Wednesday, October 24, 2012

નવરાત્રિ: ભારતીય સંસ્કૃતિ ના પરિપ્રેક્ષ્યમાં


 નવરાત્રિ: ભારતીય સંસ્કૃતિ ના પરિપ્રેક્ષ્યમાં 

- ચિંતન પટેલ 
 આપણા તહેવારો એ આપણા ઋષિમુનિઓ અને પૂર્વજો તરફથી આપણને મળેલી અણમોલ વિરાસત છે. શારદીય નવરાત્રિ ના નવે નવ દિવસ આપણે ગીત અને ગરબા તો ભરપૂર માણીશુ જ, પણ જાણી ને માણવાની મજા જ કાંઈ ઓર હોય છે. તો આવો નવરાત્રિ ના તહેવાર વિષે થોડુ જાણી પણ લઈએ.

ઐતહાસિક પરિપ્રેક્ષ્ય :


નવરાત્રિ એટલે શક્તિપૂજા, શક્તિ નો અખૂટ ભંડાર સમી માં દુર્ગા ની અભ્યર્થના. આપણને બાકીના 355 દિવસ ચલાવનારી એ શક્તિ – સત્તા ને પુજવાનો અને આભાર પ્રગટ કરવાનો અવસર છે. આપણા શાસ્ત્રોમા શક્તિ નુ ઘણા અલગ-અલગ નામ તથા રૂપ માં વર્ણન છે. શક્તિપૂજા એ પૂજા ની સૌથી પ્રચલિત પદ્ધતિ રહી છે. નવરાત્રિ નું આજનુ પ્રચલિત રૂપ ક્યારથી અમલમાં આવ્યુ તે અંગે ઘણા મતભેદો છે. પરંતુ ઐતહાસિક રીતે જોતા દેવીપૂજાનો છેડો છેક ઉત્તર પાષાણયુગ માં ઈ.સ. પૂર્વે 20,000 માં મળે છે, તે કાળ ની થોડીક ભગ્ન મૂર્તિઓ ઉત્તર પ્રદેશ નાં અલાહાબાદ નજીક મળી આવેલ છે. નૂતન પાષાણયુગ માં પણ ઈ.સ. પૂર્વે 5500 ની આસપાસ આજે પાકિસ્તાન ના બલૂચિસ્તાન વુસ્તાર માં આવેલા મહેરગઢ માંથી દેવી પ્રતિમાઓ મળી આવેલી છે.   
      
Mehrgarh Statuettes; Courtesy – Wikimedia Commons; Source: Denis Biette )
                                                                              
 સિંધુ ખીણ ની સંસ્ક્રુતિ કે હરપ્પા સંસ્કૃતિ માં સૌથી વધુ મૂર્તિઓ જો કોઈ ની મળી હોય તો તે દેવી ની છે! પરંતુ જો શાક્ત સંપ્રદાય ની વાત કરીએ તો વ્યવસ્થિત અને સુનિયોજીત શક્તિપૂજા ભારત માં ગુપ્તકાળ (ઈ.સ. 300-700 ) માં શરુ થયેલી જણાય છે, એવુ ઈતિહાસવિદ શ્રી એમ. સી. જોષી નું તારણ છે. ત્યારથી લઈને આજ સુધી શાક્ત સંપ્રદાય વિકસતો રહ્યો અને તેનું સાહિત્ય પણ રચાતુ ગયુ.  આજે ખૂબ જ પ્રચલિત અને જ્ઞાનસભર એવો ચંડીપાઠ કે દુર્ગા સપ્તશતિ પણ ગુપ્ત કાળ માં જ રચાયો હોવાનુ જોષી સાહેબ નું માનવુ છે. પરંતુ શક્તિ સંપ્રદાય ના પ્રચાર-પ્રસારનું સૌથી ભગીરથ કાર્ય શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા થયુ છે. તેમની સૌંદર્યલહેરી વાંચીને તો આજે નવરાત્રિના નામે મોર્ડનાઈઝેશન અને અંગપ્રદર્શન ની કાગારોળ કરતા મનથી બુઢ્ઢા અને અક્ક્લથી આંધળા ગુજરાતી અસ્મિતા ના કહેવાતા રખેવાળો કદાચ શંકરાચાર્ય ને જેલ માં નંખાવી દે! પણ સૌંદર્યલહેરી સંસ્કૃત માં હોવાથી થોડી શાંતિ છે!!

પૌરાણિક પરિપ્રેક્ષ્ય : 

આતો થઈ નવરાત્રિ ની ઐતહાસિક પશ્ચાદભૂ ની વાત, પણ નવરાત્રિ શા માટે અને કેવી રીતે ઉજવવી એ પણ એક રોચક કથા છે. દેવી પુરાણ અનુસાર નવરાત્રિ એ નવ-રાત્રિ ઓ નો, આદિ શક્તિ ના નવ અલગ-અલગ સ્વરૂપો ને સમર્પિત નવ દિવસ રાત્રિઓ નો તહેવાર. નવ રાત્રિ ની નવે નવ રાત્રિઓ માં દુર્ગા ના એક એક સ્વરૂપ ને સમર્પિત છે. પ્રથમ રાત્રિ - માતા આદ્યકુમારી,  બીજી રાત્રિ - માતા બ્રહ્મચારિણી, ત્રીજી રાત્રિ – માતા ચંદ્રઘંટા, ચોથી રાત્રિ – માતા કુષ્માંડા, પાંચમી રાત્રિ – માતા સ્કંદદેવી, છઠ્ઠી રાત્રિ – માતા કાત્યાયાની , સાતમી રાત્રિ – માતા કાલરાત્રિ, આઠમી રાત્રિ – માતા મહાગૌરી અને નવમી રાત્રિ – માતા સિધ્ધિદાત્રિ.  એક અન્ય પ્રચલિત માન્યતા અનુસાર આ નવ રાત્રિ ઓ જગત ની ત્રણ મહાશક્તિઓ ને સમાન રૂપે સમર્પિત કરવામાં આવી છે. એક થી ત્રણ રાત્રિ મહીશાસુર મર્દિની મહાકાળી ને, ચાર થી છ રાત્રિ મહાલક્ષ્મી ને અને છેલ્લી ત્રણ રાત્રિ મહાસરસ્વતિ ને! જ્યારે સાધક સાધના શરૂ કરે છે ત્યારે તે દરેક જાતના વિકારો અને દુર્ગુણો થી ખદબદતો હોય છે. તેથી પ્રથમ ત્રણ દિવસ માં( સાધના ના પ્રથમ તબક્કામાં ) માતા મહાકાલી પોતાના વિકરાળ સ્વરૂપે બધા જ દુર્ગુણો નો વિનાશ કરે છે. ચંડીપાઠ માં વર્ણવેલ દાનવો કોઈ બહારના નહીં પણ આંતર રિપુઓ જેવા કે કામ, ક્રોધ વગેરે ના રૂપક જ છે! આમ આંતરિક શુધ્ધિ પામેલો સાધક હવે સદગુણોરૂપી આધ્યાત્મિક સમૃધ્ધિ ને પામવા લાયક બને છે.  સાધના ના આગળ ના ચરણ માં માતા મહાલક્ષ્મી તેને પોતાના સર્વોચ્ચ ખજાના થી ન્યાલ કરી મૂકે છે. શક્તિકૃપા થી હવે  જેને સંસારમાં કાંઈ પામવાનુ રહેતુ નથી એવો શક્તિ નો સાધક હવે પરમ જ્ઞાન સંપાદન કરવા લાયક બને છે. સાધના નાં અંતિમ પડાવ પર તે માતા મહાસરસ્વતી ની કૃપા પ્રાપ્ત કરીને ઉચ્ચ્તમ જ્ઞાન ને પામે છે. આમ, નવરાત્રિ એ સાધક ના સર્વાંગી વિકાસ અને તેની સાધના ની ઉત્ક્રાંતિ નું પર્વ છે!

તાર્કિક કે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય : 

દંતકથાઓ અને પૌરાણિક માન્યતઓ તો ઠીક પણ ભારત ના ઋષિ ની વાત હોય અને કોઈ લોજીક કે વૈજ્ઞાનિક આધાર ન હોય? નો વે!! સૌ પ્રથમ તો બન્ને નવરાત્રિઓ ચૈત્ર નવરાત્રિ અને  આસો નવરાત્રિ કે મહાનવરાત્રિ અનુક્રમે વસંત અને શરદઋતુ નાં પ્રારંભે આવે છે. મતલબ કે કાળચક્ર ના સંધિકાળે, વર્ષ નો આ એવો  સંધિકાળ છે કે જ્યારે સૂર્ય ની મેષ અને તુલા માં સંક્રાંતિ થાય છે. ટુંકમાં આ બન્ને વખતે સૂર્ય લગભગ પ્રુથ્વી ના વિષુવ ભાગે હોય છે, એટલે કે દિવસ અને રાત લગભગ સમાન હોય છે. ગ્રેગોરિયન કેલેંડર મુજબ 21 માર્ચ અને 21 સપ્ટેમ્બર ની આજુબાજુ નો સમય!


 લગભગ દરેક ધર્મ માં અને સાયંસ મુજબ પણ સંધિકાળ એ પ્રાર્થના અને આરાધના માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. અમુક લોકો ના માનવા મુજબ તો હિંદુ ધર્મ માં થતી સંધ્યા પ્રાર્થના નુ આ મૂળ કારણ છે. આરોગ્યશાસ્ત્ર ના મત અનુસાર આ નવ દિવસ બ્રહમાંડ માં ઉર્જા નુ વધુ પ્રમાણ હોય છે જેથી શરીર માં છ મહીનાથી એકઠો થયેલો કચરો બહાર ફેંકવાની ક્રિયા વધુ ઝડપે થાય છે, જેથી આ દિવસો માં સામાન્ય તાવ, શરદી, કફ વગેરે વધુ રહે છે. તો ગાણિતીક અને આરોગ્ય ની દ્ર્ષ્ટિ એ પણ નવરાત્રિ માં ઉપવાસ અને સાધના નું  અનેરુ મહત્વ છે.

યોગ સાયંસ પરિપ્રેક્ષ્ય : 

યોગ સાયંસ મુજબ નવરાત્રિ એ મનુષ્ય ની ચેતના ના જાગરણ, ઉત્થાન અને પૂર્ણતયા વિકાસનું પ્રતીક છે. મનુષ્ય ના મૂલાધાર શરીર માં સુષુપ્ત પડેલી પ્રાણો ના “નૃત્ય” (રીધમિક આંદોલનો) ના પ્રહાર થી આળસ મરડી ને જાગરણ પામે છે. આ જાગરણ પામેલી આદિશક્તિ સુષુમ્ણા ના માર્ગે ઉર્ધ્વગતિ કરે છે જેમ જેમ આગળ જાય છે તેમ મનુષ્ય ના વિકારો અને શારિરિક અશુધ્ધિઓ અને બીમારીઓ નું ભક્ષણ કરે છે. આ ઉર્ધવગમન છેક નવમા ચક્ર સુધી ચાલુ રહે છે. નવમાં ચક્ર નુ6 ભેદન થયા બાદ જીવ શિવત્વ ની ખૂબ સમીપ પહોચી ગયો હોય છે. હવે તેને માત્ર એક જ અડચણ નો સામનો કરવાનો છે. અહંતા કે કર્તાપણુ એ આધ્યાત્મિક સાધના નું અંતિમ લક્ષ્યભેદન છે. કારણ કે માણસ બુરાઈઓ થી તો પીછો છોડાવી શકે છે પણ પોતાના અહં કે કતૃત્વ ને છોડવુ આસાન નથી. તેથી દસમા દિવસે અહંકાર ના પ્રતીક સમા રાવણ નું દહન કરીને અહંકાર ને જીતવા નો સંદેશો ઋષિ આપે છે!  આમ યોગ સાયંસ અનુસાર નવ રાત્રિ એ માનવ શરીર માં રહેલા નવ ચક્રો ( નર્વ સેંટર્સ ) ના પધ્ધ્તિસર ના અનુષ્ઠાન થકી ભેદન નું પ્રતીક છે.


આ નવ ચક્રો નાં નામ આ પ્રમાણે છે:

1) મૂલાધાર ચક્ર 2) સ્વધિષ્ઠાન ચક્ર 3) મણિપૂર ચક્ર 4) અનાહત ચક્ર 5) વિશુધ્ધ ચક્ર   6) આજ્ઞાચક્ર  7) સહસ્ત્રાર ચક્ર 8) વ્યાપિની અને 9) વ્યોમાંગ.

યંત્રશાસ્ત્ર પરિપ્રેક્ષ્ય : 

વિશ્વ ને મેથેમેટિક્સ અને જીઓમેટ્રી ની ભેટ આપનાર ભારતના ઋષિઓ એ વિકસાવેલ યંત્ર શાસ્ત્ર માં પણ આપણે સાધના નાં નવ સોપાન જોઈ શકીએ છીએ. પોતાના અદભુત ભૌમિતિક બંધારણ અને શક્તિ ના કારણે ચક્ર રાજ કહેવાતા શ્રી યંત્ર કે શ્રી ચક્ર માં પણ આપણે ચતુષ્ફલકીય આંતર્ગઠન પામેલા 9 ત્રિકોણ જોઈ શકીએ છીએ! જેમાંથી 4 ત્રિકોણ ઉર્ધ્વમુખી છે જયારે 5 અધોમુખી છે!

ઉર્ધ્વમુખી ત્રિકોણ એ પુરૂષ નું પ્રતિક છે જ્યારે અધોમુખી ત્રિકોણ એ પ્રકૃતિ કે દેવી સ્વરૂપ નું પ્રતીક છે. સૌથી મહત્વ ની વાત કે આ નવે નવ ત્રિકોણ સમરૂપ છે !! એટલેકે સ્ત્રી ને ગુલામડી, બીચારી કે બાપડી તો આપણા ધર્મો માં ઘૂસેલા સડા એ બનાવી છે, વેદિક કાળ માં સ્ત્રી ને પુરૂષ સમોવડી ગણાતી હતી, જેના ઘણા ઉદાહરણ આપણા ઉપનિષદ અને પુરાણો માં મળે છે! 

ટેક અ લૂક.... !!

નવ દુર્ગા, નવ ચક્ર, નવ ત્રિકોણ અને નવ ગ્રહો ઉપરાંત મેજીક નંબર 9 આપણે અહીં પણ જોઈ શકીએ છીએ :
  •       યોગ સાયંસ મુજબ મનુષ્ય ચાર શરીર ( સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ ) અને પાંચ કોષ ( અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય ) નો બનેલો છે!

 

No comments:

Post a Comment