Saturday, October 13, 2012

એક ટુંકી વાર્તા : ગજરા ગોપી


ગજરા-ગોપી 

એમ. જી. શેઠ ની ત્રણ ત્રણ ટેક્ષ્ટાઈલ મિલો ધમધમતી હતી. પોતાના પિતાજી ગોપાળદાસ શેઠ તરફ થી મળેલી એક ‘સ્વરાજ મિલ’ ને મોહનદાસે પોતાના સ્વભાવ તથા કુનેહ થી ત્રણ ગણી કરી નાખી હતી.
મોહનદાસ અને યમુનાબેન ને સંતાનસુખ જીવન ની ઉત્તરાવસ્થા માં દીકરી સ્વરુપે પ્રાપ્ત થયુ હતુ. લાંબા દુકાળ પછી પધારેલા મેઘરાજા ના જેમ ઓર માનપાન હોય છે તેમ ગોપી ને પણ ‘ગોલોક’ માં ખૂબ જ વ્હાલ તથા પ્રેમ મળવા લાગ્યો. યમુનાબેન તો એનામા સાક્ષાત શ્રી કૃષ્ણ સહચારિણી ગોપી જ જોતા ! 

પણ ટોલ્સટોયે કહ્યુ છે તેમ “ દરેક સુખી પરિવાર સમાન રૂપે સુખી હોય છે પરંતુ દરેક દુખી પરિવાર પોતપોતાની રીતે દુખી હોય છે.” શેઠ પરિવાર નુ સુખ તો અન્યો જેવુ જ હતુ પણ તેમનુ દુખ ગોપી જેટલુ જ સ્પેશ્યલ અને અલગ હતુ.  

નાનપણ થી જ  ગોપી ને ક્દી ન જોયેલા એવા ચહેરાઓ સ્વપ્નમાં દેખાતા. ઘણીવાર તો દિવસે પણ અર્ધજાગ્રત પણે જાણે કાંઈક દૂર નુ દેખતી હોય તેમ તાકી રહેતી. ગોપી સમજણી થતી ગઈ તેમ તેનું આ વિચિત્ર વ્યાધિ પણ વધવા લાગ્યુ. ચિંતાતુર શેઠે તેમના મિત્ર અને સાયકોએનાલિસ્ટ ડો. પરીખ ને ગોપી વિષે વાત કરી. ડો. પરીખે પૂરતી વિગતો જાણ્યા પછી જણાવ્યુ કે “ મોહનભાઈ, મે બી યુ હેવ ગોટ અ વેરી સ્પેશીયલ ચાઈલ્ડ, વન ઈન અ મીલીયન ! હવે મારી વાત ધ્યાન થી સાંભળજો. તમારા માટે આ વાત પર બીલીવ કરવુ કપરુ હશે. પણ ગોપી ના ભૂતકાળ ની કોઈ એવી સ્મૃતિઓ છે કે જે તેને કનડી રહી છે  તેથી આપણે તેના ભૂતકાળ તરફ જવુ પડશે,.”

મોહનભાઈ હસતા હસતા બોલ્યા “ ડોક્ટર યુ નો કે ગોપી હજી માત્ર પાંચ જ વર્ષ ની છે.  એના આટ્લા અમથા ભૂતકાળ ની વળી એવી તે કઈ સ્મૃતિઓ હોઈ શકે કે જેને પરેશાન કરી શકે?  જે કાંઈ પૂછવુ હોય તે તમે મને પણ પૂછી શકો છો “ 

“ નહી મોહનભાઈ વાત જો આટલી જ સરળ હોત તો મારે તમને એમ કહેવુ જ ના પડત કે તમારે માટે બીલીવ કરવુ કઠીન હશે! હું ગોપી ના આ જીવન ના નહી એના ગયા જન્મ ના ભૂતકાળ ની વાત કરી રહ્યો છુ ! મારે ગોપી ને હિપ્નોટાઈઝ કરી ને એના અર્ધજાગ્રત મન માં પડેલા રહસ્યો ને ઉજાગર કરવા પડશે કે જેથી આપણ ને ગોપી ની આ બીમારી ની કોઈ કડી મળી શકે. “ 

મોહનભાઈ આ સાંભળી ઉકળી ઉઠ્યા “ વોટ રબીશ ડોક્ટર ! તમે એક ડોક્ટર થઈ ને આમ પુનર્જન્મ-બુનર્જન્મ જેવી વાહિયાત વાતો માં માનો છો? આઈ ડીડ નોટ એક્ષપેક્ટ ધીસ ફ્રોમ યુ પરીખ “
ડો. પરીખ શાંતિ થી મોહનભાઈ નો હાથ પકડી ને બોલ્યા “ ડોક્ટર છું તેથી જ માનુ છુ મોહનભાઈ. અલબત્ત મારી કરિયર માં આવો પ્રથમ કેસ છે પણ આવા ઘણા કેસ મેં વાંચ્યા- સાંભળ્યા છે.”  આમ કહી ડૉ. પરીખે તેમને આવા એક-બે કિસ્સા કહી સંભળાવ્યા. આ બધુ સાંભળી મોહનભાઈ અવાક થઈ ગયા.

“ ડોન્ટ વરી મોહનભાઈ, એમા ગભરાવા ની કાંઈ જ જરૂર નથી. કાલે તમે ગોપી ને અહીં લઈ આવો આપણે તેના સબકોંશીયસ માઈન્ડ માં ડોકીયુ કરી જોઈએ, એના સિવાય આ કેસ નો કોઈ ઉકેલ નથી જણાતો. “ 

શેઠ માત્ર “ભલે”  કહી ત્યાંથી ચાલી નીકળ્યા પરંતુ તેમના મન માં તો વિચારો નું ઘોડાપુર વહી રહ્યુ હતુ. એમને સૌથી મોટી ચિંતા હતી યમુનાબેન ને શું કહેવુ ઘરે જઈને? એમની દિકરી માત્ર એમની દિકરી નથી? તે કદાચ કોઈ ની મા, બાપ, ભાઈ કે દાદી પણ છે?! વિચારી ને પણ કેવુ વિચિત્ર લાગે છે? 

ઘરે પહોચી ને રાત્રે સુતી વખતે યમુનાબેન ને બધી જ વાત કરી. બન્ને આખી રાત સૂઈ ન શક્યા  અને તેમની ઢીંગલી ને પંપાળતા બેસી રહ્યા. તેમણે નક્કી કર્યુ કે ગમે તે થાય પણ આટલી નાનક્ડી બાળકી ના મન પર કોઈ પણ જાત નો તણાવ આપવો નહી ને બધુ જ ભગવાન ના ભરોસે છોડી દેવુ, સમય આવ્યે થતું જાશે પ્રભુ કરતાર છે ન્યારો ! 

ગોપી ધીરે ધીરે મોટી થવા લાગી. જોતા જ ગમી જાય તેટ્લી સુંદર ગોપી ને જોઈ કોઈ ને કલ્પના પણ ન આવે કે તેનુ નાનકડુ મન આખા બે જન્મારા સાથે જીવી રહ્યુ હશે!  હવે તેને દેખાતા ચહેરાઓ માં થોડી સ્પષ્ટતા આવવા લાગી હતી. ઘણીવાર તે ઉંઘ માં પરસેવે રેબઝેબ થઈ જતી અને અચાનક એક ચીસ સાથે જાગી ઉઠતી  “ મુકુંદ....... ” .

તેમના સગાવ્હાલા માં, પરિચિતો માં કે ગોપી ના ક્લાસ માં પણ કોઈ મુકુંદ નહોતો ! તો આ મુકુંદ હતુ કોણ? આ સવાલ હવે ગોપી નુ નાનકડુ મન પણ પૂછવા લાગ્યુ હતુ. તેણે એકાદવાર તેની મમ્મા ને પૂછવાનો પ્રયત્ન પણ કરી જોયો પણ કાંઈક સચોટ ઉત્તર ન મળવાથી અને તેના બાળમન ને ઝાઝી પરવા પણ ન હોવાથી વાત ઉડી જતી. 

આમ ને આમ બીજા 4 વર્ષ વીતી ગયા. ગોપીને રોજ સ્કૂલે મુકવા લેવા શેઠ ના વિશ્વાસુ ડ્રાઈવર સુલેમાનચાચા જતા જેઓ રોજ ગોપી ને છેક ક્લાસ ની અંદર બેસાડી આવતા અને પાછી લઈ જતા.   
એક દિવસ ગોપી ને ક્લાસ માં છોડી ને સુલેમાનભાઈ ગાડી ની સર્વિસ કરાવવા નીકળી ગયા. પાછા ફરતા એક અક્સ્માત ના લીધે ટ્રાફિક જામ હોવાથી તેઓ સમયસર સ્કૂલે ન પહોચી શક્યા. અહીં રોજ છૂટવાના સમયે સુલેમાનચાચા ને જોવા ટેવાયેલી ગોપી તેમને શોધતી છેક સ્કૂલ ની બહાર આવી. પહેલી જ વાર આમ એકલી બહાર નીકળેલી ગોપી બાળસહજ કુતુહલ વૃત્તિ થી બધુ જોતી જોતી રસ્તા ની ધારે ધારે ચાલવા લાગી. ચાલતા ચાલતા એક ગલી પર તેની નજર પડી અને ત્યાં જ ચોંટી ગઈ. જાણે વર્ષો થી ત્યાં જતી આવતી જતી હોય તેમ તે ગલી ને જોઈ રહી. અંદર થી કોઈ ખેંચાણ અનુભવતી હોય તેમ ચાવી ભરેલા રમકડા ની માફક ગોપી ચાલવા લાગી. સાવ અપરિચિત જગ્યા હોવા છતા જાણે તેને રસ્તા ની પાક્કી ખબર હોય તેમ તે એ  ગંધાતી અને સાંકળી ગલીઓ માં ચાલતી ચાલતી એક ખોલી ની સામે ઉભી રહી કોઈક ને શોધવા લાગી. ઓસરી માં બેઠેલા એક લઘરવઘર દારૂડિયા ને જોઈ ગોપી સહસા બોલી ઉઠી

 “ રઘલા.....  “ . રઘલો તેની નજીક આવીને ગંધાતા મોઢે બોલ્યો “ કુનુ કોંમ સ સોડી? “
ગોપી જાણે આવા ગંધાતા મોઢા ની વર્ષો ની આદત હોય તેમ બોલી “ રઘલા.... મુ ગજરી!!”
રઘલો તો તેને ફાટી આંખે જોઈ જ રહ્યો  “ બોલ સોડી કુનુ કોંમ સ?  
પણ ગોપી તો જાણે કોઈ બીજી જ દુનિયા માં વિચરતી હોય તેમ બોલી  “ આપડો મુકુંદ ચો સ? બૌ મોટો થૈ જ્યો અશે નઈ ? “ આ સાંભળી ને તો રઘલા ના તો હોશ અને દારુ બન્ને ઉડી ગયા. 

 અહીં ગોપી ઘરે ન પહોચતા, શેઠે ચારે તરફ ગાડી ઓ દોડાવી મુકી અને પોલીસ ને પણ કામે લગાડી દીધી. લોકો ને પુછતા પુછતા પોલીસે ગોપી કઈ તરફ ગઈ હતી તે શોધી કાઢ્યુ. શેઠ ને સાથે લઈ ને બધા રઘલા ની ખોલી આગળ આવી પહોચ્યા જ્યાં પહેલાથીજ આખો ભંગીવાસ એકત્રિત થઈ ચૂક્યો હતો. તકદીર નો આ કેવો તકાદો કે એક અબજોપતિ મિલ માલિક ચુસ્ત વૈષ્ણવ મોહનદાસ શેઠ આજે પોતાનુ શેઠપણુ ભૂલીને એક ની એક દીકરી ખાતર હરિજનવાસ માં ઉભા હતા. આ બધા થી અલિપ્ત ગોપી તો તેનાથી વરસેક મોટા એવા ગગલા નો  હાથ પોતાના હાથ માં લઈ ને વહાલપૂર્વક વાતો કરી રહી હતી. 

ઈનસ્પેક્ટર ગોહીલે રઘલા ને ઈશારા થી બોલાવ્યો. ગભરાયેલો રઘલો તો આવી ને સીધો ઈનસ્પેક્ટર ના પગે પડી ગયો.
“ મીં કોંઈ નહી કર્યુ સાહેબ. આ સોડી ન મું ઑંય નહી લાયો એ તો ઈની આપે જ હેંડતી હેંડતી ઑય આવી સ અન પાસી ઈમ કે સ.... ક.... એ મારી ગજરી સ ! “
ઈનસ્પેક્ટરે ગુસ્સા થી પુછ્યુ “કોણ ગજરી?”
 “ સાહેબ મારી બૈરી ગજરી, પેલા તોફાનો થ્યાતા ન ઈમાં દવાખોને લઈ જવા કોંઈ મલ્યુ નઈ ન ઘર માં જ મારા ગગલા ને જલમ આપતે આપતે મરી જ્યેલી ”.

શેઠ વાત ને સમજતા બોલ્યા “ જો રઘલા વિધી ના લેખ મજાક ની હદ સુધી નિરાલા હોય છે, આ મારી છોકરી ગોપી છે. તેને નાનપણ થી જ કાંઈક વિચિત્ર માનસિક બીમારી હતી. તે ઉંઘ માં થી અચાનક જાગી જતી અને કહેતી કે તેને વિચિત્ર ચહેરાઓ અને ગલીઓ દેખાય છે અને ઘણીવાર તો એ ‘મુકુંદ’ ના નામ ની ચીસ પણ પાડી ઉઠતી. અને....... “ 
  
શેઠ ની વાત ને વચ્ચે થી જ કાપતા રઘલો બોલ્યો, “ સાહેબ ઈમ નમ તો મું યે થોડો મોંનુ? પણ જ્યાણ મીં આ સોડી ના મુઢે મુકુંદ હોંભળ્યુ ન તારથી જ મું તો સક્કર ખઈ જ્યો! સાહેબ મારો ગગલો જ્યાણ ઈની મા ના પેટ મૉં છો-હાત મહીના નો માંડ અશે તારે ગજરી મન કેતી ક રઘલા આપડ આપડા આવનારા છોરા નું નોમ મુકુંદ રાખશુ. અન ઈન આપડી જ્યમ મજૂરી નઈ કરાઈએ, ઈન તો ભણાઈ ગણાઈ ને મોટો સાહેબ બનાઈશુ.  એ વાત તો શેઠ જઈ ગજરી ભેગી લાકડોં મોં, મીં નહી તો ગગલા નું નોમ મુકંદ પાડ્યુ ક નહી તાર પસ એ વાત કોઈ ન કરી, તો સાહેબ આ આવડી અમથી સોડી ન એ ચોં થી ખબર પડી ? સાહેબ તમે મોંનો ક ના મોંનો પણ આ સોડી હો ટકા ગયા જલમની મારી ગજરી ! “

 શેઠ કાંઈ પણ બોલ્યા વગર આ બધુ જ જાણે સ્વીકારમૂલક શાંતિ થી સાંભળી રહ્યા. પણ ઈંસ્પેકટર તો આ સાંભળ્યા કરતા પણ વધુ એક પીધેલા ચીંથરેહાલ દારુડીયા નો નર્યો બકવાસ સાંભળ્યા છ્તાં ચુપ રહેલા શેઠ ને જોઈ આશ્ચર્ય પામ્યા. તેઓ રઘલા ને કાંઈક બોલવા જ જતા હતા ત્યાં જ એક બત્રીસ પાંત્રીસ વર્ષ ની એક સ્ત્રી મોહનદાસ શેઠ ને જોઈ બોલી,  
“ સાહેબ તમારી હવેલી તો પેલા ટેકરા વારી જ ન ? “ મોહનલાલે હકાર માં ડોકુ હલાવ્યુ. પેલી સ્ત્રી એ આગળ ચલાવ્યુ. “ મું અન ગજરી બેય જણીઓ તમાર ટેકરે ઝાડુ વારવા આવતા તારની એ જ્યાણ પણ તમારી હવેલી જોતી એટલી વાર કે’તી ક બર્યુ આ આયખુ ! આખો જન્મારો લોકો ની વેઠો જ કરવાની ? આ હવેલી મૉં રે’વા વારા ન ચેવુ સુખ નઈ ? એય ને મોટી મોટી ગાડીઓ મોં ઘુમવાનુ ને મ્હેલો મોં રે’વાનુ, ભગવોન.....આપડ ચ્યારે આવુ સુખ પોમીશુ હેં ’લી?? સાહેબ ભગવોને ગજરી ની વાત હોંભરી હોં “.

શેઠ આ સાંભળી થોડીવાર આકાશ સામુ જોઈ રહ્યા! 

શેઠ અને ઈંસ્પેક્ટર માંડ માંડ બધાને સમજાવી બહેલાવી ગોપી ને ત્યાંથી ઘરે લાવવા માં તો સફળ થયા પણ હવે શુ? જે દિવસ ની શેઠ ને વર્ષોથી બીક હતી તે પૂરો થવામા હતો. પણ ભંગીવાસ માંથી ઘરે આવતી વખતે શેઠ નું કાંઈક અમૂલ્ય જાણે ત્યાં જ છૂટી ગયુ હતુ. સૂર્યાસ્ત સાથે જાણે શેઠ નું પણ કંઈક અસ્ત થયુ હતુ. 

શેઠ અને ગોપી ઘરે પહોચતા યમુનાબેને સૌથી પહેલુ કામ ગોપી ને ઝારી જી નું જળ છાંટી ’પવિત્ર’ કરવાનુ કર્યુ. આ જોઈ રહેલા મોહનદાસ ને વિચાર ઝબકી ગયો કે આ વીધી ગોપી ને પવિત્ર કરવા થઈ રહી છે કે યમુના ના મન ને! ગોપી ને તો કોઈ અપવિત્રતા સ્પર્શી જ નહોતી શકી કારણ કે તેને આ ‘પવિત્રતા’ ની જ ક્યાં ખબર હતી? તો શુ આ બધી ‘ધાર્મિક’ વાતો ખાલી માણસ ના મન ને રાજી કરવા જ હતી? યમુના ને મન ભંગીવાસ સૌથી અપવિત્ર જગ્યા હતી તો એ અપવિત્રતા મહેસૂસ કરતી હતી અને ગોપી ની આંખો માં તો પોતાના દીકરા ને મળવા નો આનંદ જ સમાતો નહોતો! તો શું........ આંખો પર ઝારીજી ના જળ નો છંટકાવ થવાથી મોહનદાસ ની વિચારમાળા તૂટી ગઈ. પાછો એ જ પ્રશ્ન : હવે શુ? 

આજે જિંદગી માં પ્રથમવાર યમુનાબેને ગોપી ને પોતાની સાથે નહીં પણ તેના પોતાના બેડરુમ મા સુવાડી! 

બીજા દિવસે સ્કૂલે જતા ગોપી એ યમુનાબેન ને પૂછ્યુ “ મમ્મા હું આજે મુકુંદ ને મારી સાથે ઘરે રમવા  લઈ આવુ? યમુનાબેન માત્ર “ ના “ એટલું જ બોલી શક્યા. ગોપી કારણ પૂછે તે પહેલા જ તેમણે ગોપી ને કાર મા બેસાડી દીધી. સુલેમાનચાચા ને કહી દેવામા આવ્યુ કે સ્કૂલ સિવાય ગોપી ને ક્યાંય એકલી ન મુકવી અને તેને “ પેલા વાસ” તરફ ના રસ્તે થી સ્કૂલે પણ ન લઈ જવી. 

આમ ને આમ અઠ્વાડીયુ વીતી ગયુ. ગોપી ના નિર્દોષ પણ દઝાડી મુકે એવા પ્રશ્નો થી યમુનાબેન પરેશાન થઈ ગયા હતા. તો મોહનદાસ ને ગોપી ના સહેલા પ્રશ્નો છેક ધર્મ અને સમાજવ્યવસ્થા ના મૂળ ઉપર થતા પ્રહારો જેવા લાગતા.
એક સાંજે જ્યારે મોહનદાસ મીલે થી ઘરે આવ્યા ત્યારે સામે જ ગંભીર બની બેઠેલી ગોપીને  જોઈ. પાસે જઈ પ્રેમ થી માથે હાથ ફેરવતા બોલ્યા
“ શું થયુ બેટા ? મમ્મા એ કાંઈ કહ્યુ મારી ઢીંગલી ને ?”
ગોપી એ સામે પ્રશ્ન કર્યો “ ડેડી તમે મને એક દિવસ નહોતા કહેતા કે દાદાજી એ તમારુ નામ ગાંધીજી ના નામ પર થી પાડ્યુ છે?” 


મોહનદાસે ગર્વભેર કહ્યુ “ હા બેટા, દાદાજી તો સ્વાતંત્ર્યસેનાની હતા. ગાંધીજી ના સિધ્ધાંતો ઉપર તેઓ આખુ જીવન જીવ્યા હતા. અમને પણ તેઓ તેવુ જીવવા ની પ્રેરણા આપતા હતા. હું તેમનો સૌથી લાડકો હતો તેથી જ મારુ નામ તેમણે તેમના આદર્શ ઉપરથી..... “
ગોપી એ ડેડી ની આંખો માં જોઈ વચ્ચે જ પૂછ્યુ,  “ આજે અમારી સ્કૂલ માં ગાંધીજી ની એક ફિલ્મ બતાવી. તેમાં તે મોહનદાસ તો હરિજન છોકરાઓ સાથે રમતા, જમતા અને તેમના જ ઘરે રહેતા પણ હતા. છ્તા તેઓ ને સૌ બાપુ અને રાષ્ટ્રપિતા કેમ કહે છે?    
  
મોહનદાસ શેઠ ની આંખો શરમ થી ઢળી પડી.

- ચિંતન પટેલ

No comments:

Post a Comment