Monday, March 23, 2020

હીરા નો હાર – ગાય દ મોપાસાં

મટીલ્ડે, ગરીબ ફ્રેંચ પરિવારમાં જન્મેલી એક એવી છોકરી કે જેને જોતાં જ લાગે કે ભાગ્યની કોઈ ચૂકને લીધે જ આવી સુંદર અને આકર્ષક છોકરી આવા પરિવારમાં જન્મી છે. મટીલ્ડેને પહેલેથી જ લોકોમાં ઓળખાવાની, ઉચ્ચકુલનો ઘનવાન અને પ્રેમાળ પતિ પામવાની મહેચ્છા હતી. પણ પરિવાર ગરીબ અને સામાન્ય હોવાથી આવી કોઈ જ તક તેને મળી નહી. અને દહેજના પૈસા ન હોવાના કારણે મટીલ્ડેના લગ્ન એક સામન્ય કારકૂન સાથે કરી દેવાયાં. શ્રીમાન લ્યુઆઝેલ, જેઓ પેરિસમાં જાહેર સૂચના મંત્રાલયમાં એક સામાન્ય કારકૂન હતા, સાથે પરણીને મટીલ્ડે હવે શ્રીમતી મટીલ્ડે લ્યુઆઝેલ બની.

મોંઘાં કપડાં તેના પતિને પોસાય તેમ ન હોવાથી તેને સામાન્ય વસ્ત્રોથી જ સંતોષ માનવો પડતો. પણ તે પોતાની આવી પરિસ્થિતીથીને સ્વીકારી નહોતી શકતી, જાણે કોઈ રાજમહેલની અટારીએ થી તે સીધી કોઈ ઝૂંપડાંમાં આવી પડી હોય તેવું તેને લાગતું. હજી તે પોતાના પેલા અશક્ય દિવાસ્વપ્નોમાં જ રાચતી. આમ પણ સ્ત્રી માટે નાત-જાત નહી પણ સુંદરતા અને મોહક વ્યક્તિત્વ જ ઉચ્ચ કુલનું પ્રમાણપત્ર હોય છે. લાવણ્ય અને ખૂબસૂરતીની ઉચ્ચ અને કુદરતી સમજણ ધરાવતું મન જ સામાન્ય કક્ષાની સ્ત્રીઓને પણ ઉચ્ચ સામાજિક દરજ્જો અપાવે છે. 

મટીલ્ડેનું મન આ ગરીબીમાં અત્યંત વ્યથીત રહેતું, તેને લાગતું કે એ તો દુનિયાની બધી જ સુખસાહયબી ભોગવવા જ જન્મી છે. તેનું પોતાનું ઘસાતું ઘર, પોપડા ઊખડેલી દીવાલો, રંગ ઊડી ગયેલી ખુરશીઓ, ચીંથરેહાલ પડદા આ બધુ સતત પોતાની આસપાસ જોઈ તેને પોતાની ગરીબી પ્રત્યે વધુ ધૃણા ઉપજતી. તેના ઘરની એકમાત્ર સાહ્યબી કહી શકાય એવો તેનું રોજેરોજનું  ઘરકામ કરતો તેનો એક નોકર હતો.  તેને જોતી અને મટીલ્ડે બીજું ઘણુંઘણું પામવાના સપનાઓમાં ખોવાઈ જતી. તે પોતાને એક ખૂબસૂરત મોટા મહેલમાં જોતી, જેનો દિવાનખંડ પૂર્વીય સંસ્કૃતિના અતિમોંઘાં ચિત્રોથી મઢેલો હતો, જેના દરવાજામાં બે દરવાનો શાહી પોશાકમાં સજ્જ તેની ગાડી આવવાની રાહ જોતાં ઝોકાં ખાતા હતા, આખો દિવાનખંડ એક ઝમગદાર શમાદાનથી પ્રકાશિત હતો. જેનો સ્વાગતકક્ષ રેશમી પડદાથી સજાયેલો, ઉત્તેજિત કરી મુકે એવા અત્તરોની ખુશ્બુથી મહેકતો અને જેને પામવા દરેક સ્ત્રી લાલાયિત હોય તેવા પુરુષોથી ભરેલો હોય તેવું તેનું સપનું હતું. આ બધી વસ્તુઓના તો અસ્તિત્વ વિષે જ કદાચ તેની કક્ષાની અન્ય સ્ત્રીઓને ખબર નહી હોય, પણ મટીલ્ડેને તેમની કમી ખૂબ ખલતી અને ન મળતાં ગુસ્સો દેવડાવતી.

જ્યારે તે પોતાના ત્રણ દિવસથી ન ધોવાયેલા ટેબલક્લોથવાળા ખખડધજ ડાઈનિંગ ટેબલ પર પોતાના પતિની સામે એ જ રોજિંદો સૂપ પીવા બેસતી અને એનો પતિ આવો સામાન્ય સૂપ જોઈને પણ “આહ, સૂપ! આવું જમવાનું તો મેં ક્યાંય જોયું નથી” એમ કહેતો, ત્યારે તે તો પોતાના પેલા આલીશાન મહેલમાં મશહૂર કલાકારોના ચિત્રો મઢેલા અદભૂત ડાઈનિંગ રૂમમાં ચાંદીના વાસણોમાં પીરસાતી સત્તર જાતની વાનગીઓ સામે પોતાને શહેરની મશહૂર હસ્તીઓ સાથે બેસી તેમની રમૂજી વાતો પર રહસ્યમય મુસકાતી જોઈ રહેતી.પણ આ તો તેની કપ્લ્નાની દુનિયા હતી.

અસલિયતમાં તો તેની પાસે બહાર પહેરવા લાયક સારો ડ્રેસ કે ઘરેણાં કાંઈ જ નહોતું. આ તેને ખૂબ જ ખૂંચતું. કોઈ તેની ઈર્ષા કરે અથવા કારણ વગર તેની કોઈ પ્રશંસા કરે એ તેને ખૂબ ગમતું. પણ આ બધુ તેના નસીબમાં ન હતું. તેની એક સ્કૂલ સમયની મિત્ર હતી જે ખૂબ જ પૈસાદાર હતી અને એ જ કારણથી તેને તે ગમતી ન હોતી. મટીલ્ડે તેના ઘરે જવાનું ટાળતી અને કોઈવાર તે પોતાના ઘરે આવે એ પણ તેને ઓછું ગમતું! તેને જોઈને મટીલ્ડે ખૂબ ઉદાસ થઈ જતી.

એક સાંજે તેનો પતિ ઘરમાં આવતાં જ વિજયી સ્મિત સાથે એક મોટું પરબિડિયું બતાવી બોલ્યો “મટીલ્ડે, આજે હું તારા તેણે ઉત્સાહમાં આવી તેના પતિના હાથમાંથી પરબિડિયું છીનવી લીધું અને વાંચવા લાગી:

જાહેર સૂચના મંત્રીશ્રી અને મેડમ જ્યોર્જસ રાંપોનું, શ્રીમાન અને શ્રીમતી લ્યુઆઝેલને 18 જાન્યુઆરી સોમવારની સાંજે મંત્રાલય ખાતે રાખવામાં આવેલી પાર્ટીમાં પધારવા નિમંત્રિત કરે છે.
તેના પતિને તો એમ કે આવું ભવ્ય આમંત્રણ વાંચીને મટીલ્ડે ખુશીથી ઝૂમી ઉઠશે પણ તેણે તો “હું આનું શું કરું?” બબડતા પરબિડિયું ખૂણામાં ફેંકી દીધું.

“અરે, આ શું? મને તો એમ કે તું ખૂબ જ રાજી થશે. આપણે આમ તો કદી બહાર જતાં નથી અને આ તો આટલો સરસ અવસર છે. ખુદ મંત્રીશ્રીના નામથી આપણને આમંત્રણ છે! તને કાંઈ ખબર પણ છે કે મેં કેટલી મુશ્કેલીથી આ આમંત્રણ મેળવ્યું છે? કાંઈ મંત્રાલયના બધા જ કારકૂનોને આવું આમંત્રણ નથી મળતું!”

મટીલ્ડે ગુસ્સેલ નજરે તેના પતિ સામે જોઈ બબડી “અને હું શું પહેરીને આવું આવી મોટી પાર્ટીમાં? આ ચીંથરાં?”

 “કેમ આપણે એક વાર નાટક જોવા ગયા હતા, ત્યારે તેં પહેરેલો એ ડ્રેસમાં શું ખરાબી છે? મને તો એમાં તું ખૂબ સુંદર લાગે છે.” તેનો પતિ અચકાતો અચકાતો બોલ્યો
અચાનક મટીલ્ડેના કોમલ ગાલ પર બે મોટામોટા આંસુઓ જોઈ તેનો પતિ ગભરાઈ ગયો.“અરે શું થયું? મેં એવું તો શું કહી નાખ્યું?”
તે મહામહેનતે પોતાના મન પર થોડો કાબૂ મેળવી આંસુઓ લૂછતાં બોલી “કાંઈ નહી, મારી પાસે આવી ભવ્ય પાર્ટીમાં પહેરવા લાયક સારાં કપડાં નથી, તો હું તો આમાં નઈં આવી શકું. તમે મહેરબાની કરી આ આમંત્રણ તમારા કોઈ એવા સાથીને આપી દો કે જેની પત્ની પાસે પહેરવાનાં સારાં કપડાં હોય.”
ટોણો સાંભળી તેનો પતિ થોડો નિરાશ થઈ ગયો. થોડી વાર પછી કાંઈક વિચારી ને બોલ્યો “હમ્મ...જો આપણે એવો એકાદ સારો ડ્રેસ ખરીદી લઈએ કે જે તું બીજા પ્રસંગોએ પણ પહેરી શકે, તો તું શું ધારે છે કેટલા પૈસા જોઈશે એના માટે?”
મટીલ્ડે થોડીવાર ડ્રેસ વિષે વિચારીને મનમાં ગણતરીઓ કરવા લાગી. તે ઉતાવળે એવો કોઈ જ આંકડો નહોતી બોલી દેવા માંગતી કે જે સાંભળીને આ કરકસરિયો જીવ મૂંઝાઈ જાય.
 “ચોક્કસ તો કાંઈ કહી ના શકાય. પણ કદાચ ચારસો ફ્રાંક્સ પૂરા થઈ પડશે.” તેણે ધીરેથી કહ્યું.
આ સાંભળી તેના પતિનું મોં પડી ગયું. કારણ કે તે છેલ્લા ઘણા મહીનાથી આવતા ઉનાળે પોતાના મિત્રો સાથે નાન્ટરના મેદાનોમાં લાવરીના શિકાર માટે જવા એક બંદૂક ખરીદવા ચારસો ફ્રાંક્સ જમા કરી રહ્યો હતો h. જે તે આ મહીને માંડ માંડ પૂરા કરી શક્યો હતો. જો એ પૈસા ડ્રેસ માટે ખર્ચાઈ જાય તો તેણે પોતાનો શોખ પડતો મૂકવો પડે.

છતાં તે પોતાને સંભાળતો બોલ્યો” સરસ. તો હું તને કાલે ચારસો ફ્રાંક્સ આપીશ, એક સરસ ડ્રેસ લઈ લેજે, બસ?”
પરંતુ જેમજેમ પાર્ટીનો દિવસ નજીક આવતો ગયો તેમતેમ મેડમ લ્યુઆઝેલ વધુને વધુ દુઃખી રહેવા લાગી. તેનો નવો ડ્રેસ તૈયાર હોવા છતાં તે ખુશ નહોતી જણાતી.
આ જોઈ એક દિવસ તેના પતિએ તેની આવી ઉદાસીનું કારણ પૂછ્યું.
તે નિઃસાસો નાખતી બોલી ”ડ્રેસ તો હવે જાણે તૈયાર છે, પણ એકલા ડ્રેસથી શું થાય? સાથે પહેરવા માટે એકાદ ઘરેણું તો જોઈએને? એક પણ ઘરેણા વગરની જો હું આટલી મોટી પાર્ટીમાં આવું તો તો આપણી ગરીબાઈ દેખાઈ આવે. એના કરતાં તો પાર્ટીમાં જ ન જવું એ વધુ સારું.”
 “અરે તું તો એમ જ આટલી રૂપાળી લાગે છે. છતાં એક કામ કર, તારે હજી વધુ સુંદર દેખાવું હોય તો સરસ કુદરતી ફૂલો લગાવી લે. આ ઋતુમાં તો દસ ફ્રાંક્સમાં બે કે ત્રણ ઉત્તમ ગુલાબના ફૂલો પણ મળી જશે.”
પણ આ ઠાલી પ્રશંસા અને લૂલો તર્ક મટીલ્ડેને મનાવી ન શક્યો.
“આટલી પૈસાદાર અને રૂપાળી સ્ત્રીઓ વચ્ચે ગરીબ દેખાવું કેટલું શરમજનક હોય છે એ તમને નઈ સમજાય.”
“તો પછી એક કામ કર. તારી પેલી મિત્ર છે ને મેડમ ફોરેસ્ટિયર, તે પૈસાદાર પણ છે અને તારે એની સાથે ઘરેણાં માંગી શકાય એવા સબંધો પણ છે. તું એની પાસેથીજ પાર્ટીમાં પહેરવા લાયક કઈક લઈ આવે તો!”
મટીલ્ડેની આંખો ચમકી ઉઠી. ”સાચે જ! આ વિચાર મને કેમ ના આવ્યો?”
બીજા જ દિવસે તે મેડમ ફોરેસ્ટિયર પાસે પહોચી ગઈ અને પોતાની દુવિધા તેની મિત્રને જણાવી.
મેડમ ફોરેસ્ટિયર તરત જ મોટા અરીસાથી મઢેલા કબાટ પાસે ગયાં અને ઘરેણાંનું મોટું ખોખું કાઢી મટીલ્ડે આગળ ખુલ્લુ મૂકી દીધું. “લે...જે ગમે તે પસંદ કરી લે.”
ખોખામાં જાતજાતનાં કડાં, મોતીની માળા, વિવિધ રત્નો જડેલાં વેનિસથી ખાસ મંગાવેલ અદભૂત કારીગરીવાળા સેટ વગેરે ઘણાં ઘરેણાં હતાં. મટીલ્ડેએ લગભગ બધાજ ઘરેણાં પહેરી જોયા, પણ આવી મોટી પાર્ટી માટે એક પણ ઘરેણું યોગ્ય ના લાગતાં તેણે મેડમ ફોરેસ્ટિયરને પૂછ્યું “બીજા ઘરેણાં નથી તારી પાસે?”
“અરે...અંદર છે ને બીજા ઘણા, ધ્યાનથી જો.”
અંદર તેણે એક કાળા રેશમી ખોખામાં અદભૂત હીરાનો હાર જોયો અને એનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. તેણે થરથરતા હાથે હાર પોતાના ગળા ફરતે મૂકી જોયો. અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને તે પોતાના પર જ મોહી પડી.
તેણે ખચકાટભરી આતુરતાથી તેની મિત્રને પૂછ્યું ”શું તું મને આ હાર એક દિવસ માટે પહેરવા આપીશ?”
“અરે..ચોક્કસ કેમ નહી?” મેડમ ફોરેસ્ટિયરે મલકાતા જવાબ આપ્યો.
મટીલ્ડે તેની મિત્રને ખુશીથી ભેટી પડી.
આખરે પાર્ટીની એ રાત આવી ગઈ. મટીલ્ડે અત્યંત આકર્ષક, મનમોહક અને જાજરમાન લાગી રહી હતી. મેડમ લ્યુયાઝેલ આખી પાર્ટી પર છવાઈ ગયા.બીજી બધી સ્ત્રીઓ મેડમ લ્યુયાઝેલ આગળ ફિક્કી લાગી રહી હતી. પાર્ટીમાં ઉપસ્થિત મોટા અધિકારીઓની નજર પણ એક કરતાં વધુ વખત તેના પર પડી ચૂકી હતી. મંત્રીશ્રીના અંગત સચિવો પણ તેની સાથે એકવાર ડાન્સ કરવા સ્પર્ધા કરી રહ્યા હતા. ખુદ મંત્રીશ્રી પણ તેની સુંદરતા ની પ્રશંસા કર્યા વિના ના રહી શક્યા.
તે ઉત્કટ હર્શાવેશ અને ઉલ્લાસ થી ઉન્માદિત બની નાચી રહી હતી. પોતાની સુંદરતાની થઈ રહેલી પ્રશંસાનો તેને નશો ચઢ્યો હતો. આજે તેણે એ બધુજ મેળવ્યું હતું કે જેના તે નાનપણથી માત્ર સપના જોતી આવી હતી. શહેરના આગળપડતા પુરુષોએ તેની સુંદરતા અને વ્યક્તિત્વને વખાણ્યું હતું. ઉચ્ચકુલની સ્ત્રીઓએ તેની ઈર્ષા કરી હતી. એ જીતની રાત હતી, પ્રશંસા,ખુશી,આદર,સત્કાર,સુંદરતાનો સ્વીકાર. સ્ત્રીઓ ના હ્રય ને પ્રિય એવું બધુજ તેણે એ રાત્રે મેળવ્યું હતું.
જ્યારે સવારે ચાર વાગ્યાના સુમારે મટીલ્ડે પાર્ટીમાંથી બહાર નીકળી ત્યારે તેણે પોતાના પતિને બહારના ઓરડામાં સૂતેલો જોયો. તે ત્યાં રાત્રે બાર વાગ્યાનો સૂતો હતો. તેના પતિની સાથે બીજા પણ ત્રણ હતા કે જેમની પત્નીઓ પણ મોડી રાત સુધી પાર્ટી માણતી રહી હતી.
બહાર ખૂબ ઠંડી હોવાથી તેના પતિએ નીકળતી વખતે ઘરેથી લાવેલી એક શાલ તેને ઓઢાડી. જે સસ્તી અને સામાન્ય હતી. બીજી સ્ત્રીઓએ ઓઢેલા  ફર અને ઉનનાં મોંઘાદાટ ઉપવસ્ત્રો જોઈ તેને પોતાની ગરીબી યાદ આવી ગઈ અને તે શરમથી પાણીપાણી થઈ ગઈ. હમણાં જ તેની ઈર્ષા કરતી સ્ત્રીઓ તેને આવી સસ્તી શાલ ઓઢેલી જોઈ ન લે તે માટે તે ત્યાંથી બને એટલી દૂર ચાલી જવા દોડવા લાગી.
“અરે, તને ઠંડી લાગી જશે. ઊભી રે, હું ગાડી બોલાવી લઉં.” કહેતો લ્યુઆઝેલ તેની પાછળ રસ્તા પર દોડવા લાગ્યો. તે ઘણી આગળ નીકળી ગઈ હતી. હવે બધીજ ગાડીઓ નીકળી ચૂકી હતી.
બંને જણા ઠંડી માં થથરતાં સીન નદીના કિનારે રસ્તા પર ચાલ્યે જતાં હતાં. આ સમયે ઘોડાગાડી મળવી થોડી મુશ્કેલ હતી. એટલામાં લ્યુયાઝેલને એક જૂની પૂરાણી ઘોડાગાડી રસ્તા પર ઊભેલી દેખાઈ. આ ગાડી પેરિસમાં ખાલી રાત્રે જ ચાલતી હતી, જાણે દિવસના અજવાળે પોતાની જીર્ણતાથી શરમાતી હોય!
આ ગાડીમાં બેસી તેઓ ચૂપચાપ રયુ ડે માર્ટરમાં આવેલા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. બંને પોતાના નાનકડા ફ્લેટમાં મૂંગાંમૂંગાં પ્રવેશ્યાં. મટીલ્ડે વિતેલી રાત વિષે વિચારી રહી હતી, જ્યારે તેનો પતિ બીજા દિવસે સવારે દસ વાગ્યે નોકરી પહોચવાની ચિંતા માં હતો.
તેના પતિએ ઓઢાડેલી સસ્તી શાલ હટાવીને તે અરીસા સામે ઊભી પોતાને મોંઘા ડ્રેસમાં જોઈ રહી. અચાનક તેની નજર તેની ડોક પર પડતાં તે ચીસ પાડી ઉઠી.
“અરે અચાનક શું થયું તને?” અડધાં કપડાં ઉતારી સૂવાની તૈયારી કરી રહેલો તેનો કંટાળેલો પતિ બોલી ઉઠ્યો. 
હતપ્રભ થઈ ગયેલી તે ધીરેથી તેના પતિ તરફ ફરી. “મારાથી....મારા...થી મેડમ ફોરેસ્ટિયરનો હીરાનો હાર ખોવાઈ ગયો.” લ્યુઆઝેલ જાણે હમણાં જ ઊંઘમાથી ઉઠ્યો હોય તેમ ડઘાયેલો ઊભો રહ્યો.
લાંબા ડ્રેસની ગડીઓમાં, તેના કોટમાં ,ખીસ્સામાં બધેજ શોધી જોયું પણ હાર ક્યાંય મળ્યો નહી.
“તને પાક્કી ખબર છે કે પાર્ટીમાથી બહાર નીકળતાં હાર તારા ગળામાં હતો?”
“હા, લોબીમાંથી બહાર નીકળતાં મારો હાથ હાર પર પડ્યો હતો.”
“હમ્મ....જો હાર રસ્તા પર ક્યાંય પડ્યો હોત તો તો એટલી શાંતિમાં આપણે જરૂર તેના પડવાનો અવાજ સાંભળ્યો હોત. જરૂર હાર પેલી ગાડીમાં જ ક્યાંક પડી ગયો હોવો જોઈએ.”
“હા.....કદાચ. તમે એ ગાડીનો રજીસ્ટ્રેશન નંબર નોંધ્યો હતો?”
“ના”
બંને જણાં થોડીવાર તો જાણે વીજળી પડી હોય તેમ ચૂપચાપ ઊભાં રહ્યાં. થોડો સ્વસ્થ થઈને લ્યુઆઝેલ કપડાં પહેરતાં બોલ્યો “હું ફરીથી આખા રસ્તે ચાલતો જઈ જોઈ આવું છું, કદાચ મળી જાય.”
મટીલ્ડે તેના પાર્ટી ડ્રેસમાં જ ખુરશીમાં ફસડાઈ પડી. તેનામાં ના તો પલંગ સુધી જવાની શક્તિ વધી કે ના કાઈ વિચારવાની!
તેનો પતિ સાતેક વાગ્યે વીલા મોઢે પાછો આવ્યો. અસફળ.
લ્યુઆઝેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી આવ્યો, અખબારમાં ઈનામની જાહેરાત છપાવી આવ્યો, રાત્રિગાડી ફેરવતી કંપનીમાં પણ તપાસ કરી આવ્યો. જ્યાં પણ આશાનું નાનકડું કિરણ દેખાયુ ત્યાં બધેજ ફરી વળ્યો. આખો દિવસ મથામણ કરવા છતાં કોઈજ સફળતા હાથ ન લાગી.મટીલ્ડેની મન:સ્થિતિ ભયથી છળેલા કોઈ નાના બાળક જેવી હતી.
રાત્રે તેના પતિએ કહ્યું ”એક કામ કર. તું તારી મિત્રને પત્ર લખીને જણાવી દે કે હારની દોરી તૂટી ગઈ હોવાથી સમો કરવા આપ્યો છે અને પાછો આવતાં થોડો સમય લાગશે. ત્યાં સુધી આપણને થોડો વિચારવાનોય સમય મળી જશે.”
તેના પતિએ લખાવ્યું તેમ તેણે યાંત્રિક રીતે લખી નાખ્યું.
આખું અઠવાડીયું ચિંતા અને પ્રયાસોમાં વીતવા છતાં હારનો કોઈ જ પત્તો ન લાગતાં, સાત દિવસમાં પાંચેક વર્ષ ઘરડા થઈ ગયેલા લ્યુઆઝેલે છેલ્લે મટીલ્ડેને કહ્યું ”હવે તો આપણે કોઈ પણ રીતે મેડમ ફોરેસ્ટિયરને બીજો હાર લાવી આપવો પડશે.”
બીજા દિવસે ખોખા પરથી સરનામું લઈને બંને હાર બનાવનારને મળવા પહોચ્યા. પેલાએ પોતાનો ચોપડો તપાસીને છેલ્લે કહયું “મેડમ, આ હાર મેં નથી બનાવ્યો લાગતો. શક્ય છે કે મેં ખાલી ખોખું જ બનાવ્યું હોય.”
સંતપ્ત અને વ્યગ્ર એવાં બંને એક સોનીની દુકાનથી બીજી દુકાન તદ્દન પેલા ખોવાયેલા હાર જેવો દેખાતો હાર શોધવા ફરવા લાગ્યાં થકવી નાખતી રખડપટ્ટીને અંતે રોયલ પેલેસમાં તદ્દન પેલા ખોવાયેલા હાર જેવો જ એક હાર મળી આવ્યો.
“ચાલીસ હજાર ફ્રાંક્સ!” દુકાનદારે જણાવ્યુ. તેમની કહાની સાંભળીને દુકાનદાર છેલ્લે છત્રીસ હજારમાં હાર આપવા તૈયાર થયો.
અંતે તેમણે દુકાનદારને ત્રણ દિવસ સુધી આ હાર કોઈને ન વેચવા મનાવી લીધો. વળી એવી શરત પણ મનાવી લીધી કે જો ફેબ્રુઆરીના અંત સુધી ખોવાયેલો હાર મળી જાય તો આ હાર ચોત્રીસ હજાર ફ્રાંક્સમાં પાછો લઈ લેવો.
લ્યુઆઝેલ પાસે તેના પિતા તરફથી વારસામાં મળેલ અઢાર હજાર ફ્રાંક્સ પડ્યા હતા, બાકીના અઢાર હજાર ઉધાર લેવા એમ નક્કી થયું.
તેણે હજાર અહીથી, પાંચ હજાર બીજેથી એમ કરીને પૈસા જોડવા માંડ્યા. આ ત્રણ દિવસમાં તેણે ભાતભાતના શાહુકારો પાસેથી ઉધાર લેવાનું થયું. અન્યાયી શરતો માનવી પડી. કચડી નાખતું ચક્રવૃધ્ધિ વ્યાજનું ચકરડું ફરતું થઈ ગયું. પોતાની બધી મૂડી અને આખી જિંદગી દાવ પર લગાવી દેવી પડી. બધી જાતની નૈતિક અને શારીરિક તકલીફો વેઠવાની તૈયારી સાથે તે ઉધાર લેતો ગયો. એને ખબર હતી કે હવે તેમનું જીવન કદી પહેલા જેવું નહી રહે. તિરસ્કાર, ટોણાં અને ઉપહાસ! આમ તેણે બાકીના અઢાર હજાર ફ્રાંક્સ ભેગા કર્યા અને હાર ખરીદીને મટીલ્ડેને આપ્યો. 
જ્યારે મટીલ્ડે મેડમ ફોરેસ્ટિયરને હાર પાછો આપવા ગઈ તો તેમણે જરા ઉદાસીન અવાજે કહ્યું ”તારે હાર થોડો વહેલો આપી જવો જોઈતો હતો, મારે તેની જરૂર પડી હોત તો!”
જો કે તેમણે ખોખું ખોલીને હાર ચકાસી ન જોયો, જેની મટીલ્ડેને બહુ બીક હતી. જો તેઓ આ અદલાબદલી પારખી જાત તો! તેઓ શું વિચારત? તેઓ મટીલ્ડેને ચોર જ સમજી બેસત!
મેડમ લ્યુયાઝેલને જરૂરિયાતમંદ હોવું એટલે શું તે હવે સમજાયું. ગરીબીની ખરી ભયાનકતા હવે તેણે જોઈ. જો કે તેણે ધાર્યા કરતાં વહેલી પરિસ્થિતિને સ્વીકારી લીધી અને બંને પતિ-પત્નીએ દેવું બને તેટલું જલ્દી પૂરું કરવા પગલાં લેવા શરૂ કરી દીધા.પ્રથમ પગલાં તરીકે તેમણે નોકરને રજા આપી અને મેડમ લ્યુયાઝેલે જાતે ઘરકામ કરવાનો વારો આવ્યો. પોતાનો નાનકડો ફ્લેટ છોડીને હવે તેઓ એક છાપરા જેવા ઘરમાં રહેવા ગયાં.
હવે તેને ભારે ઘરકામ કેવું હોય તેનો અંદાજ આવ્યો. તેની ફૂલસમી નાજુક  આંગળીઓ હવે ગંદી થાળીઓ અને ચીકણા તવા ધોવા લાગી. ગંદા પડદા અને ખમીસ ધોવા તથા ભારે બાલ્ટીમાં દરરોજ દૂરથી પાણી ભરીને લાવવું એ તેનો નિત્યક્રમ બની રહ્યો. તે જાતે રાશન તથા ફળ ખરીદવા જવા લાગી. શાકભાજી ખરીદતા પાઈપાઈ માટે ભાવ કરાવવો એ તેના માટે સહજ બની રહ્યું. ધીરેધીરે તે સામાન્ય સ્ત્રીઓ ની માફક બોલવા, પહેરવા અને ઉઠવા બેસવા લાગી.
દર મહીને તેઓ અમુક દેણું ભરતા અને અમુક માટે વધુ સમય માંગી લેતા. તેનો પતિ સાંજે પણ ગામના વેપારીને ત્યાં મુનશી તરીકે કામ કરવા લાગ્યો. વળી રાત્રે ઘરે આવીને દીવાને અજવાળે પાંચ પૈસા પ્રતિ પૃષ્ટ લઈને હસ્તપ્રતોની નકલ બનાવી આપતો.
જીવનનાં દસ વર્ષ આ રીતે વીત્યાં. બધું દેણું વ્યાજ સાથે ભરવામાં તેમની જિંદગીનાં દસ વર્ષ નીકળી ગયાં!
એક વખતની આકર્ષક મટીલ્ડે હવે ઘરડી અને સામાન્ય દેખાવા લાગી. ગરીબ ઘરની સામાન્ય સ્ત્રીઓ જેવી મજબૂત અને બરછટ. મેલાંઘેલા વાળ, ચોળાયેલો સ્કર્ટ અને ગંદા હાથથી પોતું મારતી વેળાં જોરજોરથી વાતો કરતા હવે તેણે શરમ આવતી નહી.
પણ ઘણીવાર નવરાશની પળોમાં જ્યારે તેનો પતિ ઓફિસે ગયો હોય ત્યારે તે બારી પાસે બેસી આકાશમાં તાક્યા કરતી. તે પેલી એક રાતમાં ખોવાઈ જતી કે જેમાં તેના બધાં સપના પૂરા થયાની સાથેજ હકીકતનાં કીચડમાં રગદોળાઈ ગયાં હતાં.
જો તે હાર ના ખોવાયો હોત તો! કોને ખબર તેની જિંદગી અત્યારે કેવી હોત? કોણ જાણી શકે? જિંદગી કેટલી વિચિત્ર અને અનિશ્ચિત હોઈ શકે છે....એક નાનકડી વસ્તુ આખી જિંદગી બગાડવા કે બનાવવા કેટલી સમર્થ છે!
એક રવિવારે આખા અઠવાડીયાનાં વૈતરાંથી થાકેલી મટીલ્ડે પાર્કમાં ટહેલવા નીકળી હતી. સામે તેણે એક સ્ત્રી જોઈ, પોતાના બાળકને રમાડતી હતી. તે મેડમ ફોરેસ્ટિયર હતી, હજી પણ સુંદર,નમણી અને યુવાન.
પહેલાં તો તેને મેડમ ફોરેસ્ટિયરને મળવાનું મન થયું, પણ થોડી ખચકાઈ. પછી થયું કે હવેતો એ વાત બહુ જૂની થઈ ને બધા પૈસા પણ ચૂકવાઈ ગયા છે તો મળવામાં શું વાંધો? અને તે મળવા ગઈ.
“કેમ છે, જેન?”
અચાનક અજાણી સ્ત્રી દ્વારા તેનું નામ બોલાતું જોઈને પેલી સ્ત્રી થોડી મૂંઝવાઈ, તે બોલી “માફ કરો, તમારી કઈ ભૂલ થતી લાગે છે. હું તો તમને ઓળખતી પણ નથી.”
“અરે..જેન, હું મટીલ્ડે, મટીલ્ડે લ્યુઆઝેલ.”
“અરે ભગવાન! મટીલ્ડે? તું કેટલી બદલાઈ ગઈ છે!”
“હા, આપણે છેલ્લે મળ્યા પછીની મારી જિંદગી ખૂબજ સંઘર્ષમય ગુજરી, ભયંકર ગરીબી અને... – તે બધુ તારા લીધે!”
 “મારા લીધે? શું વાત કરે છે, તું પાગલ તો નથી થઈ ગઈ ને?” આ અચાનક થયેલા પ્રહારથી તે ડઘાઈ ગઈ.
“તને યાદ છે પેલો હીરાનો હાર જે તેં મને મંત્રીની પાર્ટીમાં પહેરવા આપ્યો હતો?”
“હા, તો?”
“તે મારાથી ખોવાઈ ગયો હતો.”
“ખોવાઈ ગયો હતો એટલે? તે તો તેં મને પાછો પણ આપી દીધો હતો.”
“જે હાર મેં તને પાછો આપ્યો હતો તે તો તારા હાર જેવો જ બીજો નવો હાર હતો. અમારા જેવા કે જેમની પાસે મૂડીને નામે કાઈજ નહોતું, તું સમજી શકે છે કે અમારા માટે તે કેટલું મુશ્કેલ રહ્યું હશે. આ હારનું દેવું ચૂકવતા અમને દસ વર્ષ લાગ્યા.”
મેડમ ફોરેસ્ટિયર મૂઢની માફક તેને તાકી રહી. “એટલે તારું કહેવું છે કે જે હાર તેં મને મારા હારનાં બદલે આપ્યો હતો તે સાચા હીરાનો હતો?”
“એટલે હજી સુધી તને ખબર જ નથી પડી કે તે હાર બદલાઈ ગયો હતો? તદ્દન સરખો જ હતોને એટલે કદાચ.” આ છેલ્લું વાક્ય બોલતા તે નિખાલસ પણ થોડું મગરૂરી ભર્યું મુસ્કાઈ ઉઠી.
મેડમ ફોરેસ્ટિયરે આગળ વધી તેના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા. તે વિચલિત થઈ બોલ્યા, “ અરે..રે...મટીલ્ડે! મારો હાર તો નકલી હતો. વધુ માં વધુ તેની કિંમત પાંચસો ફ્રાંક્સથી વધુ નહી હોય.”


No comments:

Post a Comment