उसने
कहा था
- चन्द्रधर शर्मा 'गुलेरी'
(This short
story was originally written in Hindi-Urdu, also known as Hindustani. This
story is also credited with the oldest love story in Hindi written around 1915
by Chandra Sharma ‘Guleri’. The story itself is powerful enough to make this
writer immortal in the consciousness of Hindi Literature. From this story I am
starting a project of translating the stories originally written in different
languages into Gujarati. All of the stories that I will translate will be free
of any copyright issues and are in public domain. So, no permission is needed
to translate them and publish them on the blog. Enjoy Reading….)
(એક)
બીજા મહાનગરોનાં ઘોડાગાડી વાળાઓની ચાબુક જેવી
જીભથી
જેમની પીઠ છોલાઈ ગઈ હોય તેવા બધા લોકોએ એક વાર અહીંના બંબુકાર્ટ વાળાઓની
બોલીનો મલમ લગાવવા એક વાર અમૃતસર જરૂર આવવુ જોઈએ. જ્યારે અન્ય મહાનગરોના ઘોડાગાળી વાળાઓ પહોળી સડકો હોવા છતાંં ઘોડાની પીઠ
ચાબુક મારી-મારી છોલી નાખતા હોય છે, તેઓ
ક્યારેક ઘોડાની તો ક્યારેક રાહદારીઓની મા-બહેનો સાથે પોતાનો નીકટનો સબંધ બતાવતા હોય છે તો
ક્યારેક રાહદારીઓની આંખો ન હોવાની દયા ખાય છે અને જાણે સંસારભરની તકલીફો અને દુ:ખો
ભગવાને એમને જ આપ્યા હોય તેવો વ્યવહાર કરતા હોય છે ત્યારે અમૃતસરના એમની જ જમાતના બંબુકાર્ટ
વાળાઓ સાંકડી ઘુમરીદાર ગલીઓમાં પણ
"બચો ખાલસાજી", "હટો ભાઈજી"
, "ઠહરના ભાઈજી"
"આને દો લાલાજી" - કહેતા સફેદ ફેંટા, ખચ્ચરો,
ઠેલાવાળાઓ અને ભારાવાળાઓની ભીડમાં પણ ધૈર્યથી પસાર થઈ જતા હોય છે.
જો કોઈ ઘરડી ડોશી વારંવાર બૂમો પાડવા છતા પણ રસ્તા પરથી હટી ન શકે તો એવુંં નથી
કે તેઓ એમ જ જવા દેશે, તેઓ -" હટજા જીણે જોગીયે, કરમા વાલીયે, હટ જા પુતાં
પ્યારીયે. બચ જા લમ્બી વાલીયે.." આવુંં કંઈ કહેતા સંભળાય છે. આનો મતલબ કંઈક એવો થાય
કે " હટ.....તું હજી જીવવા યોગ્ય છે, તુ ભાગ્યશાળી છે, તું તારા પુત્રોની
વ્હાલી છે, શા માટે મારી ગાડી નીચે આવવા માગે છે?"
આવા અમૃતસરના એક ચોકની દુકાને એક છોકરો અને એક છોકરી આવીને ઉભા હતા. પેલાના કેશ
અને પેલીના પહોળા લેંઘાથી અંદાજો આવી શકતો હતો કે બન્ને સિખ હોવા જોઈએ. છોકરો એના
મામાના કેશ ધોવા માટે દહીં લેવા આવ્યો હતો અને છોકરી રસોઈ કરવા માટે વડીઓ લેવા આવી
હતી. પણ દુકાનદાર કોઈ વિદેશી સાથે શેર પાપડના ભાવ બાબતે માથાકુટમાં હતો.
"તારું ઘર ક્યાં છે?"
"મગરે ગામમાં અને તારું?"
"હું માંઝેનો છું, તું અહીં ક્યાં રહે
છે?"
"અત્તરસિંહની બેઠકની પાસે મારા મામાનું ઘર
છે"
"હું પણ મારા મામાના ઘરેજ આવ્યો છુ, એમનું
ઘર ગુરુબજારમાં છે"
એટલામાં દુકાનદારે પેલા પરદેશીથી પરવારીને આ બન્નેને પોતપોતાની ચીજો તોલી આપી. બન્ને
પોતપોતાની ચીજો લઈને થોડે સુધી સાથે-સાથે ચાલવા લાગ્યા. થોડે દૂર જઈને છોકરાએ
મલકાતાં પૂછ્યુ "તારી સગાઈ થઈ ગઈ
છે?" આટલુ સાંભળતા છોકરી શરમાઈને ખાલી "ધત" કહીને દોડી ગઈ અને
છોકરો બસ તેને જતી જોઈ રહ્યો.
આમ બન્નેનો દુકાને, શાક્ભાજી વાળાને ત્યાં, દૂધવાળાને ત્યાં એમ
'અકસ્માતે'
મળવાનો સિલસિલો ચાલવા લાગ્યો. લગભગ મહીનો આમ ચાલ્યા કર્યુ. વચ્ચે બે-ત્રણ વાર
છોકરાએ ફરીથી પૂછ્યુ "તારી સગાઈ થઈ ગઈ છે?" અને જવાબમાં એ જ
"ધત" મળ્યુ. જ્યારે એક દિવસ ફરીથી છોકરાએ પેલીને ચીઢવવા માટે પૂછ્યુંં તો એ જવાબ મળ્યો કે જેની પેલા છોકરાએ આશા નહોતી રાખી, એ એક શબ્દ સાંભળી છોકરાની દુનિયા વેરણ થઈ ગઈ!
"હા"
માંડમાંડ પૂછાયું "ક્યારે?"
"કાલે, આ જોતો નથી રેશમી, ફુલો મઢેલો દુપટ્ટો?"
આટલુ કહીને છોકરી ભાગી ગઈ અને છોકરો પોતાને રસ્તે દોડવા લાગ્યો. ઘરે
પહોંચતાં-પહોંચતાં એક નાના છોકરાને ખુલ્લી નીકમાં હડસેલી દીધો, એક સીંગચણા વાળાએ
આખા દિવસની કમાણી ખોઈ, એક કુતરાનો પગ પથ્થરથી લગભગ તુટતા બચ્યો અને દૂધવાળાનું બધું
દૂધ શાકભાજીની લારીમાં ઢોળી દીધુ!
(બે)
"અરે આ પણ કંઈ યુધ્ધ કહેવાય? દિવસ રાત બંકરોમાં બેઠા-બેઠા શરીર અકડાઈ જાય
છે. લુધિયાણાથી દસ ગણી ઠંડી અને વરસાદ. આટલું ઓછુ હોય તેમ પાછો આ બરફ! આખા બૂટ કીચડમાં ખૂંપેલા
છે. ક્યાંય જમીન જેવુ દેખાતું નથી અને ઉપરથી કાન ફાડી નાખે એવા ધડાકાથી આખુ બંકર
ધ્રુજી ઉઠે છે અને આખી ધરતી ધણધણી ઉઠે છે. આ ગેબી મસમોટા ગોળાઓથી બચીશું તો લડવાના
છીએ ને! આપણે ત્યાં જેમ નગરકોટ ત્યાંના ભૂકંપ માટે પ્રખ્યાત છે એમ અહીં તો દર
કલાકે એનાથી પચીસ ગણો મોટો ભૂકંપ આવે છે. જો ભૂલેચૂકે થોડો સાફો અથવા કોણી પણ બહાર
નીકળી તો ગોળી વાગી જાય છે, ખબર નહી સાલાઓ જમીનમાં સંતાઈ બેઠા છે કે પત્તાઓ પાછળ
લપાઈને!"
"લહેનાસિંહ, હવે ખાલી ત્રણ જ દિવસ કાઢવાના
છે, ચાર તો બંકરમાં સંતાઈને જ નીકળી ગયા. પરમ દિવસે રિલિફ ટુકડી આવી પહોંચશે અને
આપણને છોડાવશે. પછી સાત દિવસની રજા. જાતે મરઘી કાપીને પેટ ભરીને ખાઈશું અને પેલી
ગોરી મેમના બગીચાની સુંવાળી લોનમાં આરામ ફરમાવીશું. દૂધ અને ફળની વર્ષા કરી દેશે,
કેટલુંં કહીએ છીએ તો પણ પૈસા નથી લેતી, કહે છે કે તમે લોકો તો રાજા કહેવાઓ મારા દેશને
બચાવવા અહીં આવ્યા છો.
"ચાર ચાર દિવસથી આંખ નથી મિંચાઈ, રોજ સવારી ન થાય તો ઘોડો જેમ નકામો થઈ જાય
છે, તેમજ સૈનિક પણ લડ્યા વગર નકામો થઈ જાય છે. મને તો બસ એક વાર બેયોનેટ(લાંબી
બંદૂક ની આગળ લગાવવામં આવતી નાની તલવાર) લઈને જંગમાં જવાનો હુકમ મળી જાય, જો હું
એકલો સાત જર્મનોને મારીને પાછો ન આવુ તો કદી જીવનમાં દરબાર સહેબના ગુરુદ્વારામાં
માથુ નહીં નમાવું! સાલા કાયર જર્મનો બેયોનેટ જોતાંવેંત જ કાંતો પગે પડી જાય છે
અથવા અંધારામાં ત્રીસ-ત્રીસ મણના રાક્ષસી ગોળા ફેંકવા લાગે છે. તે દિવસે હુમલાનો
હુકમ મળ્યો હતો તો ચાર માઈલ સુધી એક પણ જર્મનને નહોતો બક્ષ્યો. આ તો જનરલ સાહેબે
પાછા હટવાનો હુકમ કર્યો નહિતર તો...."
"નહિતર તો તું સીધો બર્લિન પહોંચી ગયો હોત
કેમ?" સૂબેદાર હજારાસિંહે મલકાતાં કહ્યું "લડાઈ ખાલી જોશથી નથી લડાતી
લહેનાસિંહ, મોટા સાહેબો દૂરનું વિચારીને નિર્ણયો લેતાં હોય છે. સામે ત્રણસો માઈલ જેટ્લો મોટો વિસ્તાર છે. જો એક જ તરફ આગળ વધી ગયા અને દુશ્મન બીજી તરફથી હુમલો કરી બેસે તો?"
"વાત તો સાચી છે સૂબેદારજી"લહેનાસિંહે કહ્યુ"પણ અહીં ઠંડી હાડકાંમાં
છેક અંદર સુધી પેસી ગઈ છે, સૂરજ ઘણા સમયથી દેખાયો નથી અને ચારે બાજુથી લડાઈના
અવાજો સાંભળીને આપણે આમ બેસી રહેવાનું? એકાદ હુમલો થાય તો થોડી ઠંડી તો ઉડે!"
"ઉધમ જરા ઉભો થા અને સગડીમાં કોલસા નાખ.વજીરા, તું અને બીજા ત્રણ જણા બંકરમાં
ભરાયેલું પાણી બહાર ઉલેચવાની શરુઆત કરો. મહાસિંહ, સાંજ થવા આવી છે, બંકરના દરવાજાનો
પહેરો બદલવાનું કરો."હુકમો છોડતા સૂબેદાર ઉભા થઈને બંકરમાં ચક્કર મારવા
લાગ્યા.
વજીરાસિંહ ખૂબ રમૂજી હતો એને બધા પલટનનો કોમેડીયન કહેતા. એ બંકરનું ગંદુ પાણી
ડોલે-ડોલે બહાર ફેંકતા બોલવા લાગ્યો"હું કાશીનો પંડો છું અને આ પાણીથી
જર્મનીના મહારાજાનું તર્પણ કરી રહ્યો છું." બીજા જવાનો તેને સાથ આપવા
જાતજાતનાં જોડકણાં જોડવા લાગ્યા અને જોતજોતાંમાં પલટનનો ઉદાસીનો માહોલ દૂર થઈ
ગયો.
લહેનાસિંહે બીજી ડોલ એના હાથમાં પકડાવતાં કહ્યું"લે,આ પાણી તારી વાડીનાં
તરબૂચને આપ, આવું ખાતરવાળું પાણી પંજાબભરમાં તને નહી મળે"
"હાં ભાઈ આ તો સ્વર્ગ જેવો દેશ છે. હું તો યુધ્ધ પૂરુ થયા પછી સરકાર પાસે
અહીં જ દસેક વીઘા જમીન માંગી લેવાનો છું અને એમાં ફળોની વાડી કરીશ."
"પછી પંજાબથી કોઈ લાડીને અહીં લાવીશ કે પછી પેલી દૂધ પીવડાવનારી ફિરંગી
મેમને?"
"ચૂપ કર! અહીં વાળાઓને વળી શરમ ક્યાં છે?"
"દેશે-દેશે જુદા વેશ છે યારા, આજ સુધી હું એને એટલું નથી સમજાવી શક્યો કે
સિખ ધર્મમાં તમ્બાકુ પીવી એ પાપ છે. એ દર વખતે મને સિગરેટ પીવડાવવાની જિદ કરે છે
અને હું ના પાડીને પાછો હટી જાઉં છું તો એને લાગે છે કે રાજા રિસાઈ ગયો છે અને હવે
મારા દેશ માટે નહિ લડે.
"અચ્છા તો હવે બોધાસિંહની તબિયત કેવી છે?"
"સારુ છે"
"જાણે કે મને કશી જ ખબર નહી હોય! આખી રાત તું તારા ધાબળા એને ઓઢાળે છે
અને પોતે માત્ર સગડીને સહારે રાત વિતાવે છે. પોતાની સૂકી ચટ્ટાઈમાં એને સુવાડી
પોતે કીચડમાં પડ્યો રહે છે. જોજે ક્યાંક તુ જ માંદો ન પડી જાય, ઠંડી તો જો! યાદ
રાખજે લહેના, 'નિમોનિયા' થી મરવાવાળાઓને કોઈ મુરબ્બા નથી મળતા!"
"મારી ફિકર ના કર, હું તો મારા ખેતરમાં બનાવેલા મારા ઘરે જ મરીશ. ભાઈ
કિરતસિંહની ગોદમાં મારું માથુ હશે અને ઉપર મારા હાથે લગાવેલા આંબાનો છાંયડો!
વજીરાસિંહે ભવાં ચઢાવીને કહ્યું"શું આમ મરવાની વાતો કર્યા કરો છો, અરે, સાલ્લા મરે આ જર્મનો અને તુરકાઓ, શું કહો છો ભાઈઓ..." અને વજીરાએ પંજાબીમાં એક શૌર્યગીત શરુ કર્યુ અને આખી પલટન એને સાથ આપવા લાગી. બધાનો જુસ્સો સાતમા આસમાને પહોંચી
ગયો.
(ત્રણ)
રાત પડી ચૂકી હતી, ચારે બાજુ અન્ધારુ અને સન્નાટો હતો. બોધાસિંહ બિસ્કિટ્નાં
ખાલી ડબલાઓ પર પોતાના ભાગનાં બન્ને ધાબળા પાથરીને સૂતો હતો અને લહેનાસિંહના બન્ને
ધાબળા તથા ઓવરકોટ એણે ઓઢવાના કામમાં લીધા હતા. લહેનાસિંહ પહેરો ભરતો હતો. એની એક
આંખ બંકરના દરવાજા પર અને બીજી બોધાસિંહના કૃશ શરીર ઉપર હતી. બોધાસિંહ કણસ્યો.
"શું થયુ ભાઈ?"
"જરા પાણી પિવડાવી દો"
લહેનાસિંહે પ્યાલો છેક એના મોં સુધી લગાવી આપ્યો અને પૂછ્યુ"હવે કેવું
લાગે છે?"
"રોમે રોમ જાણે કરંટ દોડતો હોય તેમ લાગે
છે અને દાંત તો જાણે કુસ્તી કરે છે."
"તો એક કામ કર, આ મારી જર્સી પહેરી લે."
"અને તમે?"
"મારી ચિંતા છોડ, મારી પાસે તો સગડી છે અને આમ પણ મને તો ગર્મી લાગે છે."
"ના...ના..ભાઈ હું આ ન લઈ શકું તમે ચાર-ચાર દિવસ થી મારા માટે આમ પણ
ઠંડીમાં ઠુંઠવાઓ છો."
"અરે હાં જો યાદ આવ્યુ,મારી પાસે આજે સવારે જ એક ગરમ જર્સી આવી છે.
પરદેશથી ગોરી મેમો આપણા બધા માટે સીવીને મોકલે છે. વાહેગુરુ એમની રક્ષા કરે."
આમ કહી લહેનાસિંહ પોતાની જર્સી ઉતારવા લાગ્યો.
"ખરેખર?"
"તો શું તને ખોટું બોલીશ?" કહીને લહેનાએ બોધાને પરાણે પોતાની ગરમ
જર્સી પહેરાવી દીધી અને પોતે માત્ર ખાખી કોટ અને પેન્ટ પહેરીને પહેરો આપવા ઉભો રહી
ગયો. મેમ અને એમની જર્સી બન્ને કેવળ કથાઓ જ હતી!
અડધો કલાક માંડ વીત્યો હશે અને બંકરના દરવાજેથી અવાજ આવ્યો"સૂબેદાર
હજારાસિંહ?"
"કોણ... લપટન સાહેબ? ફરમાવો હુજૂર"કહીને
સૂબેદાર ફૌજી સલામ કરીને સાહેબની સામે ટટ્ટાર ઉભો રહ્યો.
"જુઓ સૂબેદાર અત્યારેજ હુમલો કરવો પડ્શે.
અહીંયાથી એકાદ માઈલ પૂર્વ દીશામાં એક જર્મન બંકર છે. તેમાં પચાસથી વધુ જર્મન નહી
હોય. આ ઝાડવાઓની આડશે લપાતાંં-લપાતાંં બે ખેતરવા જેટલું અંતર કાપશો ત્યાંથી રસ્તો છે.
આગળ એક વળાંક છે, એ વળાંક પર આપણા પંદર સૈનિકો તૈનાત કરીને આવ્યો છું. તમે અહીં મારી
સાથે ખાલી દસ જવાનોને રહેવા દઈ બાકી બધાને લઈ તેમને જઈને મળો અને પછી ભેગા થઈ
હુમલો કરો. જેવુ બંકર કબ્જે થાય એટલે તેમાં ચૂપચાપ છૂપાઈ રહો. અમે અહીં
સંભાળીશુ."
" યસ સર" સૂબેદાર બંકરની અંદર તરફ વળ્યો.
ચૂપચાપ બધા તૈયાર થવા લાગ્યા. બોધાસિંહે પણ જવાની તૈયારી બતાવી પણ લહેનાસિંહે
તેને રોક્યો. જ્યારે લહેનાસિંહ જવા તૈયાર થયો તો બોધાસિંહના બાપ સૂબેદારે બોધાસિંહ
તરફ ઈશારો કર્યો. લહેનાસિંહ સમજી ગયો અને ચૂપચાપ પાછળ હટી ગયો. કયા દસ
જવાનોને અહીં મુકવા તેની પર ખૂબ વાદ-વિવાદ ચાલ્યો, કોઈ પાછળ રહેવા તૈયાર નહોતું. સૂબેદાર બધાને માંડ સમજાવીને પોતાની ટુકડી લઈ રવાના થયો. લપટન સાહેબ લહેનાની સગડીની બીજી બાજુ મોં ફેરવીને સિગરેટ પીતો ઉભો હતો. તેમણે લહેનાને જોઈ સિગરેટ ધરતાં કહ્યુ"લે તું પણ એક લગાવ!"
જવાનોને અહીં મુકવા તેની પર ખૂબ વાદ-વિવાદ ચાલ્યો, કોઈ પાછળ રહેવા તૈયાર નહોતું. સૂબેદાર બધાને માંડ સમજાવીને પોતાની ટુકડી લઈ રવાના થયો. લપટન સાહેબ લહેનાની સગડીની બીજી બાજુ મોં ફેરવીને સિગરેટ પીતો ઉભો હતો. તેમણે લહેનાને જોઈ સિગરેટ ધરતાં કહ્યુ"લે તું પણ એક લગાવ!"
આંખના પલકારામાં લહેનાસિંહ વાતને સમજી ગયો. મોઢાના ભાવ છીપાવીને તે સિગરેટ
લેવા સગડીની પેલી તરફ ગયો અને સગડીના અજવાળામાં પહેલીવાર તેણે લપટન સાહેબનું મોં
જોયુ. તેનું માથુ ભમ્યુ. સાહેબના મોટા-મોટા થોભીયા અચાનક ક્યાં જતા રહ્યા અને એક જ
દિવસમાં આવા કેદિઓ જેવા વાળ ક્યાંથી થઈ ગયા?
લપટન સાહેબ પાંચેક વર્ષથી તેની રેજિમેંટ્માં હતા. તેણે વિચાર્યુ કે કદાચ લપટન
સાહેબ શરાબ પી ને વાળ કપાવવા બેસી ગયા હશે. એણે વધારે ખાતરી કરી જોવી મુનાસિબ
માન્યુ.
"સાહેબ હવે અમને પાછા હિન્દુસ્તાન જવાનો મોકો ક્યારે મળશે?"
"લડાઈ પૂરી થાય કે તરત જ તમે જઈ શકો. કેમ આ દેશ પસંદ નથી?"
"અરે સાહેબ, ભારત જેવી શિકારની મજા અહીં ક્યાંથી હોય? યાદ છે સર, એક વાર જગાધરી
જિલ્લામાં આપણે લોકો યુધ્ધ અભ્યાસ પત્યા બાદ શિકાર કરવા ગયા હતા?"
"અરે જ્યારે આપ ગધેડા પર સવાર હતા અને આપનો રસોઈયો પેલો બુડથલ સાલો
અબ્દુલ્લા રસ્તામાં એક શિવમંદિરે જળ ચઢાવા ઉભો રહી ગયો હતો? આપે જે પેલી નિલગાય નો
શિકાર કર્યો હતો કાંઈ! અહા હા, એક જ ગોળી અને સીધી માથે વાગી ને આરપાર. આવા અફસરો
સાથે શિકાર કરવાની મજા અહીં ક્યાંથી? યાદ છે ને તમે શિમલાથી એ નિલગાયનું માથુ સરસ મસાલા
ભરી તૈયાર કરાવી મંગાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે તેને આપણે આપણી આર્મિ મેસમાં
સજાવીશુ પણ પછી તેને વિલાયત મોકલી દેવાયેલું. શું લાંબા-લાંબા શિંગડા હતા એ નિલગાયનાં!
લગભગ બે એક ફુટ તો હશે જ, કેમ સાહેબ?"
"હાં લહેનાસિંહ મને બરાબર યાદ છે, બે ફુટ ચાર ઈંચનાં હતાં. કેમ તેં હજી
સિગરેટ નથી સળગાવી?"
"સાહેબ, જરા અંદર જઈને દિવાસળી લઈ આવું." કહીને લહેનાસિંહ બંકરની અંદર
ગયો. તેણે ફટાફટ વિચારી લીધુ કે શું કરવુ જોઈએ.
અંદર જતાં તે અંધારામાં રસ્તામાં સૂતા કોઈને ટકરાયો. "કોણ?
વજીરાસિંહ?"
"અરે લહેના શું થયું, કયામત આવી છે કે શું? હજી હમણા જ આડો પડ્યો છુ યાર."
(ચાર )
"હા જલ્દીથી ઉભો થા, કયામત આવી છે અને લપટન સાહેબ નો વેશ લઈને આવી
છે."
"શું?"
"લપટન સાહેબ કાં તો માર્યા ગયા છે અથવા કેદ પકડાયા હોવા જોઈએ. એમનો
યુનિફોર્મ પહેરીને કોઈ જર્મન આવ્યો છે. સૂબેદાર સાહેબે તો એનુ મોઢુ જ નહોતુ જોયું,
પણ મેં જોયું છે અને વાતો પણ કરી છે. ઉર્દુ સાફ બોલે છે, પણ ચોપડીયું અને ઉપરછલ્લું.
અને સાલો મને સિગરેટ પીવા આપે છે."
"તો હવે શું?"
"આપણી સાથે દગો થયો છે. સૂબેદાર અને
ટુક્ડી કીચડમાં આંટા માર્યા કરશે અને આ બંકર પર
હુમલો થવાનો. પલ્ટનનાં પગલાનાં
નિશાન જોતાં-જોતાં એમની પાછળ જા, એ લોકો હજી બહુ દૂર નહીં નીકળી ગયા હોય. સૂબેદારને
જઈને કહે કે તરત જ પાછા વળે, જર્મન બંકર વાળી વાત ખોટી છે. જલ્દી જા. બંકરની
પાછળથી નીકળજે, જોજે પત્તુ ફરકવાનો પણ
અવાજ ન થાય. જલ્દી કર આપણી પાસે ઝાઝો સમય નથી."
"પણ આપણને તો એવો આદેશ છે કે અહીં જ
રહીને..."
"અરે ભાડ્માં ગયો એ આદેશ! હું જમાદાર લહેનાસિંહ અત્યારનો અહીંનો સૌથી
ઉચ્ચ પદ ધરાવતો અમલદાર તને આદેશ આપું છું કે તું જા અને સૂબેદારને ચેતવણી આપ.નહીંતો
આપણે કોઈ નઈ બચી શકીએ. ત્યાં સુધી આ નકલી લપટન સાહેબને તો હું સંભાળુ છું."
"પણ પછી અહીં તો તમે આઠ જ જણા વધશો"
"આઠ નહી, દસ લાખ! દરેક અકાલી સિખ સવા લાખ
યોધ્ધા બરાબર છે. તું જા" લહેનાસિંહ તાડૂક્યો.
દરવાજે પાછો આવી લહેનાસિંહ બંકરની અંદરની દિવાલને
અઢેલીને ઉભો રહીને લપટનની ગતિવિધીઓ જોવા લાગ્યો. એણે જોયું કે લપટને કોટની અંદરથી ત્રણ
બારુદના ગોળા કાઢ્યા અને ત્રણેને બંકરની દિવાલોમાં પોલાણ જોઈ ઘુસાડી દીધા અને
ત્રણેને તારથી જોડી દીધા. આ તારને તેણે સૂતરના વીંટામાંનાં એક લાંબા તાંતણે બાંધી
તેને સગડી પાસે નાખી દીધો. બહાર જઈ તેણે દિવાસળી સળગાવી,જેવો તેણે સળગતી દિવાસળીને
સૂતરના ગૂંચળા પર નાંખવા હાથ લંબાવ્યો કે.....
લહેનાસિંહ ચિત્તાની ચપળતાથી કૂધ્યો અને પોતાની
બંદૂકનો લાકડાનો હાથો રાક્ષસી તાકાતથી જર્મનની કોણી પર ફટકાર્યો. ફટકો પડતાં જ
જર્મનના હાથમાંથી દિવાસળી પડી ગઈ. અચાનક થયેલા હુમલાથી તે ડઘાઈ ગયો અને કાંઈ
વિચારી શકે તે પહેલા તો લહેનાસિંહે બંદૂક્નો બીજો કુંદો તેની બોચીના ઉપરના ભાગે માર્યો અને તે જર્મનમાં કાંઈક બડબડતો ફસડાઈ પડ્યો. લહેનાસિંહે સૂતરની દોરી, તાર
અને ત્રણે ગોળા લઈને બંકરથી દૂર ફેંકી દીધા અને જર્મનસાહેબને ઘસડીને તે સગડી પાસે
લઈ આવ્યો. ખૂબ સાવધાનીથી તેણે સાહેબના કોટનાં ખિસ્સાં તપાસ્યાં. તેમાંથી નીકળેલા
ત્રણ ચાર પરબીડીયાં અને એક ડાયરીને સાચવીને પોતાના કોટમાં મૂકી દીધી.
થોડી વાર બાદ જર્મન સાહેબ ભાનમાં આવ્યા.
લહેનાસિંહ તેની સામે તુચ્છ્કારભર્યા મજાકિયા સ્વરે બોલ્યો"કેમ છો લપટન સાહેબ?
તમે તો મને આજે ઘણી બધી નવી વાતો શીખવાડી! જેમ કે સિખો સિગરેટ પીવે છે, જગાધરિ
જિલ્લામાં નીલગાયો હોય છે, અને તેમના બબ્બે ફુટનાં શિંગડા પણ હોય છે અને ખાસ તો
મુસલમાન લોકો શિવલિંગને જળ ચઢાવે છે અને હાં લપટન સાહેબો ગધેડા પર શિકારે જાય
છે!"
"એક વાત માનવી પડે, તમે ઉર્દુ બહુ જ સ્વચ્છ અને સાફસૂથરી બોલો છો. અમારા
લપટનસાહેબ તો 'ડેમ ઈટ' બોલ્યા વગર પૂરા બે વાક્યો પણ નથી બોલી શકતા."
લહેનાએ સાહેબના પેંટના ખિસ્સાઓ તપાસ્યા નહોતા. સાહેબે જાણે ઠંડીથી બચવા પોતાના
બન્ને હાથ પેંટના ખિસ્સામાં નાખ્યા.
લહેનાસિંહ હવે તેશમાં આવી ગયો હતો એ બોલ્યે જતો હતો"સાહેબ તમે કાંઈ કમ
ચાલાકી નહોતી કરી પણ આ માંઝેવાળા લહેનાને બેવકૂફ બનાવવા તો ચાર આંખો જોઈએ. મેં કાંઈ
આટલા વર્ષ લપટન સાહબ સાથે રહીને જખ નથી મારી. અમારા ગામમાં એક મૌલવી આવ્યા હતા,
બૈરાઓને છોકરાં થવાની અને બાળકોને સાજાં કરવા માટે તાવીજો આપતો ફરતો હતો. ચૌધરીના
વડ નીચે ખાટલો ઢાળીને હુક્કો પીધા કરતો અને ગામલોકોને ઉંધુસીધું ભરાવ્યા કરતો.
કહેતો કે જર્મનોએ વેદો વાંચી-વાંચીને વિમાન ઉડાડતા શીખી લીધુ છે. તેઓ ગાયને પવિત્ર
ગણે છે, એમનું રાજ આવશે તો ગૌહત્યા બંધ થઈ જશે. ગામનાં ખોડૂતો અને વેપારીઓને
ભડકાવતો કે બધા પોતપોતાનાં પૈસા સરકારી બેંકો અને પોસ્ટમાંથી ઉપાડી લેજો,
હવે કંપની સરકાર જવામાં છે અને જર્મનોનું રાજ આવશે. બિચારા પોસ્ટમાસ્તર
પોલ્હુરામ તો ગભરાઈ જ ગયા હતા. પછી મેં એ સાલાની દાઢી-મૂછ મુંડાવીને ગામની બહાર
તગેડી મૂકેલો અને..."
એટલામાં સાહેબના પેંટના ખિસ્સામાંથી ગોળી આવીને
લહેનાની જાંઘમાં ઘૂસી ગઈ. લહેનાના મોઢામાંથી ચીસ અને એની હેન્રી મર્ટિનમાંથી બે
ગોળીઓ લગભગ સાથે જ નીકળ્યા. સાહેબનું તો તરત જ રામ નામ સત્ય થઈ ગયુ. ઉપરાઉપરી
થયેલા ઘડાકાઓ સાંભળી બંકરમાંથી બીજા જવાનો પણ દોડી આવ્યા.
બોધાસિંહ ઝબકીને બેઠો થઈ ગયો" શું થયું..શું થયું?"
લહેનાસિંહે એને એમ કહીને સુવાડી દીધો કે એક
હડકાયુ કુતરું આવ્યુ હતું તો એને ભગાડવા ગોળી ચલાવી. પણ બીજા બધા સાથીઓને એણે
હકીકત કહી અને લડવા તૈયાર રહેવાનો હુકમ આપ્યો. બધા બંદૂકો લઈને તૈયાર થઈ ગયા. જર્મનની
ગોળી તેના સાથળના હાડકાની નજીક માંસમાં ખૂંપી ગઈ હતી. લહેનાએ પોતાનો સાફો ફાડીને
તેનાથી ઘા પર ખેંચીને પટ્ટી મારી દીધી, લોહી ધીમે ધીમે વહેતુ બંધ થયું.
બધું માંડ થાળે પડ્યુ હતુ અને અચાનક કંઈક બૂમરાણ કાને પડી. તેણે જોયું કે સિત્તેર
જર્મનોની એક આખી પલટન પોતાની ભાષામાં બૂમો પાડતી બંકરમાં ઉતરી આવી હતી. પહેલા તો
સિખોની બંદૂકોએ એમને ફાવવા ન દીધા, પણ આ આઠ હતા અને પેલા સિત્તેર! બીજા બધા કશાની આડશ
લઈને અને આડા પડીને ગોળીઓ ચલાવતા હતા પણ લહેનાસિંહ ઉભો રહીને એક પણ ગોળી વ્યર્થ ન
જાય એમ તાકી-તાકીને દરેક ગોળીએ નિશાન સાધતો હતો. જર્મનો પણ પોતાના સાથીદારોના મૃત
શરીર પર પગ દઈ-દઈ ને આગળ વધે જ જતા હતા. હવે કદાચ થોડી જ મિનિટો ની વાર હતી
અને.....
અચાનક પાછળથી 'વાહે ગુરુજી દા ખાલસા, વાહે ગુરુજી દી ફતહ' નો વિજયઘોષ સંભળાયો
અને જર્મનો જાણે નિશાનાની પ્રેક્ટિસ કરવા માટેનાં કાર્ડ્બોર્ડ હોય તેમ પીઠ પર
ગોળીઓ ખાઈને પડતા ગયા. હવે જર્મનો ઘંટીના બે પડની વચ્ચે ઘઉંના દાણા માફક ફસાયા
હતા. પાછળથી સૂબેદારના સૈનિકોની ગોળીઓ અને આગળથી લહેનાસિંહના સાથીઓની બેયોનેટ.
'અકાલ સિખોની ફૌજ આવી!' 'વાહે ગુરુજી દા ખાલસા, વાહેગુરુજી દી ફતહ' અને 'જો
બોલે સોનિહાલ....સત શ્રી અકાલ' ના જયનાદ સાથે લડાઈ પૂરી થઈ. ત્રેસઠ જેટલા જર્મનો કાં
તો મરેલા પડ્યા હતા અથવા કણસી રહ્યા હતા. સિખોમાં પણ પંદર ખાલસાઓ એ પ્રાણ ગુમાવ્યા
હતા. સૂબેદારના જમણા ખભાની આરપાર ગોળી નીકળી ગઈ હતી. લહેનાસિંહને બીજી ગોળી
પાંસળીઓમાં વાગી હતી પણ તેણે કોઈનું ધ્યાન ન જાય તેમ આ ઘા પર માટી પૂરીને બાકીનો
સાફો કમરબંદની જેમ તેની પર વીંટી લીધો.
આવી વિકરાળ લડાઈ પછી નીકળેલો ચંદ્ર એટલો સુંદર લાગતો હતો કે સંસ્કૃતકવિઓ એ
તેને આપેલું નામ 'ક્ષયી' જાણે સાર્થક કરતો હોય. મંદ-મંદ વાતો પવન અને એ રાત તો
કદાચ કાલિદાસ કે બાણભટ્ટ જ યથાર્થ વર્ણવી શકે.
સૂબેદારે લહેનાસિંહના મોઢે આખો અહેવાલ સાંભળ્યો
અને પેલા જર્મન પાસેથી મળેલા દસ્તાવેજો જોઈને લહેનાસિંહને શાબાશી આપતા કહ્યુ "ભાઈ
લહેના આજે જો તું ન હોત તો અમે કોઈ જીવતા ન બચ્યા હોત."
આ લડાઈના અવાજો ત્રણ માઈલ દૂર આવેલ મિત્રસેના નાં બંકર
વાળાઓ પણ સાંભળ્યા હતા અને તેમણે આગળ વાયરલેસ કરીને સહાય મંગાવી લીધી હતી. લગભગ
દોઢેક કલાકમાં તો બે ડોક્ટર અને સાથે બીમારો અને મૃતદેહોને લઈ જવા માટે બે ગાડીઓ
આવી પહોંચી. ફિલ્ડ હોસ્પિટલ નજીક હોવાથી ઘાયલો ને કામચલાઉ પાટાપિંડી કરીને એક
ગાડીમાં ચઢાવવામાં આવ્યા અને બીજીમાં લાશો મૂકવામાં આવી. સૂબેદારે લહેનાસિંહ ને
જાંઘે પાટો બંધાવા કહ્યું પણ લહેનાએ ઘા મામૂલી હોવાનું કહી વાતને ટાળી દીધી.
બોધાસિંહ પીડા અને તાવથી કણસી રહ્યો હતો પણ સૂબેદાર લહેનાસિંહને આમ છોડી જવા તૈયાર
નહોતા. આ જોઈ લહેનાએ સૂબેદારની નજીક જઈ કહ્યુ"જો તમે આ ગાડીમાં અહીંથી નહી
જાવ તો તમને બોધા અને સૂબેદારની ના સમ છે."
"અરે..તને લીધા વગર એમ કઈ રીતે..?"
"મારા માટે તમે ત્યાં જઈ ને ગાડી મોકલી દેજો. આ જર્મનોને લેવા પણ ગાડીઓ
આવશે ને. અને જુઓ હું તો હજી ઉભો છું, સ્વસ્થ છુ. વજીરાસિંહ પણ મારી પાસે જ
છે"
"એ તો બરાબર પણ....."
"જુઓ બોધાસિંહને ગાડીમાં સૂવાડી દેવામાં આવ્યો છે. તમે પણ તેની સાથે જાઓ.
હા, જો તમને યોગ્ય લાગે તો જ્યારે તમે સૂબેદારનીને કાગળ લખો તો તેમાં મારા પ્રણામ
લખજો અને એ જરુરથી લખજો કે જે એણે કહ્યુ હતું તે મેં કર્યુ છે."
ગાડીઓ ચાલવા તૈયાર હતી, જતાં-જતાં સૂબેદારે લહેનાનો હાથ પકડી કહ્યું"તેં
મારા અને બોધાના પ્રાણ બચાવ્યા છે, લખવાનું શું આપણે બધા સાથે જ ઘરે જઈશુ અને તું
જાતે જ સૂબેદારનીને મળી ને કહી દેજે કે એણે કહ્યુ હતુ તે બધુ જ તેં કર્યુ
છે."
ગાડી આંખોથી ઓઝલ થતા જ લહેના લથડી પડ્યો. વજીરાને બોલાવીને કહ્યું"વજીરા
જરા પાણી પીવડાવી દે અને આ કમરબંધ પણ ખોલી દે, જો લોહીથી લથપથ થઈ ગયો છે."
જ્યારે મનુષ્યનો અંતિમ સમય નજીક આવે છે ત્યારે સ્મૃતિ
પરથી સમયનું ધુમ્મસ ઓગળતુ જાય છે અને આખા જીવનની ઘટનાઓ અંતર સમક્ષ સ્પષ્ટ થવા લાગે
છે. બધા દ્રશ્યો જાણે આંખ આગળ ભજવાય છે, આ વિચાર, સ્વપ્ન અને તંદ્રા વચ્ચેની એવી
અવસ્થા છે કે જેમાં પ્રેક્ષક જ કલાકાર હોય છે અને કલાકાર જ પ્રેક્ષક!
લહેનાસિંહ બાર વર્ષનો છે. અમૃતસરમાં પોતાના મામાને ત્યાં આવેલો છે. દહીવાળાને
ત્યાં, શાકવાળાને ત્યાં બધે જ તેને દર વખતે આઠ વર્ષની એક છોકરી મળી જાય છે. જ્યારે-જ્યારે
તે પૂછ્તો કે તેની સગાઈ થઈ ગઈ તો તે 'ધત' કહીને ભાગી જતી. આ જ રીતે એક વાર તેણે
અમસ્તા પૂછ્યુ તો તેણે કહ્યુ હતુ કે" હા કાલે જ થઈ ગઈ, જોતો નથી આ રેશમી ફુલો
મઢેલો દુપટ્ટૉ?" આ સાંભળીને લહેના ખૂબ ક્રોધે ભરાયો હતો. અસહ્ય પીડા થઈ હતી.
ન સમજાય તેવી પીડા. ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, પણ શા માટે?
"વજીરાસિંહ પાણી પીવડાવી દે"
આ વાતને પચીસેક વર્ષ થયા. હવે લહેનાસિંહ 77 સિખ રાયફલ્સમાં જમાદાર બની ગયો છે.
પેલી આઠ વર્ષની છોકરી ક્યારનીયે ભૂલાઈ ગઈ છે. ખબર નહી ક્યારેય રસ્તામાં પણ મળ્યો
છે એને કે નઈ? પોતાની જમીનના મુકદમા સંદર્ભે સાત દિવસની રજા લઈને તે પોતાના ઘરે
આવ્યો છે. બીજા જ દિવસે લશકરની છાવણીમાંથી ચિઠ્ઠી મળે છે કે જંગ છેડાઈ ગઈ છે અને
રજાઓ નામંજૂર થઈ છે. તરત જ તેના સૂબેદારની પણ ચિઠ્ઠી મળી છે કે તે અને તેમનો પુત્ર
બોધાસિંહ પણ સાથે આવવાના હોવાથી તેઓના ગામેથી નીકળવુ જેથી સાથે નીકળી શકાય. તેની
અને સૂબેદારની સારી જામતી અને તેમનું ગામ પણ રસ્તામાં જ આવતું હોવાથી તેણે જવાનુ
નક્કી કર્યુ. લહેનાસિંહ નિર્ધારિત દિવસે તેમના ઘરે પહોચ્યો.
જ્યારે બધા નીકળવા લાગ્યા ત્યારે સૂબેદારે
અચાનક ઘરના ઓરડામાંથી બહાર આવીને કહ્યું"અરે લહેના, સૂબેદારની તને ઓળખે છે
અને મળવા માંગે છે. જા મળી આવ." લહેના મૂંઝાયો, સૂબેદારની એને કઈ રીતે ઓળખે
છે? સૂબેદારનું કુટુંબ તો કદી છાવણીના ક્વાર્ટરમાં રહેવા પણ નથી આવ્યુ. તેણે
ઓરડામાં જઈને કહ્યું "નમસ્તે જી"
"ઓળખાણ પડી?" "જી.... ના."
"અમૃતસરમાં....તારી સગાઈ થઈ ગઈ....રેશમી ફૂલો મઢેલો દુપટ્ટૉ....."
વિચારોમાં લહેનાને પાંસળી પર પડેલા ઘાનું ધ્યાન રહ્યુ નહી અને પાસુ ફરવા જતા
ઘા માંથી લોહીની ટશર ફુટવા લાગી.
"વજીરા પાણી....એણે કહ્યુ હતુ....."
તંદ્રા, વિચાર અને સપના વચ્ચેની પેલી અવસ્થા એ પાછી તેના મનનો કબ્જો લઈ લીધો.
તંદ્રા, વિચાર અને સપના વચ્ચેની પેલી અવસ્થા એ પાછી તેના મનનો કબ્જો લઈ લીધો.
સૂબેદારનીનો અવાજ સંભળાય છે "મેં તો તમને
આવતા જ ઓળખી કાઢ્યા હતા. મારુ એક કામ કરશો? મારા તો ભાગ જ ફુટ્યા છે. સરકારે
બહાદુરીનો ખિતાબ આપ્યો છે, લાયલપુરમાં જમીન પણ આપી છે. આજીવન સરકારનું નમક ખાધુ છે
અને આજે આ નમક હલાલી કરવાનો અવસર છે. પણ આ એક જ દિકરો છે. એને હજી તો પુરુ એક વર્ષ
પણ નથી થયું લશ્કરમાં દાખલ થયે. બોધા જ સૌથી મોટો છે. એના પછી ચાર હતા પણ એક પણ ન
જીવ્યો. મને તો એમ થાય છે કે સરકાર અમારી ઓરતોની પણ ઘાઘરિયા ટુકડી બનાવે તો સારુ,
હું આ બન્નેની સાથે તો રહી શકુ. શું થાય હતભાગ અમારા. યાદ છે એક વાર દહી વાળાની
દુકાને જ્યારે એક ટાંગાવાળાનો ઘોડો આડૉ થયો હતો અને જેમતેમ લાતો મારતો હતો, મને
લાત વાગવાની તૈયારીમાં જ હતી અને તેં મને ઉચકીને દુકાનના પાટિયે બેસાડી દીધી હતી
અને ઘોડાની લાતો તારે ખાવી પડી હતી. બસ એ જ રીતે આ બન્નેનું પણ રક્ષણ કરજે, હું
ખોળો પાથરીને તારી આગળ ભીખ માંગુ છું."
આમ કહેતી સૂબેદારની પોક મૂકીને ઘરની અંદર દોડી ગઈ અને લહેનાસિંહ આંસુ લૂછતો બહાર આવ્યો.
"વજીરા પાણી....એણે કહ્યુ હતુ....."
વજીરાસિંહ અડધા કલાકથી લહેનાનું માથુ પોતાના ખોળામાં મુકી બેસી રહ્યો છે અને
જ્યારે માંગે ત્યારે થોડું-થોડું પાણી
પીવડાવે છે.
થોડીવારે લહેનાએ ઉપર જોઈ પૂછ્યુ"કોણ
કીરતસિંહ?"
વજીરાએ થોડુ વિચારીને કહ્યુ"હાં ભાઈ"
"ભાઈ મને થોડૉ ઉંચો કરીને મારુ કપાળ તારા કપાળને અડકે તેમ મને બેસાડ." વજીરા એ એમ કર્યુ.
"ભાઈ મને થોડૉ ઉંચો કરીને મારુ કપાળ તારા કપાળને અડકે તેમ મને બેસાડ." વજીરા એ એમ કર્યુ.
"હાં હવે બરાબર. થોડુ પાણી પીવડાવી દે
ભાઈ. જોજે આવતા ઉનાળે આ આંબામાં ભરપૂર કેરીઓ થશે. કાકા ભત્રીજા બન્ને અહીં સાથે
બેસીને કેરીઓ ખાજો. તને ખબર છે આ આંબો જ્યારે તારા ભત્રીજાનો જન્મ થયો એ મહિને જ
મેં વાવેલો."
વજીરાસિંહ માંડ માંડ આંસુ ખાળીને બેસી રહ્યો.
થોડા દિવસ પછી અખબારોમાં નાની ખબર છપાયેલી જોવા
મળી:
·
ફ્રાંસ અને બેલ્જિયમ(68મી યાદી)
યુધ્ધમાં ઉંડા ઘા લાગવાથી મૃત્યુ- નંબર 77 સિખ
રાયફલ્સ- જમાદાર લહેનાસિંહ
No comments:
Post a Comment