?" હબીબે એક કોરો કાગળ તેમની આગળ ધરતાં અકળાતા કહ્યું "હું તમારા જેટલો સારો પુરાતત્વવિદ કદાચ નથી પણ આ ઈબાદત ખાના નથી જ મને  એ ખબર છે ,તમે બસ મને એવું લખી ને આપી દો! " મોહમ્મદ બોલ્યા "સોરી સર પણ તમે પુરાતત્વવિદ જ નથી!" આટલું કહી ને એમણે ચાલતી પકડી. આ ઘટના હબીબ છેક સુધી ભૂલ્યા નહીં અને મોહમ્મદ ના કહેવા પ્રમાણે ત્યારબાદ તેમણે મોહમ્મદને "કોમવાદી" અથવા "હિન્દુત્વવાદી" કહેવા ચિતરવાનું ચાલુ કરી દીધું. મોહમ્મદ ના કહેવા મુજબ આ જ તેમનો સ્વભાવ હતો જો તમે માર્કસિસ્ટ ફિલોસોફી અને એમના દ્વારા લખાયેલ ઇતિહાસમાં માનો છો તો જ તમે સેક્યુલર કહેવાના લાયક છો જો તમે તમારો પોતાનો સ્વતંત્ર મત મુકવો શરૂ કર્યો કે તમારા પર  તરત જ આ ટુકડી હિન્દુત્વવાદી કે કોમ્યુનાલિસ્ટ નું લેબલ ચિપકાવી દેશે! 

2015 માં જેને આ ગેંગ પોતાની બાપીકી મિલકત ગણી બેઠેલી એવી ICHR ની એડવાઈઝરી કમિટીમાં થી હબીબ, રોમિલા થાપર, સતિષ ચંદ્ર વગેરે ને હાંકી કાઢતાં આ જ ઇરફાન હબીબે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને ISIS સાથે સરખાવેલું! 

આવા તો ઘણા દાખલા છે આ સાપોલિયાઓ ને ઉઘાડા પાડવા માટે, પણ જેને ખરેખર સમજવું જ છે એના માટે આટલું પણ પૂરતું છે પણ જેણે કોઈ ચોક્કસ ચશ્મા પહેરી જ લીધા છે એને જો ચશ્મા ઉતારી સત્ય જોવાની હિંમત ન હોય તો એ ચશ્મા સાથે ફ્રી માં મળતા પૂર્વગ્રહો અને અજ્ઞાન ને પણ વેંઢારવું જ રહ્યું. બાકી આ બધી માહિતી પબ્લિક ડોમેઇનમાં વર્ષોથી હોવા છતાં 2005 માં તે વખતની UPA સરકારે હબીબને પદ્મભૂષણ આપી નવાજ્યા! 

~ ચિંતન પટેલ

#irfanhabib #ichr

Monday, December 23, 2019

સિટીઝનશીપ અમેનડમેન્ટ એકટ (CAA) મિથક અને સત્ય! -ચિંતન પટેલ

સિટીઝનશીપ અમેનડમેન્ટ એકટ (CAA) મિથક અને સત્ય! -ચિંતન પટેલ


આજે દેશભરમાં જે ચાલી રહ્યું છે તે માત્ર કોઈ એક કાયદા નો વિરોધ અને સપોર્ટ માત્ર નથી. એક જબરદસ્ત યુદ્ધ છે, વોર ઓફ આઇડીયોલોજી અને વોર ઓફ હિસ્ટોરીકલ નેરેટિવ્સ! ભારતીયતા માંથી ઉપજેલ એક અલગ વિશુદ્ધ અને સરળ સેક્યુલરીઝમ અને પશ્ચિમ થી આયાત કરાયેલ મોટામોટા લેબલ હેઠળ દબાયેલ અને વિકૃત સેક્યુલરીઝમ વચ્ચે, યુદ્ધ છે રાષ્ટ્રવાદ અને અર્બન નક્સલવાદી તત્વો વચ્ચે! ન્યુઝ જોતા, વાંચતા કે પાન ના ગલ્લે બેસી ચર્ચા કરતાં આપણે બધા આ યુદ્ધ નો જાણતાં અજાણતાં ભાગ છીએ જ. આ યુદ્ધ રણમેદાનમાં નહીં પણ મનમેદાનમાં લડાવાનું છે, આજના સોશિયલ મીડિયા ના યુગમાં આપણી સૌથી મૂલ્યવાન ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ આપણા ઈંફોર્મડ ઓપિનિયન છે, પણ જરા વિચારો કે આજકાલ ઓપિનિયન આપણા છે ખરા? દરેક ટ્વીટ, ફેસબુક ની દરેક પોસ્ટ, રિમોટનું દરેક બટન, યુ ટ્યુબનો દરેક વીડિયો દર સેકન્ડ આપણા અભિપ્રાય પર અસર કરે છે. આજની પેઢી લાબું વિચાર્યા વગર તરત જ બીજાના કહ્યે દોરવાઈ ને કોઈ એક ખોટો પણ જડસુ અભિપ્રાય બાંધી લે છે અને તેના માટે રસ્તા પર પણ ઉતરી આવે છે! 

લોકશાહીમાં સરકાર ની નીતિઓ પર, નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવવા જ જોઈએ, જ્યાં જરૂર લાગે ત્યાં વિરોધ કરવો પણ જોઈએ, બક્ષીબાબુ ની ભાષામાં દિલ ફાડીને વિરોધ કરવો જોઈએ, પણ પોતે હિંસા કરીને એનું પોલીસ/પ્રશાસન પર બીલ ફાડીને નહીં! જેમ સૂંઠ ના ગાંગળે ગાંધી ના થવાય ને એમ જ પ્લેકાર્ડ પકડે ભગત સિંગ ન થવાય, ક્રાંતિ કરવી હોય, પોઝીટીવલી કંઈ બદલવું હોય તો ભગત સિંગ જેવું વાંચન અભ્યાસ હોવો જોઈએ, તર્કબદ્ધ દલીલો હોવી જોઈએ. નહિતર ભલભલા આંદોલનો ની હાલત આપણે જોઈ જ છે, સામાન્ય લોકો ના ભોગે આંદોલનની સીડી બનાવી  પોતાનું રાજનૈતિક કરિયર ને અઢળક પૈસા બનાવી લેવા વાળા આંદોલન ના આગેવાનો જોવા બહુ પાછળ જવું પડે એમ નથી! 

આટલા દિવસોથી હું જોઉં છું કે બે જાતના લોકો છે એક કે આ કાયદો મોદી સરકાર લાવી હોવાથી બસ વિચાર્યા વગર માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરવો અને સામે પક્ષે બીજી કે બસ મોદી સરકાર લાવી છે એટલે વિચાર્યા વગર માત્ર સપોર્ટ કરવો. ખરેખર લશ્કર ક્યાં લડે છે એની બંનેને ખબર નથી. તેથી આ બંને એપ્રોચ યોગ્ય નથી, ખાસ કરીને યુવાનો માટે.

એટલા માટે પહેલા તો કોઈપણ મુદ્દા વિશે વાંચો, વિચારો, ચર્ચાઓ કરો ને જરૂર પડ્યે સમર્થન/વિરોધ કરો. પણ શરત માત્ર એટલી જ કે વિચાર તમારા પોતાના હોવા જોઈએ, ઉધાર લીધેલા વિચારો કોઈને દૂર સુધી લઈ જઈ શકતા નથી, બહુમાં બહુ તમે કોઈ એક પક્ષના હાથા બની ને રહી જશો!

એવું ધ્યાનમાં આવ્યું કે ઘણાખરા લોકોને આ મુદ્દો જ હજી સમજાયો નથી એટલા માટે, CAA ઉપર મને જે સમજાયું તે લખવા પ્રયાસ કર્યો છે.



મિથક# 1 આ કાયદો તદ્દન બિનજરૂરી અને અમાનવતાવાદી છે.

સત્ય:  સૌ પહેલા તો એ વિચારીએ કે શું આવા કોઈ કાયદા કે સુધારાની જરૂર હતી ખરી? આ માટે ઇતિહાસ તપાસવો પડે એમ છે, પણ અહીં સમય અને જગ્યાના અભાવે માત્ર અમુક મુખ્ય તથ્યો ઉપર નજર નાખીએ. પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ, પ્રથમ ગૃહમંત્રી સરદાર સાહેબ થી લઈ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ સુધી સૌ વિચારવંત મહાનુભાવોએ અલગ અલગ સમયે પાકિસ્તાનમાં વસતી લઘુમતીઓ ની સ્થિતિ ને લઈ ચિંતા વ્યક્ત કરેલી. નહેરુજી અને ગાંધીજી એ તો સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે ભાગલા વખતે પાકિસ્તાન(પૂર્વ અને પશ્ચિમ બન્ને) માં વસતા "નોન-મુસ્લીમ" લોકો જો કોઈપણ કારણસર અહીં પાછા ફરવા માંગે તો તેઓનું અહીં સ્વાગત છે. જેમ ગૃહમંત્રી અમિત શાહે આજતક ને આપેલા ઇન્ટરવ્યૂ માં સંદર્ભો ટાંકીને લંબાણપૂર્વક જણાવેલું એમ આ બીલ કંઈ પહેલી વાર મોદી સરકાર લાવી એવું નથી, માત્ર આ બીલ જ નહીં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનશીપ (NRC) લાગુ કરવાનું બીલ પણ સૌ પહેલા આગળની કોંગ્રેસી સરકારો જ લાવેલી, પણ વોટબેંક સાચવવા ના ચક્કરમાં કદી લાગુ કરવાની હિંમત ન કરી શકી.ખરેખર તો જો 1947 પછી જ અથવા 1971 માં જ્યારે આ મુદ્દો વિકરાળ બની ને સામે ઉભો હતો અને તે વખતના પૂર્વ પાકિસ્તાન માં થી આવેલા સંખ્યાબંધ શરણાર્થીઓ ને ભારતે સ્વીકાર્યા ત્યારે જ જો NRC લાગુ કરીને એક સૂચી તૈયાર કરી લેવામાં આવી હોત તો આજે એક નાનો એવો ઘા ગેંગ્રીન નું રૂપ ધારણ ના કરવા પામત! પહેલેથી જ પોતાનું બધું છોડીને માત્ર પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે અહીં આવી વસેલા અને અહીંના રેફ્યુજી કેમ્પમાં રહેતા લોકો જે નારકીય સ્થિતિનો સામનો રોજેરોજ કરે છે એ જોતાં આ કાયદો જરૂરી અને સમયસર જ નહીં પણ જોઈએ તેના કરતાં મોડો છે!

યુનાઇટેડ નેશન્સની વ્યાખ્યા અનુસાર યુદ્ધ કે હિંસા દરમ્યાન થયેલી પ્રતાડના ને લીધે પોતાનો દેશ છોડવા મજબૂર બનેલ તેમજ પોતાના ધર્મ, જાતિ, રાજનૈતિક અભિગમ કે કોઈ ચોક્કસ સામાજિક ગ્રુપ ના ભાગ હોવાને કારણે જો હિંસા કે દુર્વ્યવહાર નો સામનો કરવાની બીકે પોતાનો દેશ છોડી ભાગેલ દરેક વ્યક્તિ શરણાર્થી છે

આ રીતે પોતાનો જીવ તેમ જ ઈજ્જત બચાવવા પોતાનું ઘર, જમીન, મિલકત બધુ છોડીને માત્ર પહેરેલ કપડે નીકળી ગયેલા લોકો પાસે યોગ્ય કાગળિયાં હોવા દર વખતે શક્ય ન હોવાથી આ બધી લઘુમતીઓ ને યોગ્ય કાગળિયા ના અભાવે પણ નાગરિકત્વ આપવાનું આ સુધારા માં પ્રાવધાન છે.આમ જે લઘુમતીઓ પોતાના ધાર્મિક આચાર-વિચાર ને કારણે આ ત્રણ દેશોમાં પ્રતાડીત હતી તેઓને શરણ આપવામાં આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ પણ કંઈ ખોટું નથી, ઉપરાંત આ માનવતવાદી પગલું તો છે જ.

મિથક#2  CAA મોદી સરકાર દ્વારા ભારતીય મુસલમાનો ને દેશબહાર કરવાનું કાવતરું છે.

સત્ય:  CAA એ ભારતના સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એકટ 1955 ને મોડીફાય કરવા માટે લાવવામાં આવેલ એક સુધારો છે. પહેલાં તો એ જાણી લઈએ કે આ કાયદો આમ પહેલવહેલો મોડીફાય નથી કરવામાં આવી રહ્યો, અમલમાં આવ્યા બાદ આ કાયદો 1957,1960,1985,1986,1992,2003,2005 અને 2015 આમ આઠ વાર પરિસ્થિતિ અનુસાર જે તે વખતની સરકારો દ્વારા બદલાવાઈ ચૂક્યો છે. તો પછી આ નવમાં સુધારા ની જરૂર કેમ પડી? 

કોઈપણ દેશની નાગરિકતા એ ચોક્કસ નિયમો અંતર્ગત જ આપવામાં આવે, જે તે વખતે આપણી બંધારણ સભા એ અને ત્યારબાદ સંસદે ખૂબ ચર્ચા વિચારણા અને ઘણા બધા સુધારા કર્યા બાદ આજે ભારતનું નાગરિકત્વ નીચે જણાવેલ 5 રસ્તે સ્વત: જ મળી જાય છે.

1. ભારત ની ભૌગોલિક ધરતી પર જન્મ લેવાથી

2. વંશ પરંપરા થી ભારતીયતા સાબિત થવાથી

3. ચોક્કસ નિયમો મુજબ રજીસ્ટ્રેશન થઈ

4. નેચરલાઈઝેશન (ભારતમાં 11 વર્ષ કે તેથી વધુ કાયમી ધોરણે વસવાટ કરવાથી) 

5. સિટીઝનશીપ બાય ઇનકોર્પોરેશન ( જો ભવિષ્યમાં ભારત કોઈપણ ભૌગોલિક પ્રદેશને પોતાનો ભાગ બનાવે તો તે ભાગમાં વસતાં બધા નાગરિકો ને સ્વત: જ ભારતીય નાગરિકત્વ મળી જાય) 

આ ઉપરાંત સરકાર કેબિનેટ તેમજ સંસદ ની સહમતી થી કોઈ ચોક્કસ કારણ અને પરિસ્થિતિ માં કોઈપણ વ્યક્તિ/સમુદાય/ રાજનૈતિક શરણાર્થી વગેરે ને પણ ભારતમાં સમાવી શકે. આવા અનેક ઉદાહરણો છે, 

  • 1959 માં પોતાના 1 લાખ અનુયાયીઓ સાથે તિબેટ થી આવેલ દલાઈ લામા ને નહેરુ સરકારે રાજકીય શરણ આપેલી

  • 1971 માં યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી ના અંદાજ મુજબ લગભગ 1 કરોડ થી વધુ બાંગ્લાદેશી લોકો અહીં શરણાર્થી બનીને આવેલા

  • 1974 માં શ્રીમતી ગાંધી અને શ્રીલંકન રાષ્ટ્રપતિ સિરિમાઓ બંદરનાઈકે વચ્ચે થયેલ સમજૂતી અનુસાર ભારતે 5,25,000 શ્રીલંકાઈ તમિલોને સ્વીકાર્યા

  • 1982 માં શ્રીમતી ગાંધી ની સરકારે યુગાન્ડા થી ઈદી અમીન ના દમનકારી શાસન થી બચાવવા લગભગ 80,000 ભારતીય મૂળના નાગરિકોને ભારતમાં સ્વીકાર્યા,

  • વર્લ્ડબેન્ક અને યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી ના અંદાજ મુજબ  આશરે 2 લાખ જેટલા અફઘાન શરણાર્થીઓ પહેલા રશિયન અને પછી તાલિબાની દમનથી ત્રાસી ભારત આવી વસ્યા છે. 

સમજી શકાય એવું છે કે આ બધા કિસ્સા અલગ અલગ છે અને ઉપરોક્ત બધા નિર્ણયો જે તે સરકારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ ને જ કરેલા છે. આવા નિર્ણયો લેવા એ કોઈપણ સરકાર નો હક અને અમુક કિસ્સામાં ફરજ પણ હોય છે. તો કોઈ પણ બુદ્ધિશાળી ભારતીય એવી દલીલ કરી શકે કે દલાઈ લામા ને શરણ આપવાથી નહેરુ સરકાર મુસ્લીમ વિરોધી કે શીખ વિરોધી થઈ ગઈ!?

હવે વર્તમાન કાયદા ને સમજીએ. આ કાયદા મુજબ આપણા ત્રણ મુસ્લીમ બહુલ પાડોશી રાષ્ટ્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માં થી 31 ડિસેમ્બર 2014 કે તેથી પહેલા તે દેશોમાં લઘુમતી એવી હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, ઈસાઈ અને પારસી લોકો કે જેઓ પોતપોતાના દેશોમાં ધાર્મિક પ્રતાડના ને કારણે જો ભારતમાં પ્રવેશ કર્યો હોય તો તે લોકોને નાગરિકત્વ આપવાનું પ્રાવધાન છે.આ મુદ્દે ભોળા અને ઓછું ભણેલા નાગરિકો ને સૌથી વધુ ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આ લિસ્ટ માં મુસ્લીમ જ બાકાત શા માટે? બહુ સાદી વાત છે, જેમ ઉપર જોયેલ દરેક કિસ્સામાં અલગ અલગ લોકોને અલગ અલગ સમયે અલગ અલગ કારણોસર ભારતમાં સ્વીકારવામાં આવ્યા છે જેને બંધારણીય ભાષામાં રીઝનેબલ કલાસિફિકેશન કહે છે. તો આ વખતે રિઝનેબલ કલાસિફિકેશન નો આધાર ધાર્મિક ઉતપીડન હોવાથી એવા જ સમુદાય ને આ બીલ અંતર્ગત સ્વીકારી શકાશે કે જેઓ પોતાના દેશમાં ધાર્મિક ઉતપીડન નો શિકાર બન્યા હોય. હવે ત્રણેય પાડોશી દેશો ના પોતાના જ બંધારણ અનુસાર તેમના દેશનો ધર્મ ઇસ્લામ છે, અને એમનું તો સર્જન જ ધર્મ ના નામે થયું છે! હવે આ દેશોમાં ઇસ્લામ માં માનનારા અન્ય કોઈ રીતે પ્રતાડીત હોય તો ઠીક બાકી પોતાની ધાર્મિક માન્યતાઓ ને લઈ ને તો પ્રતાડીત ન જ હોઈ શકે, એ માની શકાય એવું છે. અહીં અહેમદીયા અને શીયા સંપ્રદાય ના લોકો પર થતા અત્યાચારો ની ચર્ચા અસ્થાને છે કારણ કે તે ધાર્મિક નહીં પણ સાંપ્રદાયિક મામલો છે અને આપણું સંવિધાન કોઈ જ સંપ્રદાય ને સ્વીકારતું નથી.તો હવે પ્રશ્ન થાય કે શું આવા શિયા-અહેમદીયા-હાજરા  મુસ્લિમ શરણાર્થીઓ જો અહીં આવી વસ્યા હોય તો તેમને ભારતીય નાગરિકત્વ મળી જ નહીં શકે? જવાબ છે હા, જરૂર મળી જ શકે કારણ કે ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાથી આપણા દેશમાં ધર્મ આધારિત ભેદભાવ થતો નથી, તેથી જો કોઈ શરણાર્થી 11 વર્ષ કે તેથી વધુ સમયથી અહીં વસેલા હોય તો તેઓ જરૂર થી નેચરલાઈઝેશન ના રસ્તે નાગરિકત્વ મેળવી શકે. આ નાગરિકત્વ ઉપર જણાવેલ શરત 4 નેચરલાઈઝેશન મુજબ અપાશે, પણ નેચરલાઈઝેશન ના નિયમ મુજબ નાગરિકત્વ આપવાનું પ્રાવધાન "ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં વસવાટ" છે. આ બીલ લાવી સરકારે આ પહેલેથી પીડિત, પોતાનો ધર્મ બચાવવા ખાતર અમાનવીય અને દયનિય પરિસ્થિતિમાં રહેતા આ લોકો ને વધુ રાહ ન જોવી પડે એ હેતુ થી માત્ર આ કિસ્સામાં 11 વર્ષ ના બદલે "ઓછામાં ઓછા 5 વર્ષ ભારતમાં કાયમી વસવાટ" નો સુધારો કર્યો છે અને માટે જ તારીખ 31 ડિસેમ્બર 2014 રાખવામાં આવી છે.

આમ જોઈ શકાય છે કે આ કાયદા માં કોઈપણ જગ્યા એ ભારતીય મુસલમાન કે પહેલેથી ભારતીય નાગરિક હોય એવી કોઇપણ વ્યક્તિ પાસે નાગરિકતાની સાબિતી માંગવાનો જ કોઈ સવાલ નથી તો પછી કાઢી મુકવાનું તો શક્ય જ નથી. કોઈ એવી દલીલ કરી શકે કે દલાઈ લામા ને શરણ આપવાથી નહેરુ સરકાર મુસ્લીમ વિરોધી કે શીખ વિરોધી થઈ ગઇ અથવા નહેરુજી બૌદ્ધ રાષ્ટ્ર સ્થાપવા માંગતા હતા? આ જ દલીલ જેટલી વાહિયાત દલીલ આ વખતે થતી હિંદુરાષ્ટ્ર વાળી દલીલ છે. પણ આપણા બિકાઉ મીડિયા ને સિલેક્ટિવ રિપોર્ટિંગ ની અને કહેવાતા સેક્યુલરો ને સિલેક્ટિવ સેક્યુલરીઝમ ની આદત પડી ગઈ છે.

મિથક#3 CAA + NRC લાગુ કરી દેવાયું છે અને તેથી બધા ભારતીય મુસલમાનો ને દેશ છોડવો પડશે. 

સત્ય: આ સમગ્ર પ્રોટેસ્ટ અને આખા પ્રોબ્લેમ નું મૂળ આ એક ગેરસમજ છે! હકીકતમાં આ ગેરસમજ નથી, અમુક બેજવાબદાર અને સ્વાર્થી લોકો દ્વારા ખૂબ આયોજન પૂર્વક ફેલાવવામાં આવી રહેલું જુઠ્ઠાણું છે! એ લોકોને ખબર હતી કે ખરેખર માત્ર CAA માં તો કોઈ ધાર્મિક ભેદભાવ છે જ નહીં માટે ભારતીય મુસ્લિમો ને ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક નક્કી કરાયેલ સ્ટ્રેટેજી અંતર્ગત આ બંને કાયદાઓ ભેેગા કરી ને પોતાની સાવ પાયાવિહોણી વાતને બળ આપવા કવાયત કરાયેલ છે. તો, સૌ પહેલા તો એ સમજીએ કે CAA અને NRC બંને તદ્દન અલગ અલગ વસ્તુઓ છે અને બંને વચ્ચે કોઈ સીધો સબંધ જ નથી.

 CAA એ બહારથી આવી ભારતમાં વસેલી પીડિત લઘુમતીઓ ને માનવતા દાખવી હક આપવાનો છે તેને પહેલેથી ભારતીય નાગરિક હોય તેની સાથે બિલકુલ લેવા દેવા નથી, આ જ રીતે NRC એ જે પહેલેથી ભારતીય નાગરિક છે એ લોકોની આયોજનબદ્ધ રીતે ગણતરી કરી ભારતીય નાગરિકો ની એક સૂચી તૈયાર કરવાનો છે જેનાથી ખરેખર કેટલા ભારતીય નાગરિકો છે તે અને કેટલા લોકો ઘૂસણખોરી કરી ભારતમાં આવી વસ્યા છે તેનો અંદાજ આવી શકે.

 દુનિયાના લગભગ દરેક વિકસિત દેશ પાસે પોતાના નાગરિકોની એક આવી સૂચી છે અને એમાં કશું ખોટું નથી જ! હવે, સામાન્ય મુસ્લીમ નાગરિકો ને એવી રીતે ભડકાવાઈ રહ્યા છે કે તમારી સાત પેઢીઓના પુરાવા માંગવામાં આવશે અને બાપદાદાઓ વખત થી નાગરિકત્વ સાબિત ના કરી શક્યા તો અહીંથી કાઢી નાખવામાં આવશે વગેરે વગેરે. જે બિલકુલ પાયાવિહીન ભય ફેલાવવાની વાત છે.

અહીં NRC નો ઇતિહાસ જાણવો પણ ખૂબ જ જરૂરી છે, સૌ પ્રથમ બાંગ્લાદેશી ઘૂસપેઠ ના બનાવો ને કારણે 1951 ની વસ્તી ગણતરી વખતે આસામની પ્રજાની ભાવના ને માન આપીને ત્યાં NRC ની મંજૂરી કેન્દ્રની નહેરુ સરકાર દ્વારા આપવામાં આવેલી. ત્યારબાદ 1971 માં લગભગ 1 કરોડ બાંગ્લાદેશીઓ ની ઘૂસણખોરી થવા છતાં ફરીથી  NRC કરીને ઘૂસણખોરો ને ઓળખવાના કોઈ પ્રયાસ કરવામાં ન આવ્યા.ઉપરથી જે તે વખતની સરકારો એ આ લોકોમાં પોતાની વોટબેંક જોઈને તેઓને વોટર આઈ.ડી પણ ઈસ્યુ કરાવી દીધા! આસામ ની જનતા છૂટપુટ વિરોધ કરતી રહી પણ રાષ્ટ્રીય સ્તર પર કોઈએ તેમનું સાંભળ્યું નહીં. છેક 2013 માં આસામ સંમિલિત મહાસંઘ અને આસામ પબ્લિક વર્કસ ના પ્રયત્નોથી સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરાવવામાં આવી,  જેની મુખ્ય માંગણી હતી આસામ ના વોટર લિસ્ટમાં થી 1971 બાદ ઘૂસી આવેલ ભારતમાં ગેરકાયદેસર રહેતાં લોકોની હકાલપટ્ટી કરવી. 2014 માં માનનીય સુપ્રીમ કોર્ટે આ અરજી ના જવાબમાં આસામમાં રાજ્યવ્યાપી NRC કરાવવાનો સરકાર ને આદેશ આપ્યો. આ આદેશના જવાબમાં 2015 માં આસામમાં NRC ની કામગીરી શરૂ કરવામાં આવી અને તેનું અંતિમ લિસ્ટ 31 ઓગસ્ટ 2019 ના રોજ જાહેર કરવામાં આવ્યું. 

અહીં એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે આસામમાં NRC ના એકઝીકયુશન માં અમુક લૂપહોલ્સ રહી જવા પામેલા અને તેથી ત્યાંના લોકો ને થોડું સહન પણ કરવું પડ્યું છે. પણ એ NRC ના આધારે સરકારે કોઈને અહીંથી જવાનું કહ્યું નથી. ખૂબ જ અગત્ય ની વાત એ છે કે હજી દેશવ્યાપી NRC આવશે એવું માત્ર ગૃહમંત્રી એ મોઢામોઢ જ કહ્યું છે કાગળ ઉપર કંઈ જ નથી, હજી એનો પ્રથમ મુસદ્દો પણ તૈયાર કરાયો નથી.  સરકારે માન્યું છે કે હવે દેશવ્યાપી NRC આવશે એ પ્રમાણમાં સરળ અને જે લોકો પહેલેથી નાગરિક છે એમના માટે કોઈજ તકલીફ ઉભી ન કરે એવું હશે! સરકાર દ્વારા ફરતી કરાયેલ નોટમાં એવું પણ કહ્યું છે કે હજી સુધી મુસદ્દો તૈયાર ન કરાયો હોવાથી ચોક્કસ કહી શકાય એમ નથી કે કયા કાગળિયાં માન્ય ગણાશે પણ એક વાત ચોક્કસ છે કે માત્ર પોતાનું નામ, પિતાજી નું નામ, જન્મ નું સ્થાન, વોટર આઈ.ડી, બર્થ સર્ટી, ઘર-જમીન ના દસ્તાવેજો વગેરે જેવા સામાન્ય નાગરિક પાસે પણ હોઈ શકે એવા કાગળ નાગરિકત્વ પુરવાર કરવા માટે પૂરતાં હશે. ચોક્કસ તો જ્યારે આવે ત્યારે જ ખ્યાલ આવે પણ અત્યાર થી જ NRC ના નામે ખોટી રીતે ઉભા કરાયેલા હાઉ ને લીધે હિંસક આંદોલનો કરવા એ તો સગાઈ કર્યા પહેલા છૂટાછેડા ને લઈ ઝઘડા કરવા જેવી બાલીશ વાત છે!

મિથક#4 CAA અસંવૈધાનીક હોવાથી ભારતીય બંધારણ ની આત્મા વિરોધી છે! 

સત્ય: આ મુદ્દો આપણે અમુક ઉદાહરણો દ્વારા સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ.

1. ધારો કે ત્રણ મિત્રો છે, X,Y અને Z.  ત્રણેય મિત્રો એ મેડીકલમાં પ્રવેશ લેવા માટે રાત દિવસ મહેનત કરી NEET ની પરીક્ષા આપી. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે 720 માં થી X નો સ્કોર  610, Y નો સ્કોર 480 અને Z નો સ્કોર 450 હતો. જો કટ ઓફ સ્કોર 553 હોય તો દેખીતી વાત છે કે યોગ્યતા અનુસાર તો માત્ર X ને જ એડમિશન મળવું જોઈએ, પેલા બંને ને નહીં. પણ અહીં મજાની વાત એ છે કે આપણા દેશમાં આવી પરિક્ષાઓના કટ ઓફ સ્કોર કદી એક નથી હોતા! જે કટ ઓફ સ્કોર એક જાતિના વિદ્યાર્થીઓ માટે 553 છે એ જ પરીક્ષામાં એની બાજુમાં જ બેસી ને એ જ પ્રશ્નપત્ર લખવા વાળા વિદ્યાર્થીઓ માટે કટ ઓફ સ્કોર માત્ર 440 છે! હવે વિચારો કે જો Y 553 કટ ઓફ વાળી જાતિમાંથી આવે છે અને Z 440 કટ ઓફ વાળી જાતિમાં થી આવે છે તો એક જ પરીક્ષા આપવા છતાં એ જ કોલેજમાં ઓછો સ્કોર હોવા છતાં Z ને એડમિશન મળશે અને Y ને Z કરતાં વધુ સ્કોર કરવા છતાં એ કોલેજમાં એડમિશન નહીં મળી શકે! અહીં આ ત્રણેય વિદ્યાર્થીઓ ભારતના જ નાગરિકો છે, અને આપણા બંધારણનો આર્ટિકલ 14 કાયદા આગળ જાતિ,ધર્મ, કે લિંગ આધારિત ભેદભાવ કરવાની મનાઈ ફરમાવી કાયદા આગળ બધાને સમાન ગણવાનો અને બધાને કાયદા નું સમાન રક્ષણ આપવાનો આદેશ આપે છે, તો શું ઉપરની પરિસ્થિતિ માં તો Y સાથે જાતિ આધારિત ભેદભાવ થયો હોવાથી અનામત વ્યવસ્થા ગેરબંધારણીય ગણી શકાય!? 

જવાબ છે, ના. કારણ કે એક તો આપણું બંધારણ જડસુ નથી,  આર્ટિકલ 14 ને જરૂરિયાત અનુસાર તેને બદલવાની તેમજ તેનું પરિસ્થિતિ અનુસાર અર્થઘટન ની સત્તા  બંધારણે જ સંસદ તેમ જ સુપ્રીમ કોર્ટ ને આપેલી છે. આ સુધારો લાવવાની અમુક શરતો છે, પહેલી અને મુખ્ય શરત સંસદે નક્કી કરેલ રિઝનેબલ કલાસિફિકેશન હોવું જરૂરી છે. બીજી મુખ્ય શરત એ કે આ કલાસિફિકેશન "આરબીટ્રરી"(મરજી મુજબનું) ન હોવું જોઈએ અને આ સુધારો લાવવા પાછળ કોઈ " જસ્ટ ઓબ્જેક્ટ"(સુધારા દ્વારા સિદ્ધ થતો ઉદ્દેશ્ય) હોવો જોઈએ. 

એટલે જ આઝાદી પછી જ્યારે બંધારણીય સભા એ ભારતનું બંધારણ ઘડયું ત્યારે આપણા દેશમાં પ્રવર્તતી જાતિપ્રથા અને જાતિ આધારિત અમુક સમુદાયને થયેલા અન્યાય ને ધ્યાનમાં લઈ આ જાતિઓના લોકોને(રિઝનેબલ કલાસિફિકેશન) ભારતના વિકાસની મુખ્ય ધારામાં મેળવવા માટે (જસ્ટ ઓબ્જેક્ટ)અમુક છૂટછાટો આપવામાં આવી, અને એને ત્યારબાદ સતત ભારતના લોકો દ્વારા ચૂંટેલી સંસદ ની મંજૂરી મળતી રહી. 

આમ આ આખી વ્યવસ્થા એ એક લોકતાંત્રિક પ્રક્રિયા માંથી પસાર થયા બાદ લાગુ કરવામાં આવી હોવાથી Y સાથે જે થયું તેને દુઃખદ જરૂર ગણી શકાય પણ ગેરબંધારણીય ન જ ગણી શકાય! 

2. આ જ રીતે સરકાર જ્યારે ભારતીય લઘુમતીઓ ના ઉત્થાન માટે આખું અલગ મંત્રાલય બનાવી ને કરોડો રૂપિયા ના પ્રોજેક્ટ્સ ચલાવે છે અને તેના લાભ હિન્દુ સિવાયના અન્ય બધા ધર્મોને જ મળે છે, જેમાં સંખ્યા ની દ્રષ્ટીએ સૌથી મોટી લઘુમતી હોવાથી મુસ્લીમ સમાજ ના લાભાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. તો ઉપલક જોતાં તો આ પણ હિંદુઓ વિરુદ્ધ સરકાર દ્વારા ધર્મ આધારિત ભેદભાવ જ થયો, પણ બંધારણીય રીતે એમ ન કહી શકાય કારણ કે જાતિ ની જેમ જ આ કિસ્સામાં ધર્મ ને આર્ટિકલ 14 ના ફ્રેમવર્ક અનુસાર રિઝનેબલ કલાસિફિકેશન તેમ જ લઘુમતી ધર્મો ના લોકો નું ઉત્થાન જસ્ટ ઓબ્જેક્ટ હોવાથી આને પણ ધર્મ આધારિત ભેદભાવ બંધારણ ની દ્રષ્ટિએ ન ગણી શકાય. 

આ જ તર્જ પર ભારતમાં પંચાયત થી લઈ લોકસભા સુધી અમુક સીટો અમુક ચોક્કસ જાતિ અને તેમાંય સ્ત્રીઓ માટે આરક્ષિત કરેલ હોય છે, તો આ પણ બંધારણ અને સંસદ દ્વારા પારીત કાયદા અનુસાર હોવાથી લિંગ આધારિત ભેદભાવ દેખાતો હોવા છતાં તે ગેરબંધારણીય નથી. 

3. માની લો કે પચાસ મુસાફરો ભરેલી એક બસ રાત્રીના સમયે જંગલ જેવા વિસ્તારમાં થી પસાર થઈ રહી છે. આ બસ ને કોઈ ટ્રક સાથે ટક્કર થઈ ગઈ, ત્રણ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા અને બાકી બધા સહીસલામત બચી ગયા. જે બચી ગયાં એમાં ગર્ભવતી સ્ત્રી થી લઈ નાના બાળકો અને ખૂબ ઘરડાં બુજુર્ગો પણ સામેલ હતાં. કોઈ એ 108 ને કોલ કર્યો અને એમ્બ્યુલન્સ મંગાવી લીધી અને ઘાયલો ને તો લઇ જવામાં આવ્યા. ત્યારબાદ પોલીસ ને પણ ફોન કરવામાં આવ્યો અને બાકીના મુસાફરો ને લઇ જવા માટે વાહન ની વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી. 

હવે આ આખી ઘટના શહેર થી દૂર જંગલ જેવા વિસ્તારમાં થઈ રહી છે, જ્યાં થઈ નજીકનું ગામડું પણ ચાલી ને જવા માટે ખૂબ દૂર કહી શકાય તેટલા અંતરે છે. તેથી પોલિસ પાસે પણ સંસાધનોની કમી હોવાથી પોલીસે પોતાની એકમાત્ર જીપ મોકલી આપી, જેમાં ડ્રાઈવર સિવાય સંકડાશ થી બેસે તો પણ માત્ર 9 જણાં જ બેસી શકે એમ છે અને બાકીના લોકો માટે પોલીસ પાછી લેવા આવશે પણ એમાં સમય લાગશે! હવે માની લો કે તમે પણ આ બચી ગયેલા લોકોમાં થી એક છો તેથી તમને પૂછવામાં આવે છે કે પહેલી ખેપમાં કોને કોને મોકલવા જોઈએ!? મારા ખ્યાલથી જગત આખામાં કોઈપણ વિવેકી માણસ ને પૂછતાં તેનો જવાબ હોય કે સૌ પહેલા ગર્ભવતી મહિલા, નાના બાળકો સાથે ની મહિલા અને બુજુર્ગો એ જ જવું જોઈએ. 

હવે આમાં બાકીના લોકો જંગલમાં આંદોલનો કરી જીપ સલગાવવાની ધમકી આપે કે આ અમને જંગલમાં રઝળતા મૂકી જવાનું પોલીસનું કાવતરું છે અમારી સાથે ભારતીય બંધારણ મુજબ ન્યાય નથી થઈ રહ્યો, કારણ કે આર્ટિકલ 14 મુજબ તો બધા સમાન છે તેથી જીપમાં બેસવાનો સૌ નો અધિકાર છે, તો આવા લોકો ને તમે શુ કહેશો!? 

બસ, આટલી સિમ્પલ વાત છે. જે લોકો પોતાના ધર્મનું રક્ષણ કરવા પોતાની માલ-મિલકત, ઈજ્જત બધું છોડીને અસહ્ય પ્રતાડનાઓ સહીને આપણી વિવેકબુદ્ધિ પર ભરોસો કરી અહીં આવેલા છે એ લોકો ને પહેલા જીપમાં બેસવા દેવાની વાત છે. જે રહી ગયા તે લોકો માટે જીપ પાછી આવે જ છે, આ લોકોને લેવા પાંચ વર્ષે આવી તો બાકીના માટે 11 વર્ષે આવશે પણ કોઈને રઝળતા મુકાશે એવું ક્યારેય પોલીસે(સરકારે) કહ્યું જ નથી. જરૂર છે બસ થોડી માનવતા દાખવવાની અને કોઈની ચઢામણીમાં આવ્યા વગર પોતાની વિવેકબુદ્ધી નો ઉપયોગ કરવાની! 

માટે જરા સમજો, બંધારણ નો આત્મા તો સલામત જ છે, મરવા પડ્યા છે ધર્મ અને બંધારણ ને આગળ કરી પાછલા 70 વર્ષો થી ચાલતાં ગોરખધંધા! 

નોંધ#1 આ બાબતનો કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાથી, અને બીજું કે હું બંધારણ કે કાયદાનો નિષ્ણાત પણ ન હોવાથી અહીં માત્ર મુદ્દો સમજવા પૂરતી જ આર્ટિકલ 14 બાબતે કાયદાકીય ચર્ચા કરેલી છે. 

નોંધ#2 બંધારણ અને આર્ટિકલ 14 એ માત્ર અને માત્ર ભારત દેશનાં નાગરિકો માટે જ છે, જ્યારે CAA માત્ર બહારથી ભારતમાં આવીને વસેલા શરણાર્થીઓ ને જ લાગુ પડતો હોવાથી બંને ને કોઈ સબંધ નથી, પણ અમુક લોકો આર્ટિકલ 14 ને નામે લોકોને ભડકાવી રહ્યા હોવાથી અહીં એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

-ચિંતન પટેલ

Sunday, May 26, 2019

ઇમેઇલ નું અથ થી નેતિ નેતિ!



ભારતની એ કમનસીબી જ કહી શકાય કે રોજગાર, ડિફેન્સ, ઈન્ટરનેશનલ ડિપ્લોમેસી ના બદલે કોઈ એકાદ નેતાનું નિવેદન જ પ્રાઈમ ટાઇમનો વિષય બની રહે છે.  એમાંય ખાસ કરીને જો આવું કોઈ નિવેદન આપણા પ્રધાનમંત્રી તરફથી આવેલ હોય ત્યારે તો પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા તેમજ "બેરોજગાર" મીમ મેકર્સને તો જાણે ઘરનો અવસર આવી જાય છે. આવા સમયે વધુ સમજદારી તેમજ જવાબદારી ભર્યું કામ એ થઈ શકે કે નિવેદન નો જે મુખ્ય મુદ્દો હોય તેના વિશે લોકો વધુ જાગરુક બની શકે તેવું કંઈ કરવું. પ્રધાનમંત્રી ના 1988 માં ઇમેઇલ નો ઉપયોગ કરવા વાળા નિવેદન અંગે અહીં આવો જ ઉપક્રમ રાખેલો છે.

ઇમેઇલનું જે સ્વરૂપ આજે આપણે ઓળખીએ છીએ તેવુ સ્વરૂપ આવતા પહેલા તેણે ઘણા રૂપ બદલ્યા હતા તેમજ તેની ઉપત્તિ વિશે પણ એવાજ સવાલો છે જેના કોઈ ચોક્કસ જવાબો નથી. વાત નો દોર શરૂ થાય છે 1965 થી જ્યારે અત્યારનાં ઈમેઈલ ના પૂર્વજ એવાં MAILBOX ની શરૂઆત ફર્નાન્ડો કોરબાતો અને તેમની ટીમ દ્વારા થઈ MIT(Massachusates Institute of Technology) ની આંતરિક ફાઈલ તેમજ મેમો ટ્રાન્સફર સિસ્ટમ તરીકે કરવામાં આવી. આવી સિસ્ટમ બનાવવા પાછળનો હેતુ એવો હતો કે તે વખતે લેન્ડલાઈન ફોન જ અવેલેબલ હતા અને જો કોઈ સાયન્ટિસ્ટ બીજા ડિપાર્ટમેન્ટમાં અન્ય સાયન્ટિસ્ટને કોલ કરે અને જો તે સાયન્ટિસ્ટ બીજા કામ અથવા મિટિંગ માં હોય તો કાંતો તેને કામ પડતા મૂકી દોડવું પડે અથવા કોલ મિસ થઈ જાય. આ તકલીફ નિવારવા માટે એક સિસ્ટમ તૈયાર કરાઈ કે જેમાં એક સાયન્ટિસ્ટ બીજા ડિપાર્ટમેન્ટના સાયન્ટિસ્ટ ના ટેબલ ડેસ્કટોપ સુધી સીધો મેસેજ ડ્રોપ કરી શકે અને તે સાયન્ટિસ્ટ પોતાનું અગત્યનું કામ પૂરું કરીને જ્યારે પોતાની સિસ્ટમમાં લોગ ઈન કરે ત્યારે પેલો મેસેજ તેની વાટ જોતો તેનાજ કામયૂટરમાં પડ્યો હોય! આ સિસ્ટમ ખૂબ જ કારગત નીવડી પણ એની એકમાત્ર તકલીફ એ હતી કે તે બે સિસ્ટમ વચ્ચે કમ્યુનિકેશન કરાવી આપતી બે વ્યક્તિઓ વચ્ચે નહિ, મતલબ કે એક વ્યક્તિ જો એક ચોક્કસ સિસ્ટમ નો જ ઉપયોગ કરતી હોય તો જ આ વ્યવસ્થા અસરકારક નીવડી શકે.

1969 ની આસપાસ યુ.એસ ડીપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ની એડવાન્સ રિસર્ચ પ્રોજેકટ એજન્સી(ARPA) નામની એજન્સી (જે હવે ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેકટ એજન્સી (DARPA)તરીકે ઓળખાય છે) તેણે પોતાના એજન્ટ્સ સાથે તેમજ ઇન્ટરડીપાર્ટમેન્ટલ કમ્યુનિકેશન માટે ઓફિસના જ બધા કમ્પ્યુટર ને જોડતું એક નેટવર્ક ઉભું કર્યું હતું. આ નેટવર્ક એડવાન્સ રિસર્ચ પ્રોજેકટ એજન્સી નેટવર્ક (ARPANET) તરીકે ઓળખાતું હતું.  આ નેટવર્કનો મુખ્ય હેતુ અલગ અલગ યુનિવર્સીટીઓ તથા રિસર્ચ સંસ્થાઓ અરસપરસ માહિતીનું આદાનપ્રદાન કરી શકે તેવો હતો. આ ઉપયોગ કરીને 29 ઓક્ટોબર 1969 રાત્રે 10:30 વાગ્યે એક રિસર્ચ સ્કોલર ચાર્લ્સ એસ. કલાઈન ના હસ્તે ARPA ના બોલ્ટર હોલ થી સ્ટેનફોર્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ સુધી એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર સુધી એક મેસેજ મોકલવામાં આવ્યો જેનું કન્ટેન્ટ માત્ર "લોગ ઈન" એવો શબ્દ હતો. જેની એન્ટ્રી નીચે ની ઈમેજ માં લોગ બુક માં બતાવેલી છે.લોગ બુકમાં જમણી બાજુ જોવા મળતા ઈનીયશીયલ CSK ચાર્લ્સ એસ. કલાઈન દર્શાવે છે. આમાં LOGIN માંથી માત્ર L અને O જ પ્રસારિત થઈ શક્યા ત્યારબાદ સિસ્ટમ ક્રેશ થઈ ગઈ. પણ આ મેસેજ ને સૌ પ્રથમ એક કમ્પ્યુટર થી બીજા કમ્પ્યુટર સુધી ડિપાર્ટમેન્ટ ની બહાર થયેલ સૌ પ્રથમ વિજાણુ પ્રસારણ કહી શકાય.

        

ફોટો કર્ટસી: (Computer History Museum)

1971 સુધીમાં ARPANET સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયું હતું અને ચાર નોડ્સ સાથે પરમેનેન્ટ લિંક પણ સ્થપાઈ ચૂકી હતી. આ વખતે BBN નામની એક કંપનીમાં પ્રોગ્રામર તરીકે કામ કરી રહેલા 30 વર્ષીય રેમંડ ટોમલિન્સન(નીચેનો ફોટો) જે એક એન્જીનીયર હતાં, તેઓને ARPA દ્વારા નવાસવા બનેલા આ નેટવર્ક કે જેને ઈન્ટરનેટનું પૂર્વજ કહી શકાય, તેની ઉપર આગળ કામ કરવા માટે ARPA દ્વારા બોલાવવામાં આવ્યા. ટોમલિંસને ARPA નેટવર્ક પર ફાઈલ ટ્રાન્સફર કરી શકાય તે માટે TENEX નામની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી અને એની  ઉપર ચાલી શકે તેવો CPYNET નામનો ફાઈલ ટ્રાન્સફર પ્રોગ્રામ ડેવલપ કર્યો જેની મદદથી એક કમ્પ્યુટર થી બીજા કમ્પ્યુટર સુધી મેસેજ કરી શકાતો હતો. જે કામ પહેલા માત્ર એક સિસ્ટમ થી બીજી સિસ્ટમ સુધી જ સીમિત હતું તે કામ વિસ્તારવાનું કામ રેમન્ડ ને સોંપવામાં આવ્યું. પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે જો એક જ કમ્પ્યુટર એક કરતાં વધુ માણસો ઉપયોગ કરતાં હોય તો મેસેજ ની પ્રાઈવસી ના રહેવા પામે અને મેસેજ કોને ઉદ્દેશીઈને કહેવાયો છે તે પણ કોઈ રીતે મેસેજ સાથે જ કહેવું જરૂરી લાગ્યું.  આવા વિચારોમાં અટવાયેલા રે ની નજર તેમના કમ્પ્યુટર સાથે જોડેલા મોડેલ 33 ટેલીટાઈપ કીબોર્ડ પાર પડી તેમાં વિરામચિહ્નો સહિત 12 સિમ્બોલ હતાં અને તેમાં સૌથી ઓછું ઉપયોગમાં લેવાતું સિમ્બોલ હતું "@". આ સિમ્બોલનો યુઝ કરી ને મેસેજ ને ચોક્કસ સરનામું આપવું એવું વિચારવામાં આવ્યું. તેણે એક સ્ટેઅન્ડર્ડ ફોર્મેટ વિચાર્યું કે જેનાથી મેસેજ લખીને પછી તેને ક્યાં જવાનું એવો ઓર્ડર એક ચોક્કસ ફોર્મેટમાં જ જાય અને તે મેસેજ જે તે નિર્ધારિત વ્યક્તિને જ મળી શકે. આ માટે તેમણે username@name of computer એવું ફોર્મેટ અપનાવ્યું કે જે વખત જતાં સમગ્ર ઈન્ટરનેટ કમ્યુનિકેશન માટે એક શિરસ્તો બની જવાનું હતું. આમ કરી રેમન્ડે તેના BNN-TENEXB થી BBN-TENEXA નામનાં એકબીજાથી 10 ફૂટ દૂર પડેલા કમ્પ્યુટર વચ્ચે એક મેસેજ મોકલ્યો, આ મેસેજમાં શુ હતું તે તો રે ને પણ યાદ રહ્યું નહીં કારણ કે તેના માટે આ ઘટના રોજિંદી વર્કપલ્સ પાર થતી એક સામાન્ય ઘટના જેવી જ હતી. પણ નેટવર્કમાં 100 યાર્ડ જેટલું અંતર કાપી ને એકમેકથી 10 ફૂટ દૂર પડેલઈ બે સિસ્ટમ્સ વચ્ચે પ્રસારિત થનાર પ્રથમ ઈમેઈલ બન્યો! જે કંપનીમાં રેમન્ડ ટોમલિંસન કામ કરતા હતાં અને જે કંપની ની બે સિસ્ટમ્સ વચ્ચે પ્રથમ ઈમેલ પ્રસારિત થયો હતો તે BBN કંપની 2009 માં Raytheon નામની અમેરિકન સરકાર સાથે શસ્ત્ર સોદા કરતી ડિફેન્સ કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ટેક ઓવર કરી લેવામાં આવી.



ફોટો કર્ટસી: (BBC.com)

 આમ જો આજના ઈમેઈલ ના વ્યાપક રીતે સ્વીકાર્ય ફોર્મેટ અને સ્ટ્રક્ચર ની રીતે જોઈએ તો દુનિયાનો પ્રથમ ઈમેઈલ મોકલવાનો શ્રેય રે ટોમલિંસન ને ફાળે જાય છે જે તેણે પોતે જ પોતાને કર્યો હતો. પછી તો તેઓએ SNDMSG કમાન્ડ ને ઈમેઈલ માટે એક્સટેન્ડ કર્યું અને સપ્ટેમ્બર 1973 માં RFC 561 નામનો એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ડિઝાઈન કર્યો કે જેનો અમુક ભાગ આજે પણ આપણે અજાણપણે આપણા ઈમેલ માં યુઝ કરીએ છીએ જેમ કે From, Subject, Date. 1971 માં રે દ્વારા FTP  ને ઈમેઈલ માટે મોડીફાય કરવાનું એક મહત્વનું કાર્ય કર્યું જે કમ્પ્યુટર યુઝર્સ દ્વારા ચેક 1982 માં FTP નું સ્થાન SMTP એ લીધું ત્યાર સુધી વ્યાપક રીતે વપરાતું રહ્યું. આમ ઘણા લોકો રેમન્ડ ટોમલિંસન ને ઈમેઈલ ના શોધક તરીકેનું બહુમાન આપે છે. તેઓને ઈમેઇલના પિતા તરીકે માનતા લોકો પણ નાની સંખ્યામાં નથી. રે ટોમલિંસન ને અન્ય બહુમાન ની સાથોસાથ 2012માં ઈન્ટરનેટ સોસાયટી દ્વારા ઈન્ટરનેટ હોલ ઓફ ફેમ માં સામેલ કરવામાં આવ્યા.(જે લોકોને આ બહુમાન નો ખ્યાલ ન આવતો હોય તો એટલું સમજી લો કે આ આપણા બૉલીવુડ માટે દાદા સહેબ ફાળકે તેમ જ હોલીવુડ માં લાઇફ ટાઈમ એચિવમેન્ટ ઓસ્કર એવોર્ડ જેવું આ બહુમાન ઈન્ટરનેટ માટે છે) ઉપરાંત બોસ્ટન ગ્લોબ દ્વારા 2011માં ઈવા ટોચનાં 150 ઈનોવેશનની યાદી જાહેર કરાઈ કે જેમનું દુનિયામાં બહુ મોટું યોગદાન હોય તેમ જ જેમનાં મૂળ MIT માં હોય. તે યાદી મુજબ રે ટોમલિંસન પોતાની ઈમેઈલ સિસ્ટમની શોધ માટે ચોથા પાયદાન પર હતા!

જો કે ઈમેઈલની દાસ્તાન આવા હસીન મોડ પર આવી અટકતી નથી. ઈમેલ નો ઈતિહાસ ખૂબ જ વિવાદિત છે અને વિવાદોનું મૂળ એક ભારતીય છે! બધા ઈન્ટરનેટ અને નેટવર્ક બાબતના નિષ્ણાતો રે ટોમલિંસન ને ઈમેઈલ ના જનક માનવા તૈયાર નથી. આ વિવાદના મૂળિયાં તોખૂબ જુના અને ઊંડા છે પણ વિવાદ નો વંટોળ ઉઠવાની દેખીતી શરૂઆત થઈ 5માર્ચ 2016 ના રોજ રે ટોમલિંસન ના અવસાન બાદ. અવસાન ના બીજા દિવસે એટલે કે 6 માર્ચે ગુગલ નાં ઈમેઈલ સર્વિસ પ્રોવાઇડર જીમેઈલ ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા રે ને શ્રદ્ધાંજલિ આપતી એક ટ્વિટ થયેલી, જેમાં તેમણે લખ્યું હતું "Thank You , Ray Tomlinson for inventing email and putting @ sign on the map." મતલબ કે ગુગલ જેવી પ્રતિષ્ઠિત અને કરોડો લોકો જેને "આખરી ફેસલા" માને છે તેવા સોર્સ દ્વારા રેમંડ ને ઈમેઈલ ના શોધક તરીકે માન્યતા આપી દીધી. . 7 માર્ચ 2016 ના રોજ એક ભારતીય મૂળના અમેરિકન ટેક્નોક્રેટ દ્વારા કરવામાં આવેલ ટ્વીટે એ સમગ્ર ઇન્ટરનેટ વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો. આ ટ્વિટ કરનાર હતાં, ૫૩ વર્ષના ભારતીય મૂળના અમેરિકન નાગરિક એવા વી.એ. શિવા ઐયાદુરાઈ(નીચેનો ફોટો). આ ઘટના ના પડઘા સમગ્ર ઈન્ટરનેટ જગતમાં પડ્યા અને તેણે આખો વિવાદનો મધપૂડો છંછેડી દીધો.



ફોટો કર્ટસી: (https://vashiva.com)

આ શિવા ઐયાદુરાઈને ઓળખવા ખૂબ જરૂરી છે એ પણ ખાસ કરીને ભારતીયો માટે.વી.એ. શિવા ઐયાદુરાઇ 1963માં મુંબઇ(તત્કાલીન બોમ્બે) માં મૂળ તમિલિયન વેલાયપ્પા ઐયાદુરાઇ તેમજ મીનાક્ષી ઐયદુરાઇ ના ઘરે જન્મ્યા હતાં. શિવાના જણાવ્યા મુજબ તેમના પિતાજી એક એન્જિનિયર તેમજ માતાજી એક ગણિતજ્ઞ હતા. શિવાને તેમના માતા તેમજ પિતાજી પર ખુબ જ ગર્વ હતો કારણકે તેઓ જે તે વખતના તમિલનાડુની ખૂબ જ રૂઢિચુસ્ત  વર્ણવ્યવસ્થા ની દીવાલો તોડીને પોતે ભણી આગળ આવેલા હતા. માત્ર સાત વર્ષની ઉંમરના શિવાને લઈ તેમના માતા પિતા મુંબઈ છોડી કાયમ માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સ્થાયી થવા માટે નીકળી ગયા હતાં.  તેઓ બાળપણ થઈ જ ખૂબ તેજસ્વી હતા, ન્યુ જર્સીની લિવિંગસ્ટન સ્કૂલમાં ભણતાં ભણતાં તેઓ સમર સ્કૂલમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યા. ત્યારબાદ MIT માંથી કમ્પ્યુટર સાયન્સ તેમ જ ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ ભણ્યા.  ત્યારબાદ મેકેનિકલ એન્જીનીયરીંગ માં માસ્ટર્સ કરવાની સાથે સાથે MIT મીડિયા લેબોરેટરીમાં થી  સાયન્ટિફિક વિઝયુઆઇલેશન માં પણ માસ્ટર્સ કર્યું. પછી 2007 માં બાયોલોજીકલ એન્જીનીયરીંગ માં ડૉક્ટરેટની પદવી મેળવી. 2007માં જ ઐયાદુરાઈ ને અમેરિકાનાં પ્રતિષ્ઠિત ફુલબ્રાઈટ પ્રોગ્રામ હેઠળ દક્ષિણ ભારતના સિદ્ધા હિલિંગ તેમજ મોર્ડન મીડિસીન્સ વચ્ચે સેતુ સાંધવાના હેતુથી સ્કોલરશીપ પણ આપવામા આવી. ઉપર જણાવેલ ટ્વીટમાં તેમણે પોતે ઇ-મેલ ના સર્જક હોવાનો દાવો કર્યો અને ગુગલના નો રે ટોમલિંસન ના ઇમેલ ના ખરા સર્જક તરીકેનો દાવો નકારી કાઢ્યો. પોતાનો દાવો વધુ મજબૂત કરવા તેમણે લખેલા એક ઓપન લેટર માં જણાવ્યું કે માત્ર 14 વર્ષની ઉંમરે  1978 માં યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ ડેન્ટિસ્ટ્રી ઓફ ન્યૂજર્સીમાં રિસર્ચ ફેલો તરીકે કામ કરતા તેમણે ઓફિસના આંતરિક કમ્યુનિકેશન ને પહોંચી વળવા એક સોફ્ટવેર લખેલું હતું જેનું નામ એમણે EMAIL આપેલું હતું, જેનો ઉપયોગ આજ પહેલાં કદી થયેલો નહોતો,  EMAIL નામે ઓળખાતા સોફ્ટવેરના કોપીરાઇટ પણ યુએસ ગવર્મેન્ટ પાસેથી તેમણે 1982 માં જ ઈસ્યુ કરાવેલા હતા. (નીચેનો ફોટો)



ફોટો કર્ટસી: (https://vashiva.com)

આ દાવો દાવાનળ ની જેમ ઈન્ટરનેટ પર ફેલાવા લાગ્યો અને તેને સપોર્ટ કરવા વાળા ની સંખ્યા પણ દિવસે દિવસે વધવા લાગી તેમાં મુખ્ય ફાળો ભારતીયોનો હતો. ઘણા બધા લોકોનું શિવા ના આ દાવાને તરત માની લેવાનું કારણ હતું 2012 ની શરૂઆતમાં અમેરિકાના એક પ્રતિષ્ઠિત દૈનિક અખબાર વોશિંગ્ટન પોસ્ટ માં છપાયેલ એક અહેવાલ, જેમાં અખબારે એવો દાવો કરેલો હતો કે "અમેરિકા જ નહીં પણ વિશ્વના સૌથી મોટા સ્મિથસોનિયન મ્યુઝિયમેં  શિવા ઐયાદુરાઈ ના 1978 માં લખેલા શિવાનાં 50000 લીટીના કોડસ, તે અંગેની ટેપ્સ તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુથી સાચવવા માટે માંગ્યા છે અને મ્યુઝીયમ શિવાને સૌપ્રથમ ઇમેલ સોફ્ટવેર બનાવનાર વ્યક્તિ તરીકે બહુમાન પણ આપવા જઈ રહ્યુ છે." આ અહેવાલ પ્રગટ થયા બાદ સમગ્ર વિશ્વમાંથી આનો વિરોધ નોંધાવતા સમાચારો પ્રગટ થવા લાગ્યા. એક જાણીતા કમ્પ્યુટર ઇતિહાસકાર થોમસ હેગ એ આર્ટિકલ લખીને પ્રસ્થાપિત કર્યું કે જેને ઈમેઈલ કહી શકાય તેવી ટેક્નોલોજી અમેરિકામાં 60ના દાયકાથી જ છે અને ઐયદુરાઈ નું યોગદાન નકારી નાશકાય પણ તેમને ઈમેઇલના શોધક તો ન જ માની શકાય.આ અને આવા અન્ય લોકોના વિરિધ થી ઝૂકીને આટલા પ્રતિષ્ઠિત અખબારે પણ પોતાની ભૂલ સ્વીકારી અને પોતાનો પૂર્વે પ્રગટ થયેલો અહેવાલ ખોટો હતો તેવો લેખ 17 ફેબ્રુઆરી 2016 ના રોજ પ્રગટ કરવો પડ્યો. જેમાં લખ્યું હતું કે ઇમેઇલ એ 1978 પહેલાથી ચાલી આવતી વસ્તુ છે જેનો પાયો નાખનાર ARPANET તેમ જ રેમંડ ટોમલિંસન હતા. શિવા અને તેના સમર્થકો (જેમાં જાણીતા વિચારક નોમ ચોમસ્કી પણ સામેલ છે) એ આનો જવાબ આપતા લેખો પણ લખ્યા અને પોતાની એવું દલીલ રજૂ કરી કે ARPANET દ્વારા મોકલાયેલ સંદેશો જ જો ટેકનિકલી ઈમેઈલ કહેવાતો હોય તો તો ટેલિગ્રામ ને પણ ઈમેઈલ કહી શકાય.ઐયદુરાઈ ના મત મુજબ સંપૂર્ણ રીતે જેને ઈમેલ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય તેવો પહેલો ઈમેલ તેમણે પોતે જ 1978 માં મોકલ્યો હતો અને EMAIL પણ તેમનું પોતાનું જ કોપીરાઈટેડ સોફ્ટવેર છે. તેમના કહેવા પ્રમાણે ઈમેલ ની શોધ તેઓએ 1978 માં લખેલા સોફટવેર થી જ ગણી શકાય. રેથીઈઓન કંપની જેના માટે યુદ્ધ એક ધંધો છે તે પોતાની શાખ તેમજ નફાખોરી સાચવવા માટે તેમને બદનામ કરવાના કાવતરાં કરે છે. ઐયાદુરાઈ ના કહેવા મુજબ રેથીઓનનો આખો બિઝનેસ રે ટોમલિંસને ઇમેઇલ ની શોધ કરી છે તેવી માન્યતા ઉપર જ ચાલે છે અને આ જ ઈમેજ ના દમ પર આ કંપની વાર્ષિક મિલિયન્સ ડોલર્સ ના કોન્ટ્રાકટ પણ લે છે. તેમના શબ્દોમાં "જે યોગદાન મેં આપ્યું છે ઈમેઈલ ના વિકાસ માં, જો મારા બદલે કોઈ ગોરી ચામડીનો માણસ હોત તો તેના ફોટા અહીંના સ્ટેમ્પ ઉપર છપાયા હોત પણ હું એક કાળી ચામડીનો અને ભારતીય મૂળનો હોવાથી મારી સિદ્ધિઓને નીચી પાડવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે." જ્યારે બીજી તરફ ટોમલિંસન ના સમર્થકો ના મતે શિવા "ખાલી પ્રસિદ્ધિ પામવા ખાતર જ આવા ગતકડાં કરે છે અને તેના માટે જ તેને બહુ પહેલાથી જ  InventorofEmail.com, EmailInventor.com and DrEmail.com જેવા ડોમેઈન પોતાના નામે રજીસ્ટર કરવી રાખ્યા છે કે જેથી જ્યારે પણ કોઈ ઈમેલ ના શોધકનું નામ સર્ચ કરે તો તેનું જ નામ પહેલા દેખાય!" આમ આ એક હજી ચાલતી એવી અંતહીન ડીબેેેટ છે.

અંગત રીતે વિચારતાં એવું જણાય છે કે ટોમલિંસને ક્યારેય પોતે જ ઈમેલ નો શોધક હોવાનો દાવો કરયો નથી ઉપરથી તેમણે એમ કહ્યું હતું કે મેં જે વસ્તુઓ પહેલેથી જ હતી તેને મોડીફાય કરીને ઈમેલ ના વિકાસમાં મદદ કરી હતી. જ્યારે શિવા ના પોતાને જ  ઈમેલ ના એકમાત્ર શોધક તરીકેના દાવામાં બહુ દમ લાગતો નથી કારણ કે આજના ઈમેલ ના બધા જ જરૂરી પાસા ટોમલિંસન વખત થી જ અસ્તિત્વ માં હતા તેવું જોઈ શકાય છે. જેથી 1978 પહેલા જ ઈમેલ કહી શકાય તે ટેક્નોલોજીની શોધ થઈ ચૂકી હતી એવું નિષ્ણાતોનું સર્વમાન્ય મંતવ્ય છે અને શિવાને ફેમસ કરનાર વોશિંગ્ટન પોસ્ટ પણ આ જાહેરમાં સ્વીકારી ચૂક્યું છે અને સ્મિથસોનિયન મ્યુઝીયમે પણ પાછળથી ચોખવટ કરવી પડી કે અમે શિવા ઐયદુરાઇ ને કોઈ ઓફિશિયલ સમ્માન આપવા માટે નહીં પણ ખાલી ઈમેલ ના ઇતિહાસ ને પ્રોપરલી ડોક્યુમેન્ટ કરવા જ આ દસ્તાવેજો માંગ્યા હતા. આમ વ્યક્તિગત રીતે શિવા ઐયાદુરાઈ એક સફળ ઇનોવેટર તેમજ બિઝનેસમેન છે પણ ઈમેલ ના શોધક તરીકેના એમના દાવા એટલા મજબૂત જણાતા નથી. હવે તેમના રંગભેદના દાવાની વાત કરીએ તો તેમાં પણ બહુ માલ જણાતો નથી એના ઘણા કારણોમાં નું એક તો એ છે કે આપણે એવા ઘણા ભારતીયો ને જાણીએ છીએ કે જેમણે અમેરિકા સ્થાયી થયા બાદ ત્યાંની જ બિઝનેસ તેમજ એકેડેમિક ઈકોસીસ્ટમમાં થી પોષણ પામી ને પોતાનું નામ કાઢ્યું છે. બીજું એ કે ઉપર જણાવ્યું તેમ છેક 1982 સુધી પ્રચલનમાં રહેલ પ્રોટોકોલ RC 561 ના રે ટોમલિંસન ઉપરાંત બીજા ત્રણ સહલેખક હતા જેમાના એક ભારતીય હતા જેમનું નામ અભય ભૂષણ હતું.જે અહીં આપેલી ઈમેજમાં જોઈ શકાય છે એમ તેમનું નામ ટોમલિંસન કરતાં પણ પહેલા મેન્શન થયેલું છે અને એમને એમની ડયું ક્રેડિટ પણ મળેલી છે. તો માત્ર ભારતીય કે કાળી ચામડીના હોવાના કારણે જ કોઈને ક્રેડિટ ના મળી શકી તે માનવા જેવી વાત લાગતી નથી!


                              (ફોટો કર્ટસી: https://fossbytes.com)

આમ ઈમેલ ની શોધ કેવી રીતે થઈ તે એક અંતહીન ચર્ચાનો વિષય છે જેનો જવાબ વેદ ના ઋષિની માફક એક જ આપી શકાય, નેતિ નેતિ!  ઈમેલ ની શોધ કોને કરી એ ચર્ચા અને ડિબેટ નો વિષય હોઈ શકે પણ એની આજના જીવનમાં ઉપયોગીતા એ નિર્વિવાદીત છે. આપણો મૂળ મુદ્દો છે ભારતમાં ઈમેલ અને ઈન્ટરનેટ ક્યારે શરૂ થયા અને એનો વ્યાપક ઉપયોગ ક્યારથી શરૂ થયો. જે નેક્સ્ટ આર્ટિકલ માં જોઈશું.