આઝાદી પૂર્વે બોમ્બે પ્રાંતના સૌ પહેલા ભારતીય બેરિસ્ટર તેમજ બોમ્બે હાઇકોર્ટ ના સૌ પહેલા ભારતીય ચીફ જસ્ટિસ એવા બદરુદ્દીન તૈયબજી, એ જે તે વખતે બોમ્બેના સૌથી પ્રતિષ્ઠિત ભારતીય નાગરિકોમાં ના એક હતા. એમના ભત્રીજા એટલે અબ્બાસ તૈયબજી,જેમણે બારડોલી તથા ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર સાહેબ ના વિશ્વાસુ સાથીદાર તરીકે સરાહનીય કામ કરેલું અને એક સત્યાગ્રહી તરીકે નામના મેળવેલી. આ અબ્બાસ તૈયબજી ના નિકાહ એમના કાકા બદરુદ્દીન તૈયબજી ની દીકરી અમીના બદરુદ્દીન તૈયબજી સાથે થયા હતા. આ બંને ની દીકરી સોહૈલા તૈયબજીના નિકાહ લખનૌ ના પ્રતિષ્ઠિત વકીલ અને અલીગઢ ચળવળના સપોર્ટર એવા મોહમ્મદ નસીમ ના દીકરા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં ઇતિહાસના પ્રાધ્યાપક મોહમ્મદ હબીબ સાથે કરાવવામાં આવ્યા. સોહૈલા અને નસીમ ને 12 ઓગસ્ટ 1931 ના રોજ વડોદરા ખાતે એક દીકરાનો જન્મ થયો, આ દીકરો એટલે આજકાલ ચર્ચિત એવા પદ્મ ભૂષણ, પ્રબુદ્ધ ઈતિહાસકાર ઇરફાન હબીબ!
હવે આટલા મોટા નામ જેની સાથે જોડાયેલ હોય તેની પાસે લોકોને ચોક્કસ અપેક્ષાઓ હોય તે સ્વાભાવિક છે. પણ હવે એ કહેવામાં કાંઈ ખોટું નથી કે જો આજે બદરુદ્દીન તૈયબજી કે અબ્બાસ તૈયબજી જો એમના કુલદીપકના કારનામા જોઈ શક્યાં હોત તો એમનું માથું શરમથી ઝૂકી જાત! ઇરફાન હબીબે રોમિલા થાપર, બીપન ચંદ્રા અને સતિષ ચંદ્ર જેવા ડાબેરી ઇતિહાસકારો સાથે મળી ને ઇતિહાસ પર ભારત અને ભારતીયો ને જંગલી, અસંસ્કારી તેમજ અસભ્ય ચિતરતોજે લાલ રંગનો જે કૂચડો ફેરવ્યો છે એ માટે આવનારી પેઢીઓ આ લોકોને કદી માફ નહીં જ કરે. પણ એ બધુ ફરી ક્યારેક, હમણાં તો અહીં ઇરફાન હબીબ ને જે લોકો ક્રાંતિકારી, સત્યશોધક અને સેક્યુલર મસીહા માની ને એમની હરકત ને છાવરવા નીકળી પડ્યા છે એમને એકાદ બે ઘટનાઓ થી આની સાચી હકીકત જણાવવા નો ઉપક્રમ છે.
ડૉ.પરમાત્મા સરન, ભારતના મધ્યકાલીન ઇતિહાસ અને પર્શિયન ભાષા પરની ઓથોરીટી ગણાય છે. તેમણે ભારત સરકારની ઇતિહાસના સંશોધન માટે ટોચની સંસ્થા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરીકલ રિસર્ચ (ICHR) ના કહેવાથી 1976-77 માં આરીફ કંદહારી દ્વારા લખાયેલ સમ્રાટ અકબર તેમજ 16મી સદીના ભારત વિષે આધિકારીક માહિતી ધરાવતા મૂળ પર્શિયનમાં લખાયેલ પુસ્તક તારીખ-એ- અકબરી ના અંગ્રેજી અનુવાદની હસ્તપ્રત ICHR માં પ્રકાશન માટે જમા કરાવી. સરન સાહેબ તો જમા કરાવી ભૂલી પણ ગયા અને સમય વીતતા ગુજરી ગયા. પણ છેક 1995માં 20 વર્ષ વીત્યાં છતાં ICHR દ્વારા આ પુસ્તક પ્રકાશિત ન થતાં ડૉ.સરન ના જમાઈ એ ICHR માં લિખિત ફરિયાદ કરી, અને એમાં એમ પણ લખ્યું કે તેમને જાણવા મળ્યા મુજબ આ હસ્તપ્રત કોઈ બીજાના નામે છપાઈ પણ ચૂકી છે! જેના જવાબમાં ICHR ના મધ્યકાલીન ઇતિહાસ વિભાગ ના ડેપ્યુટી ડાયરેકટર દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાં આવી કોઈ હસ્તપ્રત રિસીવ જ નથી થઈ! હવે, જાણીતા ઇતિહાસકાર અને NDA સરકારમાં મંત્રી રહી ચૂકેલા અરુણ શૌરી એ આ બાબતે પાત્ર લખી જણાવ્યું કે
ICHR ના પોતાના 1976-77 ના વાર્ષિક અહેવાલ મુજબ તો ડો.સરન ની હસ્તપ્રત "Received but not published" ની કેટેગરીમાં છે મતલબ કે હસ્તપ્રત ICHR માં રિસીવ તો થઈ જ છે. ર્ડા.સરન ના જમાઈ દ્વારા વધુ દબાણ કરાતાં આ મુદ્દે ઈંકવાઈરી બેસાડવામાં આવી પણ, ઇરફાન હબીબ અને સતિષ ચન્દ્ર એ પોતાની લાગવગ લગાવી આ તપાસ ત્યાં જ અટકાવી દીધી. આશ્ચર્ય ની વાત એ હતી કે 1992 માં રાજસ્થાન યુનિવર્સિટી દ્વારા તારીખ-એ- અકબરી ના અંગ્રેજી અનુવાદ માટે ડૉક્ટરેટ ની પદવી તસનીમ એહમદ નામના શખ્સ ને એનાયત કરવામાં આવી. આજ તસનીમ એહમદ મધ્યકાલીન ઇતિહાસ વિભાગ ના પેલા ડેપ્યુટી ડાયરેકટર હતાં જેમણે કહ્યું હતું કે આવી કોઈ હસ્તપ્રત ICHR માં રિસીવ જ નથી થઈ!
વધુમાં આ અનુવાદ ની પ્રસ્તાવના લખનારે લખ્યું હતું " આ અનુવાદ અકબર ની 450મી જન્મજયંતિ નિમિત્તે લેખક દ્વારા ખૂબ મૂલ્યવાન પ્રદાન છે. આ પુસ્તક ના અંગ્રેજી અનુવાદ ની ખૂબ જ તાતી જરૂરિયાત હતી" જો કે પ્રસ્તાવના લખનાર ખૂબ સિફતપૂર્વક એ ભૂલી ગયા કે આ અનુવાદ ઓલરેડી વીસેક વર્ષ પહેલા ડૉ.સરન દ્વારા જ થઈ ચૂક્યો છે. તસનીમે પણ આ પ્રસ્તાવના લખનાર ની પ્રશસ્તિમાં લખ્યું હતું કે તેમણે " આ અનુવાદ માં જ્યાં જ્યાં જરૃર પડી છે ત્યાં અનુવાદ વાંચી જઇ મને બનતો સહયોગ કર્યો છે અને મને આ અનુવાદ કરવા પ્રોત્સાહિત પણ કર્યો છે." આ પ્રસ્તાવના લખનાર અન્ય કોઈ નહીં પણ તત્કાલીન ICHR પ્રેસિડન્ટ ઇરફાન હબીબ હતા! મજાની વાત એ હતી કે અનુવાદ થયો જ નથી તો મદદ, પ્રોત્સાહન અને વાંચી જઈ ને સૂચનો આપવા આ બધું ક્યારે થયું!? મતલબ બંને ને ખબર હતી જ કે શુ ખીચડી પકાવાઈ રહી હતી.
આ જુગલજોડી ને એમ હતું કે તેમને કોઈ પકડી નહીં શકે પણ ડો.સરન ના જમાઈ તેમજ અરુણ શૌરી એ વધુ તપાસ કરાવતાં, ICHR ના બદલાયેલા નવા ડાઈરેક્ટરે પેલી હસ્તપ્રત માટે વધુ સઘન તપાસ હાથ ધરી, અને નસીબજોગે એક જૂના કબાટમાં થી ડો.સરન દ્વારા ન માત્ર લખાયેલ પણ હાંસિયામાં એમના સ્વક્ષરોમાં નોંધ પણ કરાયેલ તારીખ-એ-અકબરી ના અંગ્રેજી અનુવાદના પહેલા 62 પેજ મળી આવ્યા, અને ખરું આશ્ચર્ય તો એ હતું કે એ બધા 62 પેજ શબ્દસ: તસનીમ એહમદ ની ડૉક્ટરેટ થિસીસ જેવા જ હતા! હવે, કોઈ બે માણસો ના વિચારો સમાન હોઈ શકે, એકાદ બે વાક્યો કે કદાચ બહુ બહુ તો એકાદ બે પેજ સમાન હોઈ શકે પણ આખા 62 પેજ અક્ષરસ: સમાન કઈ રીતે હોઈ શકે!? આ મુદ્દો ખૂબ ચગ્યો, સંસદમાં પણ આ વિશે પ્રશ્નો પુછાયા, તેથી દબાણવશ થઈ ને 8 ઓગસ્ટ 1998 ના રોજ આ કાંડની તપાસ કરવા એક કમિટી ગઠિત કરવામાં આવી, જેમના તારણ મુજબ "આટલી બધી સમાનતા અકસ્માત ન હોઈ હકે અને સાહિત્યિક ચોરી(Plagiarism)ની શકયતા નકારી ન શકાય." આ આખા કાંડમાં તસનીમ એહમદ જેટલા જ ઇરફાન હબીબ પણ આ સાહિત્યિક ચોરી અને અનૈતિકતા માટે જવાબદાર ગણાય.
ઇરફાન હબીબ સાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં કામ કરી ચૂકેલ તથા આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂકેલ કે.કે.મોહમ્મદે પણ પોતાની મલયાલમ માં લખેલી આત્મકથા Me, The Indian માં ઇરફાન હબીબ નાં કારનામાં વર્ણવ્યા છે. આ એ જ કે.કે.મોહમ્મદ છે કે જેઓને અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા ની દિલ્લી યાત્રા દરમ્યાન દિલ્હી ના પ્રખ્યાત ઐતહાસિક સ્મારકો બતાવવાનું કામ સોંપાયું હતું. તથા કે.કે.મોહમ્મદ સૌ પહેલા મુસ્લિમ ઇતિહાસકાર/આર્કિયોલોજીસ્ટ હતાં કે જેમણે વૈજ્ઞાનિક અને પુરાતાત્વિક પુરાવા ના આધારે જાહેરમાં કહેલું કે બાબરી મસ્જિદ નું નિર્માણ મંદિરના અવશેષો ઉપર કરવામાં આવ્યું હતું!
મોહમ્મદ પોતાની આત્મકથા માં લખે છે કે" હું પહેલા જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં ઇતિહાસ ભણવા માટે ગયો ત્યારે ઇરફાન હબીબ જેવા નામી પ્રાધ્યાપક પાસે ભણવા મળશે એમ માની મારો ઉત્સાહ સ્માતો નહોતો, પણ તેમની પાસે ભણ્યા બાદ તેમનું જ્ઞાન કે ભણાવવાની પદ્ધતિ કશું મને કે મારા કલાસ માં કોઈને ખાસ પ્રભાવિત કરી શક્યું નહીં. આ વાત જાહેર થતાં, હબીબ મારા ગ્રુપ ઉપર ખાર રાખવા લાગ્યા. ત્યાં સુધી કે મારા કોંગ્રેસી તરીકે સ્ટુડન્ટ યુનિયન માં ઉભા રહેવા પર પોતાના માર્કસિસ્ટ ગ્રુપ દ્વારા વિવિધ સતામણીઓ થવા લાગી. આવા જ કારણોથી મને રિસર્ચર તરીકે લેવામાં ન આવતા મારે આર્કિયોલોજી પસંદ કરવું પડ્યું." પણ ઉલટું આ તો મોહમ્મદ માટે આશીર્વાદ જેવું થઈ પડ્યું. પુરાતત્વવિદ તરીકે તેમણે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. ફતેહપુર સિકરી અને દિલ્લી માં સંશોધન દરમ્યાન તેમણે અકબર દ્વારા 1575 માં અલગ અલગ ધર્મો ની પ્રાર્થના માટે બનાવવામાં આવેલ ઈબાદત ખાના ની અને અકબર દ્વારા ખ્રિસ્તી મિશનરીઓ માટે બનાવવા માં આવેલ ચર્ચ ની પણ શોધ કરી. આ ઇરફાન હબીબ ની પોતાની ઐતહાસિક થિયરી વિરુદ્ધ હોવાથી તેમણે મોહમ્મદને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને ખાખડાવતાં હોય તેમ કહ્યું " તમે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાવી દીધું છે પણ તે અકબરે બનાવેલ ઈબાદત ખાના હોઈ જ ન શકે" મોહમ્મદે સામો પ્રશ્ન કર્યો "તમને કેવી રીતે ખબર, શુ તમે પુરાતત્વવિદ છો?" હબીબે એક કોરો કાગળ તેમની આગળ ધરતાં અકળાતા કહ્યું "હું તમારા જેટલો સારો પુરાતત્વવિદ કદાચ નથી પણ આ ઈબાદત ખાના નથી જ મને એ ખબર છે ,તમે બસ મને એવું લખી ને આપી દો! " મોહમ્મદ બોલ્યા "સોરી સર પણ તમે પુરાતત્વવિદ જ નથી!" આટલું કહી ને એમણે ચાલતી પકડી. આ ઘટના હબીબ છેક સુધી ભૂલ્યા નહીં અને મોહમ્મદ ના કહેવા પ્રમાણે ત્યારબાદ તેમણે મોહમ્મદને "કોમવાદી" અથવા "હિન્દુત્વવાદી" કહેવા ચિતરવાનું ચાલુ કરી દીધું. મોહમ્મદ ના કહેવા મુજબ આ જ તેમનો સ્વભાવ હતો જો તમે માર્કસિસ્ટ ફિલોસોફી અને એમના દ્વારા લખાયેલ ઇતિહાસમાં માનો છો તો જ તમે સેક્યુલર કહેવાના લાયક છો જો તમે તમારો પોતાનો સ્વતંત્ર મત મુકવો શરૂ કર્યો કે તમારા પર તરત જ આ ટુકડી હિન્દુત્વવાદી કે કોમ્યુનાલિસ્ટ નું લેબલ ચિપકાવી દેશે!
2015 માં જેને આ ગેંગ પોતાની બાપીકી મિલકત ગણી બેઠેલી એવી ICHR ની એડવાઈઝરી કમિટીમાં થી હબીબ, રોમિલા થાપર, સતિષ ચંદ્ર વગેરે ને હાંકી કાઢતાં આ જ ઇરફાન હબીબે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને ISIS સાથે સરખાવેલું!
આવા તો ઘણા દાખલા છે આ સાપોલિયાઓ ને ઉઘાડા પાડવા માટે, પણ જેને ખરેખર સમજવું જ છે એના માટે આટલું પણ પૂરતું છે પણ જેણે કોઈ ચોક્કસ ચશ્મા પહેરી જ લીધા છે એને જો ચશ્મા ઉતારી સત્ય જોવાની હિંમત ન હોય તો એ ચશ્મા સાથે ફ્રી માં મળતા પૂર્વગ્રહો અને અજ્ઞાન ને પણ વેંઢારવું જ રહ્યું. બાકી આ બધી માહિતી પબ્લિક ડોમેઇનમાં વર્ષોથી હોવા છતાં 2005 માં તે વખતની UPA સરકારે હબીબને પદ્મભૂષણ આપી નવાજ્યા!
~ ચિંતન પટેલ
#irfanhabib #ichr
No comments:
Post a Comment